Homeગુર્જર નગરીપેપર લીક થવાના કારણે રદ થયેલી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા આ મહિનામાં...

પેપર લીક થવાના કારણે રદ થયેલી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા આ મહિનામાં લેવાઈ શકે છે, અસિત વોરાનું મહત્વનું નિવેદન

Team Chabuk-Gujarat Desk: બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા યોજાવા અંગે મહત્વના સમાચાર મળી રહ્યા છે. પેપર લીક થવાના કારણે રદ થયેલી બિન સચિવાલયની પરીક્ષા યોજાવાની પૂરેપૂરી શક્યતા વર્તાઈ રહી છે. પરીક્ષા યોજવા અંગે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા આગામી નવેમ્બર કે ડિસેમ્બર મહિનામાં યોજાઈ તેવી સંભાવનાઓ જણાઈ રહી છે. આ માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મડળે તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દીધો છે. જેથી આગામી દિવસોમાં પરીક્ષાની તારીખ અંગે સત્તાવાર જાહેરાત થવાની પૂરેપૂરી શક્યાતાઓ વર્તાઈ રહી છે.

બિન સચિવાલય ક્લાર્કની (bin sachivalay clerk) પરીક્ષા (exam) યોજવા મુદ્દે આજ રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના પ્રમુખ અસિત વોરાએ (asit vora) એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા આગામી નવેમ્બર કે ડિસેમ્બર મહિનામાં યોજાઈ શકે છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે આ સંદર્ભેની તૈયારીઓ પણ આદરી દીધી છે. આ પરીક્ષા જે-તે સમયે રદ કર્યા બાદ ફરી પરીક્ષા લેવાય તેવા સંજોગો જણાઈ રહ્યા છે. જો કે તારીખ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.

આ અંગે અસિત વોરાએ વધુમાં જણાવ્યું હતું કે, આ પરીક્ષા જે-તે સમયે પેપર લીક થવાને કારણે રદ કરવી પડી હતી. જો કે ફરી નવેમ્બર કે ડિસેમ્બર મહિનામાં બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા યોજાઈ શકે છે. રાજ્યભરની શાળાઓમાં પરીક્ષા યોજવા અંગે ગુજરાત ગૌણ પસંદગી મંડળે સર્વેની કામગીરી પણ શરૂ કરી છે. અસિત વોરાએ જણાવ્યું હતું કે, બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા યોજવા અંગે હાલ સર્વે કરાઈ રહ્યો છે. આશરે 10 લાખ 43 હજાર ઉમેદવારો આ પરીક્ષા આપવાના હોવાથી એના માટેની જગ્યા, સીસીટીવી કેમેરાની વ્યવસ્થા અને સાથે સાથે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને તમામ કેન્દ્રો, બ્લોકને સેનિટાઈઝ કરાવવા સહિતનો સર્વે હાલ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરાઈ રહ્યો છે.

મહત્વનું છે કે, 17 નવેમ્બર 2019ના રોજ લેવાયેલી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા પેપર ફૂટવાના કારણે વિવાદમાં આવી હતી. પેપર ફૂટવાના કારણે પરીક્ષા રદ કરાવવા માટે મોટું આંદોલન થયું હતું.  ઉમેદવારોએ પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાના પૂરતા પુરાવા પણ આપ્યા હતા. બાદમાં સરકારે ઉમેદવારો સામે નમતું જોખીને સીટની રચના કરીને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. ત્યારબાદ સીટ દ્વારા સમગ્ર મામલે તપાસ કરીને તપાસ રિપોર્ટ સરકારને સુપરત કરવામાં આવ્યો હતો અને પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનું બહાર આવતા સરકારે આખરે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કરી દીધી હતી અને ફરીથી નવી પદ્ધતિથી પરીક્ષા લેવા જણાવ્યું હતું.

ત્યારે હવે કોરોનાની બીજી લહેર ધીમી પડી જતાં ફરીથી પરીક્ષા લેવા અંગે મહત્વના સમાચાર આવ્યા છે. આગામી નવેમ્બર-ડિસેમ્બરમાં પરીક્ષા લેવાઈ શકે છે. ત્યારે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારોમાં ખુશી જોવા મળી રહી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments