Homeગુર્જર નગરીઅરવલ્લી: વર્ષો સુધી જીવદયા કરી અને એ જીવદયામાં જ દિલીપભાઈનો જીવ ચાલ્યો...

અરવલ્લી: વર્ષો સુધી જીવદયા કરી અને એ જીવદયામાં જ દિલીપભાઈનો જીવ ચાલ્યો ગયો

Team Chabuk-Gujarat Desk: માનવતાથી મોટો કોઈ ધર્મ નથી હોતો. જીવદયા તો મોટો ધર્મ છે. મકરસંક્રાંતિ પર દોરામાં ફસાયેલા પક્ષીઓને બચાવવાથી લઈને માણસો કંઈ કેટલીય વખત મૂંગા પશુઓને સમસ્યામાંથી બહાર કાઢતો હોય છે. આવી જ રીતે અરવલ્લીના એક શ્રમજીવી થાંભલામાં ફસાયેલા અને તરફડિયાં મારતા કબૂતરને બચાવવા માટે ઉપર ચડ્યા હતા. જોકે આ શ્રમજીવી યુવાનનું કરન્ટ લાગવાના કારણે ઉપરથી પછડાઈ મોત થયું હતું. જે સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. સ્થાનિક પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સમગ્ર ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર માલપુરના ચાર રસ્તા રોડ પર લોખંડના વીજપોલમાં એક કબૂતર ફસાયું હતું. બજારમાં ભારે ભીડ ઉમટી હતી પણ કોઈ કરતાં કોઈનું ધ્યાન કબૂતર પર ગયું ન હતું. એવામાં ત્યાંથી દિલીપભાઈ વાઘેલા પસાર થયા હતા. તેમણે કબૂતરને છૂટકારો અપાવવાનું નક્કી કર્યું. તેઓ લાકડીની શોધમાં હતા પણ લાકડી તેમને મળી નહોતી. જે પછી તેમણે લોખંડનાં પાઈપની આગળના ભાગ પર લાકડી બાંધી દીધી હતી. અને કબૂતરને બચાવવાની દિશામાં આગળ વધ્યા હતા.

આસપાસમાંથી દિલીપભાઈ પર કોઈનું ધ્યાન નહોતું. ત્યારે દિલીપભાઈની આ કામગીરીને એક વ્યક્તિએ મોબાઈલમાં શૂટ કરી લીધી હતી. તેમણે તરફડિયાં મારતા કબૂતરને કાઢવાનો પ્રયાસ કર્યો હતો એ દરમિયાન દંડો તારને અડકી ગયો હતો અને ધડાકો થયો હતો. ધડાકાના કારણે દિલીપભાઈ ઉપરથી પટકાયા હતા અને તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને સારવાર માટે ખસેડવામાં આવે એ પહેલા જ તેમનું મૃત્યુ થઈ ગયું હતું.

મૃતકની ઉંમર 35 વર્ષની છે. તેમના પરિવારમાં પત્ની રેખાબહેન તેમજ બે દીકરા પવન અને બોબી અને પુત્રી તુલસી છે. પરિવાર ઉપર અણધારી આફત તૂટી પડી છે. તેઓ નાનપણથી પક્ષીઓ પ્રત્યે અપાર પ્રેમ દાખવતા આવ્યા હતા અને આજે એ જીવદયામાં જ તેમનો જીવ ચાલ્યો ગયો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments