Team Chabuk-Sports Desk: ભારતીય ક્રિકેટ ટીમ પ્રથમ વખત એશિયન ગેમ્સમાં (Asian Games) ભાગ લેવા માટે તૈયાર છે. BCCIએ મહિલા અને પુરૂષ ટીમની જાહેરાત કરી છે. એશિયાડ 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર દરમિયાન ચીનના હાંગઝોઉમાં યોજાશે. મહિલા ટીમની મેચો 19મીએ જ શરૂ થશે અને 28મી સપ્ટેમ્બર સુધી ચાલશે. જ્યારે, પુરુષોની મેચો 28 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 8 ઓક્ટોબર સુધી ચાલશે. એશિયન ગેમ્સ પહેલા ભારતીય ચાહકો માટે સારા સમાચાર છે. પુરુષ અને મહિલા ટીમો સીધી ક્વાર્ટર ફાઇનલમાં રમશે.
એશિયન ગેમ્સ 2022 માં જ યોજાવાની હતી, પરંતુ કોવિડ -19 મહામારીના કારણે તેને એક વર્ષ આગળ વધારવામાં આવી. મહિલા ક્રિકેટ સ્પર્ધામાં 14 મેચો રમાશે. જ્યારે પુરુષોની 18 મેચો હશે. ટીમોની વાત કરીએ તો મહિલા વર્ગમાં 14 ટીમો અને પુરુષોની કેટેગરીમાં 18 ટીમો ભાગ લેશે. ટીમોની સીડિંગ 1 જૂન, 2023ના રોજ ICC T20 રેન્કિંગ પર આધારિત હશે. આ રીતે ભારતીય મહિલા અને પુરૂષ ટીમોને ટોચની પ્રાથમિકતા મળી છે.

ક્વાર્ટર ફાઇનલમાં સીધી એન્ટ્રી કેમ મળી ?
ઋતુરાજ ગાયકવાડની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા આ સ્પર્ધામાં પોતાનો પડકાર રજૂ કરશે. મહિલા ટીમની કમાન હરનપ્રીત કૌરના ખભા પર છે. હકીકતમાં, ભારત મહિલા અને પુરૂષ બંને વિભાગમાં ટોચની ટીમ તરીકે પ્રવેશ કરશે. તેનાથી તેને ટુર્નામેન્ટમાં ફાયદો થશે અને તે સીધા ક્વાર્ટર ફાઇનલમાં રમશે. બંને ભારતીય ટીમો રમ્યા વિના પણ મેડલની નજીક આવી ગઈ છે. ઝેજિયાંગ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીનું પિંગફેંગ ક્રિકેટ ગ્રાઉન્ડ તમામ રમતોનું આયોજન કરશે.
અગાઉ 2010 અને 2014માં ભારતે એશિયન ગેમ્સમાં તેની પુરૂષ કે મહિલા ટીમો મોકલી ન હતી. પુરૂષોની ક્રિકેટ સ્પર્ધાઓમાં, બાંગ્લાદેશ અને શ્રીલંકાએ એક-એક ગોલ્ડ મેડલ જીત્યો છે અને મહિલાઓની સ્પર્ધામાં પાકિસ્તાને બંને વખત જીત મેળવી છે.