Team Chabuk-National Desk : અરવલ્લી જિલ્લા LCBએ નાક કપાવ્યું છે. અહીં LCBના પોલીસ કર્મચારીઓએ બુટલેગરની ભૂમિકા ભજવી જેના કારણે હવે પોલીસ આ બુટલેગર પોલીસકર્મીઓ પાછળ પડી છે. અત્યાર સુધીમાં બે પોલીસકર્મીઓ ઝડપાઈ ગયા છે જ્યારે અન્ય બે ફરાર છે. જોકે જેમનું કામ ગાંધીના ગુજરાતમાં દારૂને ડામવાનું છે તેઓ જ સંડોવાયેલા નીકળતા ફુલ ટુ ફજેતી થઈ છે.
પોલીસ કમ બુટલેગર!
1 -આર.કે.પરમાર, પીઆઈ, એલસીબી
2 –હેડ કોન્સ્ટેબલ ઈમરાન શેખ
3 –હેડ કોનસ્ટેબલ પ્રમોદ પંડ્યા
4 –હેડ કોન્સ્ટેબલ અતુલ ભરવાડ
ઉપરના આ ત્રણ નામ એ છે જેમણે સમગ્ર ગુજરાતના પોલીસ તંત્ર પર લાંછન લગાવ્યું છે. પોલીસથી પ્રજા આમ પણ ડરે છે. લાંચના કિસ્સાઓ અવાર-નવાર સામે આવતા રહે છે. જેથી પ્રજાનો વિશ્વાસ ડગમગી રહ્યો છે. હવે પોલીસ જ દારૂ વેચતી હોવાની આ ઘટના સામે આવતા ફરી એકવાર પ્રજાનો વિશ્વાસ ડગમગ્યો છે.
શું છે સમગ્ર ઘટના ?
અરવલ્લીમાં પોલીસે ઝડપેલા દારૂની જ હેરાફેરી કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું હતું. સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે મોડાસા નજીક દારૂ ભરેલી એક સફેદ કાર પલટી ગઈ હતી. જેને લઈને આરોપીઓ કાર મુકીને ફરાર થઈ ગયા હતા. આ બનાવમાં તપાસ કરતાં સામે આવ્યું હતું કે, કારમાં જે દારૂ હતો તે જથ્થો LCBએ જ ઝડપ્યો હતો.
LCBએ તાજેતરમાં જ એક દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો. જે ટેમ્પોમાંથી દારૂ સગેવગે કરાઈ રહ્યો હતો. વધુ તપાસ કરતાં બે હેડકોન્સ્ટેબલના નામ સામે આવ્યા હતા એટલે તેમને તાત્કાલિક ઝડપી લઈ ફરજ મોકૂફ કરી દેવાયા હતા. જેમ જેમ તપાસ આગળ વધતી ગઈ તેમ-તેમ વધુ ચોંકાવનારા ખુલાસા થયા. તપાસમાં એલસીબી પીઆઈનું પણ નામ સામે આવ્યું એટલે તેમના વિરૂદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો. એટલું જ નહીં હદ તો ત્યારે થઈ જ્યારે એલસીબી કચેરીમાંથી વિદેશી દારૂની બોટલ અને બિયરના ટીન મળ્યા.
સમગ્ર ઘટનાની તપાસ મોડાસા શહેર પોલીસ કરી રહી છે. બાતમી મળતા ટીમ એલસીબી કચેરીએ પહોંચી હતી જ્યાંથી તેમને 167 બોટલ વિદેશી દારૂ અને કેટલાક બિયરના ટીન મળ્યા હતા. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, આરોપી પોલીસકર્મીઓ કોઈ બુટલેગર સાથે મળીને દારૂનો વેપલો ચલાવી રહ્યા હતા.

સમગ્ર ઘટના અંગે મોડાસા શહેર પોલીસ મથકના એક અધિકારીએ કહ્યું કે, LCB PI આર.કે.પરમાર, હેડ કોન્સ્ટેબલ ઈમરાન ખાન અને હેડ કોન્સ્ટેબલ પ્રમોદ પંડ્યા તેમજ હેડ કોન્સ્ટેબલ અતુલ ભરવાડ વિરૂદ્ધ આ મુદ્દે ગુનો દાખલ કરાયો છે. જેમાંથી ઈમરાન ખાન અને પ્રમોદ પંડ્યાની ધરપકડ કરી લેવામાં આવી છે જ્યારે પીઆઈ આર.કે.પરમાર અને હેડ કોન્સ્ટેબલ અતુલ ભરવાડ હજુ ફરાર છે જેમને ઝડપી લેવા કાર્યવાહી ચાલુ છે.
બીજી તરફ આ સમગ્ર કૌભાંડના કારણે LCBમાં પોલીસકર્મીઓ એકબીજા પર શંકાની નજરે જોવા લાગ્યા છે. પીઆઈની નજીકના પોલીસકર્મીઓ પર હવે સકંજો કસાઈ શકે છે. તેમજ આ કૌભાંડમાં અન્ય પોલીસકર્મીઓના નામ પણ સામે આવી શકે છે.
ખુદ પીઆઈનું નામ આ ષડયંત્રમાં સામે આવતા અનેક સવાલો ઉઠ્યા છે. સાથે જ હવે સ્થાનિકોએ આ ઘટનાને વખોડી બુટલેગરવૃતિ ધરાવતા પોલીસકર્મીઓને નોકરીમાંથી કાઢી મુકી જેલમાં ધકેલી દેવા માગણી કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત