Homeગુર્જર નગરીગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન, એક બોક્સના આટલા બોલાયા ભાવ

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન, એક બોક્સના આટલા બોલાયા ભાવ

Team Chabuk-Gujarat Desk: ઉનાળાની શરૂઆતથી જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. આકરો તાપ લોકો માટે અસહ્ય બની રહ્યો છે. ત્યારે ઉનાળાની આ ગરમીમાં લોકોની મનપસંદ એવી કેસર કેરીનું આગમન થઈ ચુક્યું છે. ફળોની રાણી અને ઉનાળાની સિઝનમાં ફળમાં લોકોની પહેલી પસંદ એવી કેસર કેરી લોકોના મોં ખાટા-મીઠ્ઠા કરવા આવી પહોંચી છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન થઈ ચૂક્યું છે.

કેરી રસિકો માટે આજે સારા સમાચાર આવ્યા છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા શાકભાજી અને ફ્રુટ માર્કેટિંગ યાર્ડ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન થઈ ગયું છે. છેલ્લા બે ત્રણ દિવસથી કેસર કેરી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઠલવાઈ રહી છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન થતાં વેપારીઓ પણ ખુશખુશાલ જણાઈ રહ્યા છે. સાથે જ ગ્રાહકોની ઇચ્છા પણ પૂર્ણ થતી હોય તેવું દેખાઈ રહ્યું છે.

આ જગ્યાએથી આવી રહી છે કેસર કેરી

કેરીમાં સૌથી ઉત્તમ અને સૌની પ્રથમ પસંદ એવી કેસર કેરી માટે લોકો આતુરતથી રાહ જોતા હોય છે. ઉનાળાની સિઝન શરૂ થતાં જ લોકો બજારમાં કેસર કેરી આવવાની રાહ જોઈને બેઠાં હોય છે. વિશ્વભરમાં પહોંચતી આ કેસર કેરીનું ઉત્પાદન મુખ્યત્વે ગુજરાતના સૌરાષ્ટ્રમાં થાય છે. હાલ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયું છે તે સૌરાષ્ટ્ર પંથકના કંટાળા, જસાધાર, ઉના, તાલાલા સહિતના વિસ્તારોમાંથી આવી રહી છે. સૌરાષ્ટ્રનો આ વિસ્તાર કેસર કેરી માટે જાણીતો છે. વિશ્વમાં કેસર કેરી મોટાપાયે નિકાસ અહીંથી જ થાય છે.

આટલા છે ભાવ

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં હાલ 1800 થી 2000 કેસર કેરીના બોક્સની આવક થઈ છે. આ કેસર કેરીના ભાવની વાત કરીએ તો હાલમાં એક બોક્સના 800 થી લઈને 1400 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. શરૂઆતમાં વધુ ભાવ હોવા છતાં કેસર કેરીના રસિકો કેરી ખરીદી રહ્યા છે. હાલ કેરીના આગમનની શરૂઆત હોવાથી અને ઓછા પ્રમાણમાં કેસર કેરીની આવક થતી હોવાથી ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. વેપારીઓના મતે આગામી સમયમાં જેમ જેમ કેસર કેરીની આવક થવા લાગશે તેમ તેમ ભાવમાં પણ ઘટાડો જોવા મળી શકે છે.

ખેડૂતો અને વેપારીઓ કહી રહ્યા છે કે આ વર્ષે કેસર કેરીની સિઝન વહેલી શરૂ થઈ છે અને લાંબી પણ ચાલશે. સાથે જ સિઝનની શરૂઆતથી જ કેસર કેરીના ભાવ પ્રમાણમાં સારા મળી રહ્યા હોવાથી ખેડૂતો રાહત અનુભવી રહ્યા છે. ઘણી વખત ઉનાળામાં માવઠાના કારણે કેરીનો પાક નિષ્ફળ જતો હોય છે અથવા ફળમાં નુકસાન કે જીવાંત આવી જતી હોય છે. ત્યારે આ વર્ષે ખેડૂતો માવઠું ન પડે અને આખી સિઝન વિના વિઘ્ને પૂર્ણ થઈ જાય તેવી આશા રાખી રહ્યા છે.

ગત વર્ષે લોકડાઉનના કારણે મોટું નુકસાન થયું

ગત વર્ષે ઉનાળાની સિઝનના પ્રારંભે જ કોરોના મહામારીના કારણે દેશભરમાં લોકડાઉન થઈ જતાં દર વર્ષની સરખામણીએ ખેડૂતો અને વેપારીઓને કેરીમાંથી આવક થવા પામી નહતી. લોકડાઉનના કારણે બહારના રાજ્યમાં કે અન્ય જગ્યાએ વાહન વ્યવહાર બંધ હોવાથી જોઈએ તેટલી નિકાસ પણ થઈ શકી નહતી. સાથે જ લોકડાઉનના કારણે માર્કેટમાં કેરી વેચવામાં પણ ખેડૂતો અને વેપારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આ વર્ષે કેરીના પાકમાંથી સારી આવક થાય તેવી વેપારીઓ અને ખેડૂતો ઇચ્છી રહ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments