Homeદે ઘુમા કેજે ભારત ન કરી શક્યું તે બાંગ્લાદેશે કરી બતાવ્યું, આફ્રિકાને વનડેમાં તેના...

જે ભારત ન કરી શક્યું તે બાંગ્લાદેશે કરી બતાવ્યું, આફ્રિકાને વનડેમાં તેના જ ઘરમાં જઈ હરાવ્યું

Team Chabuk-Sports Desk: બાંગ્લાદેશની ટીમે દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં એ કરી બતાવ્યું જે વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહ જેવા દિગ્ગજોથી ભરેલી ભારતીય ટીમ નહોતી કરી શકી. બાંગ્લાદેશે દક્ષિણ આફ્રિકામાં જઈ તેના જ ઘર આંગણે જીત મેળવી છે. હાલમાં જ ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ગઈ હતી. જ્યાં મર્યાદિત ઓવરની શ્રેણીમાં ટીમને 3-0થી હાર ખમવાનો વારો આવ્યો હતો. બીજી બાજુ નબળી ટીમમાં જેની ગણતરી થાય છે તે બાંગ્લાદેશે પ્રથમ વનડે 38 રનથી જીતી લીધી. બીજી મેચમાં બાંગ્લાદેશને સાત વિકેટથી હારનો સામનો કરવો પડ્યો. જોકે ત્રીજી મેચમાં ટીમે પુનરાગમન કરતા નવ વિકેટથી આફ્રિકાની ધરતી પર જ જીત પ્રાપ્ત કરી લીધી. આ ઘટના એ વાતની સાબિતી આપે છે કે ક્રિકેટ એ અનિશ્ચિતતાની રમત છે.

51 વર્ષના વનડે ઈતિહાસમાં બાંગ્લાદેશે પ્રથમ વખત દક્ષિણ આફ્રિકામાં જઈ તેની વિરુદ્ધ વનડે સિરીઝ જીતી લીધી છે. આ સિરીઝ સાથે આફ્રિકાની ધરતી પર ચાર દ્વિપક્ષીય વનડે શ્રેણી રમવામાં આવી હતી. જેમાં દક્ષિણ આફ્રિકાએ ત્રણ અને બાંગ્લાદેશે એક સિરીઝ જીતી છે. ઓવરઓલ બંને ટીમની વચ્ચે કુલ છ દ્વિપક્ષીય વનડે શ્રેણી રમાઈ છે. જેમાં બાંગ્લાદેશે બે અને આફ્રિકાએ ચાર જીતી છે. બંને ટીમની વચ્ચે આફ્રિકાની ધરતી પર કુલ 12 આંતરાષ્ટ્રીય વનડે ક્રિકેટનું આયોજન થયું હતું. જેમાં બાંગ્લાદેશે બે અને આફ્રિકાએ દસ મેચ જીત્યા છે. બાંગ્લાદેશે જીતેલા બંને મેચ આ શ્રેણીમાં જ જીત્યા છે. ઓવરઓલ બંને ટીમની વચ્ચે કુલ 24 મેચ રમાયા છે. જેમાંથી બાંગ્લાદશે છ અને આફ્રિકાએ 18માં જીત પ્રાપ્ત કરી છે.

બાંગ્લાદેશના તસ્કિન અહમદે આ મેચમાં શાનદાર બોલિંગ કરતા પાંચ વિકેટ પોતાના નામે કરી. તેણે 35 રન આપી પાંચ આફ્રિકી બેટર્સને પવેલિયનનો રસ્તો બતાવ્યો. તેની વેધક બોલિંગની મદદથી બાંગ્લાદેશ આફ્રિકા જેવી મજબૂત ટીમને 154 રનમાં પવેલિયન ભેગું કરવામાં સફળ રહ્યું હતું. દક્ષિણ આફ્રિકામાં દસ વર્ષ બાદ કોઈ વિદેશી ફાસ્ટ બોલરે વનડેમાં પાંચ વિકેટ ઝડપી છે. વર્ષ 2012માં શ્રીલંકાના લસિથ મલિંગાએ 54 રન આપી પાંચ વિકેટ ઝડપી હતી. એટલે કે આફ્રિકામાં દસ વર્ષ પછી કારનામો કરી બતાવનારો ખેલાડી પણ એશિયાનો જ છે.

મેચની જો વાત કરવામાં આવે તો ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવા માટે ઉતરેલી દક્ષિણ આફ્રિકાની શરુઆત સારી નહોતી રહી. ક્વિન્ટન ડિકોક અને મલાને પ્રથમ વિકેટ માટે 46 રન જોડ્યા હતા. એ પછી 37 રનની અંદર આફ્રિકાની પાંચ વિકેટનું પતન થયું. મલાને સર્વાધિક 39 રન બનાવ્યા. આ સિવાય મહારાજે 28 અને પ્રિયોરિયસે 20 રન બનાવ્યા. તસ્કિન સિવાય શાકિબે બે વિકેટ ઝડપી.

155 રનના લક્ષ્યનો પીછો કરવા માટે ઉતરેલી બાંગ્લાદેશની ટીમની શરુઆત પણ ધારદાર રહી હતી. સુકાની તમીમ અને લિટન દાસે પ્રથમ વિકેટ માટે 127 રન જોડી બાંગ્લાદેશની જીતનો પાયો ઘડી નાખ્યો હતો. એ પછી શાકિબ અલ હસને 18 રન બનાવ્યા. તમીમે 87 રનની કેપ્ટન ઈનિંગ રમી જ્યારે લિટન દાસ 48 રન બનાવી આઉટ થયો. આફ્રિકાના એક માત્ર બોલર કેશવ મહારાજને એક વિકેટ પ્રાપ્ત થઈ બાકીના બોલર્સ હાથ ઘસતા રહી ગયા. મેચમાં પાંચ અને શ્રેણીમાં આઠ વિકેટ ઝડપનાર તસ્કિન અહેમદને પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments