સુરતની લેડી સિંઘમ અમિતા જોશી આત્મહત્યા કેસમાં હવે તેના પતિ વૈભવ અને સાસુને જેલના સળિયા ગણવા પડી શકે છે. કોન્સ્ટેબલ પતિ વૈભવ અને સાસુ વિરૂદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ શકે છે. જો ફરિયાદ નોંધાશે તો માતા-પુત્રને જેલની હવા ખાવાનો વારો આવશે.
પિતાને કહી હતી આ વાત
લેડી સિંઘમ અમિતા જોશીની આત્મહત્યા પાછળનું હજુ સુધી સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. પોલીસ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે. આ તમામ વાતો વચ્ચે પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. પહેલું તારણ એ સામે આવ્યું છે કે, જો પિતા સુરત દીકરી પાસે પહોંચી ગયા હોત તો આ દુર્ઘટના જ ન બની હોત. અમિતા જોશીએ થોડા દિવસો પહેલાં પિતાને લગ્નજીવનમાં અનબન હોવાની વાત જણાવી હતી. આ જ મુદ્દે અમિતા જોશીના પિતા અમિતા અને તેના પતિને સમજાવવા માટે સુરત જવાના હતા. જો કે, બાદમાં અમિતા જોશી એ પિતાને ફોન કર્યો હતો અને બધુ બરાબર છે, આવવાની જરૂર નથી તેમ કહી પિતાને સુરત બોલાવ્યા ન હતા.
તપાસમાં ખુલાસો
બીજી તરફ પોલીસનું એવું પણ માનવું છે કે, અમિતા જોશીએ પહેલાં ગળેફાંસો લગાવી જીવન ટૂંકાવવાનું નક્કી કર્યું હશે. પોલીસને ઘટનાસ્થળેથી એક દુપટ્ટો મળ્યો છે જેના કારણે આ અનુમાન લગાવાયું છે.
જોકે PSI અમિતા જોશીએ પોતાની સર્વિસ ગનથી જ આત્મહત્યા કરી લીધી હતી. તેમણે પોતાના પેટમાં ગોળી મારી જીવન ટૂંકાવી લીધું હતું. વધુ લોહી વહી જવાના કારણે તેમનું મૃત્યુ થયું હતું. પોલીસને એક સુસાઈડ નોટ પણ મળી હતી. જેમાં લખ્યું હતુ કે જીવવું અઘરુ છે, મારા મોત માટે કોઈ જવાબદાર નથી.
આરોપઃ નોકરી છોડવાનું દબાણ
આરોપ છે કે, અમિતા જોશીને પુત્રને મળવા દેવામાં આવતા ન હતા. એટલું જ નહીં તેને નોકરી છોડવા માટે પણ દબાણ કરવામાં આવતું હતું. અમિતાના પરિવારજનોનો આક્ષેપ છે કે, અમિતાને કહેવાયું હતું કે જો પુત્રને મળવું હોય તો તારે નોકરી છોડવી પડશે.
પતિ-પત્ની વચ્ચે ઝઘડો
આ મુદ્દે અમિતા જોશીને પતિ વૈભવ સાથે વારંવાર ઝઘડો પણ થતો હતો. એવો પણ દાવો છે કે, બંને એકબીજાને પુત્રના ઉછેર માટે નોકરી છોડવા દબાણ કરતા હતા. અમિતા જોશીનો પતિ કોન્સ્ટેબલ છે. ઝઘડા અંગે અમિતાના પિતાને પણ જાણ હતી. એટલે જ તેઓ બંનેને સમજાવવા માટે સુરત જવાના હતા.
છેલ્લો કોલ
અમિતાએ આત્મહત્યા કરતાં પહેલાં છેલ્લો ફોન તેની નણંદને કર્યો હતો અને જે રૂપિયા આવે એ પોતાના પુત્રના નામે એફડી કરવા કહ્યું હતું. દાવો છે કે, જ્યારે નણંદ સાથે વાત ચાલુ હતી ત્યારે જ અમિતાએ ટ્રીગર દબાવી દીધું હતું. નણંદ સાથે વાત કરતા પહેલાં તેમણે પતિ અને પુત્ર સાથે પણ વાત કરી હતી.
ડિપ્રેશનમાં હતા અમિતા જોશી
તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, અમિતા જોશી છેલ્લા કેટલાય દિવસથી ડિપ્રેશનમાં હતા. જો કે, કામના સમયે તેઓ એકદમ નોર્મલ જોવા મળતા હતા. પરંતુ તેમના સોશિયલ મીડિયા પરના સ્ટેટસ એવા હતા જેનાથી અંદાજો લગાવી શકાતો હતો કે તેઓ ડિપ્રેશનમાં જીવી રહ્યા છે. જ્યારે તેમણે આત્મહત્યા કરી ત્યારે પણ તેમના મોબાઈલમાં ‘મીસ યુ’નું સ્ટેટસ હતુ. જો કે, સવાલ એ છે કે આ તેમણે કોના માટે લખ્યું હશે. પુત્ર કે પછી પતિ. આ ઉપરાંત તેમણે થોડા દિવસ પહેલાં એવું પણ લખ્યું હતું કે, ‘આગ તો અપને હી લગાતે હૈ, ગૈર તો સિર્ફ હવા દેતે હૈ’
પિતા પણ પોલીસમાં હતા
અમિતા જોશી 2013ની બેચના અધિકારી હતા. તેઓ છેલ્લા 4 વર્ષથી સુરતમાં જ ફરજ બજાવી રહ્યા હતા. તેમના વિસ્તારમાં તેઓ લેડી સિંઘમની છાપ ધરાવતા હતા. અમિતા જોશીથી આરોપીઓના પગ ધ્રૂજતા હતા. તેમના પિતા પણ પોલીસ વિભાગમાં ફરજ બજાવી ચુક્યા છે.
ફરિયાદ નોંધાવવા આવેલા બાળકને સાઈકલ લઈ દીધી
તેમની સાથે કામ કરનારા કર્મચારીઓનું માનીએ તો, અમિતા જોશી જેટલા કડક હતા એટલા સંવેદનશીલ પણ હતા. લૉકડાઉન દરમિયાન અમિતા જોશીએ જરૂરિયાતમંદ લોકોની ખુબ મદદ કરી હતી. તેમણે ગરીબોની સેવા કરવામાં કંઈ કસર છોડી ન હતી. કેટલાય લોકોને તેમણે વતન પણ મોકલ્યા હતા.
એક કિસ્સો તો એવો બન્યો હતો જ્યારે એક વ્યક્તિ પોતાના બાળક સાથે સાઈકલ ચોરીની ફરિયાદ નોંધાવવા તેમના પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. આ બાળકને અમિતા જોશીએ પોતે જ સાઈકલ લઈ દીધી હતી. આ ઘટના પ્રત્યેથી જ તેમની પોતાના બાળક પ્રત્યેની લાગણીને સમજી શકાય છે. જો કે, કંકાસ નામના કંસે પરિવારને વેર વિખેર કરી નાખ્યો છે. એક પુત્રએ માતા, પતિએ પત્ની અને માતા-પિતાએ પોતાની દીકરી ગુમાવી દીધી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત