Homeગામનાં ચોરેVIDEO: ગામના લોકોએ ધારાસભ્ય ‘કમલ’ને ગંદા પાણીમાં ઉતારી વિકાસ દેખાડ્યો

VIDEO: ગામના લોકોએ ધારાસભ્ય ‘કમલ’ને ગંદા પાણીમાં ઉતારી વિકાસ દેખાડ્યો

Team Chabuk-National Desk: કોઈ જનપ્રતિનિધિની આવી હાલત તમે કોઈ દિવસ નહીં જોઈ હોય. એ પણ એ જનપ્રતિનિધિ જે ભારતીય જનતા પાર્ટીનો છે અને તે પાર્ટીનો એક એક વ્યક્તિ દેશમાં વિકાસ ઉચ્ચ શિખર પર હોવાની વાતનું રટણ કરતો હોય છે. ઉત્તર પ્રદેશના ગઢમુક્તેશ્વર વિધાનસભામાંથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યનું એક અલગ જ ચિત્ર સામે આવ્યું છે. ધારાસભ્ય જ્યારે પોતાના મત વિસ્તારના એક ગામમાં પહોંચ્યા હતા ત્યારે જનતાએ ખૂદને કેવી હાલાકી પડી રહી છે તેનું જીવતું જાગતું ઉદાહરણ પૂર્ણ પાડવા માટે, રસ્તામાં ભરાયેલા ગંદા પાણીમાં ધારાસભ્યને ઉતારી દીધા હતા. જે ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.

હાપુડ જિલ્લાના ગઢમુક્તેશ્વર વિધાનસભાની સીટથી ધારાસભ્ય કમલ સિંહ ચૂંટાયા છે. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ પોતાના મતવિસ્તારમાં પદયાત્રા અને જનસંપર્ક અભિયાન ચલાવી રહ્યા છે. જોકે ઢોલપુર નામના એક ગામમાં પ્રવેશતા કમલ સિંહનું કમળ મૂરઝાઈ ગયું હતું અને ઢોલ પીટાઈ ગયો હતો. આ ગામના લોકો એટલા ગુસ્સામાં હતા કે હાથમાં આવેલા ધારાસભ્યને હાલાકીનો પ્રત્યક્ષ અનુભવ કરાવવાનું નક્કી કરી લીધું હતું.

પહેલા તો ધારાસભ્ય કમસિંહને પોલીસની જેમ જનતાએ ચારે બાજુથી ઘેરી લીધા હતા. એ પછી તેમને ગામની કેવી દયનીય સ્થિતિ છે, તેનો પરિચય નજીકથી કરાવ્યો હતો. ધારાસભ્યજી કંઈ કહેતા નહોતા, આરામથી ચાલતા હતા અને સમસ્યાઓ સાંભળતા હતા, કારણ કે ચૂંટણી માથે છે! ગામના નવનિર્વાચિત મહિલા પ્રધાન નિશાના પતિદેવ રવીન્દ્રએ પાંચ વર્ષે માંડ માંડ હાથમાં આવેલા ધારાસભ્ય કમલસિંહનો હાથ પકડ્યો અને રસ્તામાં ભરાયેલા ગંદા પાણીમાં વોકિંગનો આહલાદક અનુભવ કરાવ્યો. તેઓ હાથ પકડી પાણીની અંદર લઈ જઈ પાછા આવ્યા ત્યાં સુધીમાં તેમનો વીડિયો પણ શૂટ થઈ ગયો હતો.

ગામના લોકોએ ધારાસભ્યશ્રીને ફરિયાદ કરતા કહ્યું કે, તેઓ પોતાના કાર્યકાળમાં એક પણ વખત ગામમાં નથી આવ્યા. ગામમાં પાણી ભરાય જાય છે. સફાઈ નથી થતી. ગામના પ્રધાને રસ્તો તો બનાવ્યો પણ પાણીના નિકાલની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન કરતા આ સ્થિતિનું સર્જન થયું છે. આ અંગેની કેટલીય વખત વિભાગના અધિકારીઓને ફરિયાદ કરવામાં આવી છે, પણ તેઓ આ કાને સાંભળે છે અને આ કાને કાઢી નાખે છે.

ગામની મહિલા પ્રધાન નિશાના પતિ રવીન્દ્રનું આ અંગે કહેવું છે કે, પૂર્વ પ્રધાનનો કાર્યકાળ પૂર્ણ થઈ ચૂક્યો છે. ત્યાં ચાર વર્ષ પૂર્ણ થઈ ગયા બાદ ધારાસભ્યશ્રીએ પણ તેમના ગામની મુલાકાત નથી લીધી. જેથી ગામના લોકોનો ગુસ્સો જ્વાળામુખીની જેમ ફાટી નીકળ્યો છે.

સમસ્યામાં બરાબરના ફસાયેલા ધારાસભ્ય કમલસિંહે કહ્યું હતું કે, મને ગામની સમસ્યાની જાણકારી નહોતી. આ વિષયમાં તુરંત જ એક્શન લેવામાં આવશે અને BOD ઓફિસરને જણાવવામાં આવશે અને સમસ્યાનું સમાધાન કરવામાં આવશે. ધારાસભ્ય કમલસિંહ મલિકનું કહેવું હતું કે, પૂર્વ પ્રધાને તો આ અંગે કોઈ દિવસ ફરિયાદ નથી કરી. જેથી જાણકારી પ્રાપ્ત ન થઈ. નહીં તો પહેલા જ સમસ્યાનો ઉકેલ લાવી દેવામાં આવેત. જોકે હાલ તો ચૂંટણી સમયે જ ઉત્તર પ્રદેશના વિકાસની એક વરવી છબી સામે આવી ગઈ છે, જેથી વિપક્ષને વાર કરવાની તક તો મળી જ જશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments