Homeદે ઘુમા કેઓસ્ટ્રેલિયાનો T20Iમાં વ્હાઈટ વોશ થતાં ‘12’ રને રહી ગયો

ઓસ્ટ્રેલિયાનો T20Iમાં વ્હાઈટ વોશ થતાં ‘12’ રને રહી ગયો

ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 સિરીઝની અંતિમ મેચમાં ભારતને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. 186 રનનો પીછો કરવા માટે મેદાને ઉતરેલી ભારતીય ટીમને 12 રને હારનો સામનો કરવો પડ્યો હતો. ટોસ જીતીને ભારતે પહેલાં બોલિંગ લીધી હતી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટીંગ કરતાં 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 186 રન કર્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 20 ઓવરમાં 7 વિકટે 174 રન જ કરી શકી હતી. મેચ હારી છતાં ટીમ ઈન્ડિયાએ સિરીઝ 2-1થી જીતી લીધી છે.

આ ખેલાડીએ નિરાશ કર્યા

ભારત તરફથી કોહલી અને ધવન સિવાય તમામ બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા. કે.એલ.રાહુલ બીજા જ બોલે શૂન્ય રન પર કેચ આઉટ થયો હતો. ભારત તરફથી સૌથી વધુ રન કેપ્ટન વિરાટ કોહલીએ નોંધાવ્યા. કોહલીએ 61 બોલ પર 4 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 85 રન ફટકાર્યા. વધુ એક ફિફ્ટી સાથે કોહલીએ ટી-20 કરિયરમાં 25 ફિફ્ટી પુરી કરી છે. આ ઉપરાંત શિખર ધવને 21 બોલમાં 28, સંજુ સેમસને 9 બોલ પર 10 રન જ્યારે શ્રેયસ શૂન્ય અને હાર્દિક પંડ્યા 20 રને આઉટ થયો. છેલ્લે વોશિંગ્ટન સુંદરે 7 અને શાર્દુલ ઠાકુરે 17 રન ફટકાર્યા હતા.

સ્વૈપ્સનની 3 વિકેટ

ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી 3 વિકેટ સ્વૈપ્સને લીધી. આ ઉપરાંત ઝામ્પા, મેક્સવેલ, ટાઈ અને એબોટે 1-1 વિકેટ ઝડપી ભારતીય ટીમના ટ્વેન્ટીના વિજય રથને રોક્યો હતો.

એક ભૂલ અને મેચ ગઈ !

મેચમાં બંને ટીમના કેપ્ટન વચ્ચે DRS વિવાદ સર્જાયો હતો. ઓસ્ટ્રેલિયાની ઈનિંગ દરમિયાન 11મી ઓવરમાં ટી.નટરાજનનો બોલ વેડના પેડ પર લાગ્યો. પરંતુ અમ્પાયરે નોટઆઉટ આપ્યો. આ બાદ કેપ્ટન કોહલીએ રિવ્યૂ લીધો. ટીવી અમ્પાયરે રિવ્યૂની શરૂઆત પણ કરી દીધી હતી એવા સમયે વેડે વાંધો ઉઠાવ્યો અને રિવ્યૂ રદ કરી દેવાયો. રિવ્યૂ લેવામાં કોહલી મોડો પડ્યો હતો. DRSના નિયમ મુજબ 13 સેકન્ડમાં રિવ્યૂ લેવાનો હોય છે. રિપ્લેમાં વેડ આઉટ હતો. જો કોહલીએ સમયસર રિવ્યૂ લઈ લીધો હોત તો મેચનું પરિણામ અલગ હોત.

વ્હાઈટવોશનું સપનું રોળાયું

મેચ હારીને ભારતીય ટીમનું ઓસ્ટ્રેલિયાનો બીજી વાર વ્હાઈટવોશ કરવાનું સપનું તૂટ્યું છે. ભારતે જાન્યુઆરી 2016માં ઓસ્ટ્રેલિયાનો તેના ઘર આંગણે 3-0થી વ્હાઇટવોશ કર્યો હતો.

પાક.નો રેકોર્ડ તોડતા ચૂકી ટીમ ઈન્ડિયા

જો ભારતે આ મેચ જીતી લીધી હોત તો ભારત સતત 10 ટી-20 મેચ જીતનારી ટીમ બની ગઈ હોત. પાકિસ્તાના નામે સતત 9 મેચ જીતવાનો રેકોર્ડ છે.

186 રન ખડક્યા

ટોસ હારીને બેટિંગ માટે ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમને શરૂઆતમાં ઝટકો લાગ્યો હતો. વોશિંગ્ટન સુંદરની બોલિંગ પર એરોન ફિન્ચ 0 રન પર હાર્દિક પંડ્યાને કેચ આપી બેઠો હતો. નબળી શરૂઆત છતાં ઓસ્ટ્રેલિયાની ટીમે મોટો સ્કોર ખડકી દીધો હતો. ફિન્ચના આઉટ થયા બાદ કેપ્ટન વેડ અને સ્ટીવ સ્મીથે કમાન સંભાળી હતી. આ બંનેની પાર્ટનરશીપને વોશિંગ્ટન સુંદરે સ્મીથની વિકેટ લઈને તોડી હતી. સ્મીથે 23 બોલ પર 24 રનનું યોગદાન આપ્યું હતું.

કેપ્ટન વેડ મેચનો હીરો

સ્મીથના આઉટ થયા બાદ મેક્સવેલ ક્રીઝ પર આવ્યો હતો અને આક્રામક બેટિંગ શરૂ કરી હતી. મેક્સવેલે 36 બોલ પર 3 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી 56 રન ફટકાર્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ સ્કોર કેપ્ટન મેથ્યુ વેડનો જ રહ્યો. વેડે 53 બોલ પર 7 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 80 રન ફટકાર્યા. વેડની કારકીર્દિની આ ત્રીજી ફિફ્ટી છે. જ્યારે મેક્સવેલે કારકીર્દિની આઠમી ફિફ્ટી ફટકારી.    

ભારતીય બોલર્સનું પ્રદર્શન

ભારત માટે  વોશિંગ્ટન સુંદરે 2 અને શાર્દુલ ઠાકુર તેમજ ટી. નટરાજને 1-1 વિકેટ લીધી હતી.

ખાસ વાત

સિડનીના સ્ટેડિયમ પર 100 ટકા દર્શકોએ ઉપસ્થિત રહીને મેચ નીહાળી. ઓસ્ટ્રેલિયન સરકારે સ્ડેડિયમમાં 100 ટકા લોકોને ઉપસ્થિત રહેવાની મંજૂરી આપી દીધી છે. કોરોનાકાળમાં આ પ્રથમ મેચ છે જેમાં 100 ટકા દર્શકો હાજર રહ્યા હોય. ઈતિહાસમાં આ મેચને પણ કોરોના મહામારીના કારણે યાદ રાખવામાં આવશે. અત્યાર સુધીમાં સ્ટેડિમમાં 50 ટકા દર્શકોને જ ઉપસ્થિત રહેવાની અનુમતી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments