Homeગુર્જર નગરીઅરવલ્લી: એક પંખો અને એક ટ્યૂબલાઈટ છતાં બિલ આવ્યું 6.32 લાખ

અરવલ્લી: એક પંખો અને એક ટ્યૂબલાઈટ છતાં બિલ આવ્યું 6.32 લાખ

Team Chabuk-Gujarat Desk: સમગ્ર ભારતમાં અમીરો વધારે અમીર ગરીબો વધારે ગરીબ અને મધ્યમવર્ગ ગરીબી તરફ ધકેલાય જાય તેવી સ્થિતિ કોરોનાના મહામારીના કારણે ઉત્પન્ન થઈ છે. ધંધા રોજગાર પડી ભાંગ્યા છે. જેમાં ગુજરાતનું પણ નામ આવે. જોકે વિકાસના પર્યાય તરીકે ઓળખાતા ગુજરાતમાં બેદરકારીનો એક નવો કિસ્સો સામે આવ્યો છે. અત્યાર સુધી તો એવા સમાચાર જ બનતા હતાં કે વીજ કર્મચારીઓની બેદરકારીના પગલે ફક્ત ઉત્તર ભારતમાં મસમોટા બિલ ઠોકી દેવામાં આવે છે. હવે ગુજરાતમાં પણ આવો લાખેણો કિસ્સો બન્યો છે. એક પંખો અને લાઈટ વાપરતા અને નાનું એવું ખોરડું ધરાવતા વ્યક્તિને 6 લાખ રૂપિયાનું બિલ આવ્યું છે.

આ મહાકાય છબરડો નોંધાયો છે ગુજરાતના અરવલ્લીના મોડાસામાં. મોડાસામાં વસવાટ કરતા સિરાજભાઈ શેખ જેઓ શ્રમિક છે. તેમના ઘરમાં એક પંખો અને એક ટ્યુબલાઈટ છે. સિરાજભાઈનું લાઈટબિલ 6.32 લાખ રૂપિયા આવ્યું છે. 6.32 લાખ રૂપિયાનું અધધ બિલ, એ પણ મજૂરવર્ગના માણસની ઉપર આભ તૂટી પડ્યું હોય તેવું છે. સમગ્ર અરવલ્લી જ નહીં ગુજરાતમાં પણ 6.32 લાખ રૂપિયાનું બિલ એક લાઈટ અને પંખો વાપરનારને કેમ આવે તેની ચર્ચા થઈ રહી છે. પરિવાર તો આટલા પૈસા ભરી શકવા સક્ષમ નથી. તેમના પર તો ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

સિરાજભાઈનો પરિવાર મોડાસામાં એલાયન્સ નગરમાં રહે છે. અત્યાર સુધી કાંઈ વાંધો નહોતો. સિરાજભાઈને બે મહિને 300-400ની વચ્ચે બિલ આવતું હતું. જોકે આ મહિને શ્વાસ અદ્ધર કરી નાખે અને આંખો વિસ્ફારીત કરી દે તેવું 6.32 લાખનું બિલ આવ્યું છે.

અત્યાધિક લાઈટ બિલ પર સિરાજભાઈએ નિવેદન આપતા કહ્યું છે કે, ‘‘અત્યાર સુધી મારું વીજળી બીલ આટલું બધું આવ્યું નથી. અમારે 300 – 400 લાઇટ બિલ આવતું હતું, પણ અત્યારે 6 લાખ અને 32 હજાર રુપિયા લાઇટ બિલ આવ્યું છે. હું કોઇ મિલમાલિક નથી. મારા ઘરમાં પંખા અને લાઇટ સિવાય કાંઇ ફરતું નથી. તો આટલું બિલ આવ્યું ક્યાંથી?’’

ગુજરાતમાં અધધ લાઈટ બિલ ઠોકી દેવાનો કિસ્સો પહેલી વખત નથી આવ્યો. અંકલેશ્વરમાં માતૃ હેર સલૂન નામની વાળંદની દુકાન ચલાવનારાને અને મહિને 12 હજારની કમાણી કરનારા વ્યક્તિને 5.70 લાખનું બિલ ફટકારી દીધું હતું. એક કોમન મેન ઉપર જ્યારે આટલું મોટું બિલ ફટકારાઈ ત્યારે તેના પર શું વિતતી હશે એ તંત્રએ ત્યાં જઈ જોવું જોઈએ. એક પંખો અને ટ્યૂબલાઈટમાં 6.32 લાખ….

જોકે વીજ વિભાગને જાણ થતાં તેમણે પોતાની ભૂલનો સ્વીકાર કર્યો હતો. ગ્રાહકને હવે આટલી રકમ નહીં ભરવી પડે. ગ્રાહકને હવે માત્ર 400 રૂપિયા રેગ્યુલર ચૂકવવાના રહેશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments