Team Chabuk-Special Desk: આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ કે નામમાં શું રાખ્યું છે. પરંતુ નામમાં ઘણું બધું છે. નામ એ વ્યક્તિ, સ્થળ કે કોઈપણ વસ્તુની ઓળખ હોય છે. પરંતુ આપણે ઘણી વખત અમુક નામો સાંભળીને નવાઈ પામીએ છીએ અને બે ઘડી વિચારીએ છીએ કે વળી આવુંય નામ હોતું હશે ? તમને આવી જ રીતે માંથું ખંજવાળતા કરી મૂકે એવા કેટલાક ગામના નામ વિશે આજે વાત કરવી છે. આ નામ તમે સાંભળ્યા પણ હોઈ શકે અને સાંભળીને બે ઘડી હસ્યા પણ હશો. આવો જોઈએ આવા જ કેટલાક ગામના નામ.
ભેંશા- તેલંગાણા
ભેંશા વાંચીને તમને ભેંસ જરૂર યાદ આવી હશે. ભેંસાણ આપણા જૂનાગઢમાં આવે પણ આ ભેંશા તેલંગાણાના નિર્મલ જિલ્લામાં આવેલું છે. તો એક ભેંસા ગામ ઉત્તરપ્રદેશના મેરઠમાં પણ આવેલું છે. તપાસ કરતાં જાણવા મળ્યું કે ગુજરાતમાં પણ છોટાઉદેપુર જિલ્લામાં ભેંસા નામનું ગામ આવેલું છે.

દારૂ- ઝારખંડ
ગામનું નામ દારૂ છે. એટલે ગાંધીજીના ગુજરાતમાં નહીં હોય એ નક્કી છે. દારૂ નામનું ગામ ઝારખંડના હજારીબાગ જિલ્લામાં આવેલું છે. જો ગુજરાતમાં આવું કોઈ ગામ હોત તો નક્કી સરકાર તેને બદલી નાખત.

ગધા- ગુજરાત
ગધા એટલે ગધેડો. આ શબ્દ ગુજરાતમાં અપશબ્દ સ્વરૂપે પણ વપરાય છે. ઓફિસોમાં બોસના મોંઢેથી કર્મચારીઓને ગધા કહીને સંબોધતા પણ સાંભળ્યા હશે. પણ આ નામનું ગામ પણ છે તે હકીકત છે અને નવાઈની વાત એ છે કે ગધા ગામ ગુજરાતમાં જ આવેલું છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં ગધા નામનું ગામ આવેલું છે.

કાલા બકરા- પંજાબ
કાલા બકરા નામનું ગામ પંજાબના જલંધરમાં આવેલું છે.

કુત્તા– કર્ણાટક
ગધા, કાલા બકરા બાદ પશુ પરથી વધુ એક ગામનું નામ આવેલું છે અને તે છે કુત્તા. આ ગામ કર્ણાટકમાં આવેલું છે. કુતરાને હિન્દીમાં કુત્તા કહે છે.

પનોતી- ઉત્તરપ્રદેશ
આપણે ઘણી વખત બોલતા હોઈએ છીએ કે મારા જીવનમાં આજકાલ પનોતી ચાલે છે. પનોતી એટલે કે આપણી સાથે બધું અશુભ જ બનતું હોય. વારંવાર મુશ્કેલીઓ આવતી હોય. આને આપણે પનોતી કહીએ છીએ. પરંતું ઉત્તરપ્રદેશમાં તો પનોતી નામનું ગામ છે.

સિંગાપુર- ઓરિસ્સા
ભારતના લોકો સિંગાપુર ફરવા જવાનું બહુ જ પસંદ કરે છે. ભારતથી સિંગાપુર જવું હોય તો 3500 જેટલા કિલોમીટરની સફર ખેડવી પડે. પરંતુ ભારતમાંય સિંગાપુર છે એ ખબર છે ? અને પાછું એય ગુજરાતમાં. ગુજરાતના લીમખેડા તાલુકામાં સિંગાપુર નામનું ગામ આવેલું છે. તો બીજું એક સિંગાપુર ઓરિસ્સામાં આવ્યું છે.

લુલા નગર- પુણે,મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના એક ગામનું નામ લુલા નગર. આપણે પગેથી અપંગ હોય તેને લુલા કહીને સંબોધતા હોઈએ છીએ. અહીં તો ગામનું નામ જ લુલા નગર છે. ગામના લોકો લુલા નથી પરંતુ ખાલી ગામનું નામ જ લુલા નગર છે. મહારાષ્ટ્રના પુણેમાં લુલા નગર આવેલું છે.

ટ્રમ્પ- હરિયાણા
માંડ માંડ સત્તાહઠ મૂકીને રાષ્ટ્રપતિ પદ છોડનાર ડોનાલ્ડ ટ્રમ્પને તો બધા જાણતા જ હશે. પરંતુ હરિયાણાના એક ગામના લોકોને ટ્રમ્પ સાથે વર્ષોથી નાતો છે. વાત એવી છે કે ગામનું નામ જ ટ્રમ્પ છે. આ ગામનું નામ પહેલા મરોરા હતું. પરંતુ ગામ લોકોએ આ ગામનું નામ બદલીને ટ્રમ્પ કરી નાખ્યું. ગામ લોકોમાં ડોનાલ્ડ ટ્રમ્પ ખૂબ જ જાણીતા છે. ગામના નાનકડા છોકરાય ટ્રમ્પને ઓળખે છે. આ ગામની બહેનો તો ટ્રમ્પને રક્ષાબંધને રાખડી પણ મોકલે છે.

બાપ-રાજસ્થાન
બધાય ગામનો બાપ એટલે રાજસ્થાનનું આ નાનકડું શહેર.. કેમ કે શહેરનું નામ જ છે બાપ. રાજસ્થાનના જોધપુર જિલ્લામાં બાપ નામનું શહેર આવેલું છે.
લોન્ડા-રાજસ્થાન
પંજાબ અને હરિયાણા તરફ એક શબ્દ સાંભળવા મળે, લોન્ડા. છોકરાને લોન્ડા કહે. પણ રાજસ્થાનમાં એક ગામનું નામ છે લોન્ડા. બિહારમાં તો લોન્ડા નાચ પણ થાય છે.

સાલી-રાજસ્થાન
પત્નીની બહેનને આપણે સાળી કહીએ છીએ. હિન્દીમાં કહેવું હોય તો સાલી કહેવાય. રાજસ્થાનમાં સાલી નામનું ગામ આવેલું છે. રાજસ્થાનના જયપુર જિલ્લામાં સાલી ગામ આવેલું છે.

ગુજરાતમાં પણ વિચિત્ર નામો વાળા ગામ આવેલા છે. ગુજરાતમાં ઘણા ગામોના નામ પશુ-પ્રાણી, અટક, જ્ઞાતિ કે ખાવાની ચીજવસ્તુઓ પરથી પડેલા છે. ગુજરાતના આવા ગામોના નામની વાત પછી ક્યારેક વિસ્તારથી કરીશું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત