Team Chabuk-Sports Desk: મંગળવારનાં રોજ ક્રિકેટની દુનિયાની અજીબો ગરીબ ઘટના ઘટી ગઈ. બાંગ્લાદેશની ટીમને ખબર જ નહોતી કે તેને કેટલા રન કરવાના છે. ન્યૂઝીલેન્ડે મંગળવારે 30 માર્ચ 2021નાં રોજ બીજી ટી ટ્વેન્ટી મેચમાં બાંગ્લાદેશને 28 રનથી રગદોળી નાખ્યું. આ સાથે જ ત્રણ મેચની સિરીઝમાં ન્યૂઝીલેન્ડની ટીમે બાંગ્લાદેશ વિરૂદ્ધ 2-0ની અજય સરસાઈ પ્રાપ્ત કરી લીધી. આ મેચની ખાસિયત એ રહી કે નવ બોલ રમી ચૂકેલી બાંગ્લાદેશની ટીમને ખબર જ ન રહી કે તેને કેટલા રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.
ન્યૂઝીલેન્ડની ટીમે પ્રથમ બેટીંગ કરતા 17.5 ઓવરમાં 173 રન ખડકી દીધા. જોકે તેમની ઈનિંગ વરસાદના વિઘ્નનાં કારણે રોકાઈ ગઈ. જે પછી અમ્પાયરે બીજી ઈનિંગમાં 4 ઓવર ઘટાડી દીધી અને મેચ 16 ઓવરની કરી નાખી. ડકવર્થ લુઈસના નિયમથી નક્કી થયું કે બાંગ્લાદેશને 16 ઓવરમાં 148 રન કરવાના છે. જોકે એ વખતે લક્ષ્યને લઈ સંશય હતો. બાંગ્લાદેશના ઓપનરોએ મેદાનમાં આવી રમવાની શરૂઆત કરી દીધી. હજુ સુધી કોઈ ફિક્સ ટાર્ગેટ તેમની સામે હતો નહીં અને ટીમે 9 રન બનાવી લીધા હતા. એવામાં તેમને એક ઝાટકો લાગ્યો.
બીજી ઈનિંગની 1.3 ઓવર બાદ રમતને થોડા સમય માટે સ્થગિત કરી દેવામાં આવી. અમ્પાયર આ વખતે મેચ ઓફિશ્યલ પાસેથી કોઈ કન્ફર્મેશનની રાહ જોઈ રહ્યા હતા. ઓફિશ્યલે જણાવ્યું કે ટાર્ગેટ 148નો નહીં 170નો છે. બાંગ્લાદેશની ટીમ 9 બોલ રમી ચૂકી હતી. ટી ટ્વેન્ટીમાં 9 બોલની કેટલી કિંમત હોય છે એ સૌને ખ્યાલ છે. 148માં 22 રન ઉમેરી દેતા હવે લક્ષ્યાંક 170નો થઈ ગયો હતો જે ટી ટ્વેન્ટી ફોર્મેટમાં ખતરનાક હતો.
ઈનિંગની 13મી ઓવરમાં બાંગ્લાદેશને એક રનનો ઝટકો લાગ્યો. તેમના ટાર્ગેટમાં એક રન ઉમેરાતા 170ના થયા 171. જેથી ઈનિંગના અંત સુધી તો બાંગ્લાદેશને કુલ કેટલા રન કરવાનાં હતાં તેની ખબર જ ન રહી. આ અંગે બાંગ્લાદેશના ક્રિકેટ પ્રશંસકો સહિત ક્રિકેટ વિવેચકોએ પણ શંકા જતાવી છે. ટ્વીટર પર ન્યૂઝીલેન્ડના ખેલાડી જીમી નીશમે લખ્યું હતું કે, એ કેવી રીતે સંભવ છે કે તમે લક્ષ્ય જાણ્યા વગર જ લક્ષ્યનો પીછો કરવા લાગો ? અજીબ વાત છે.
બાંગ્લાદેશની ટીમ 16 ઓવરમાં સાત વિકેટ ગુમાવી 142 રન બનાવી શકી. જો ટાર્ગેટ 148 હોત તો પણ બાંગ્લાદેશ જીત્યું નહોત. બીજી ઈનિંગમાં બાંગ્લાદેશના સૌમ્ય સરકારે 51 રનની અને મોહમ્મદ નઈમે 38 રનની ઈનિંગ રમી. પણ તેમની ઈનિંગ ટીમની જીતમાં મહત્વનો ભાગ ન ભજવી શકી. ટીમના અન્ય ખેલાડીઓ સામાન્ય સ્કોર સાથે પવેલિયન પરત ફર્યા. ન્યૂઝીલેન્ડની તરફથી ટિમ સાઉદી, હૈમિશ બેનેટ અને એડમ મિલ્ને બે બે વિકેટ ઝડપી. ગ્લેન ફિલિપ્સને એક વિકેટ મળી.
આ પહેલા મેચની શરૂઆતમાં બેટીંગ કરવા માટે ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ તરફથી ગ્લેન ફિલિપ્સ 58 અને મિશેલે 16 બોલમાં 34 રન બનાવ્યા. આ બંને બેટ્સમેનોની 62 રનોની ભાગીદારીના કારણે ટીમ 17.5 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 173 રનનો ટાર્ગેટ સેટ કરી શકી. આ પહેલા ન્યૂઝીલેન્ડનો સ્કોર 13.4 ઓવરમાં 111 રન હતો. ત્યાં સુધીમાં ટીમની 5 વિકેટ પડી ચૂકી હતી. જોકે ફિલિપ્સ અને મિશેલની ભાગીદારીએ ન્યૂઝીલેન્ડ માટે મોટો સ્કોર ઊભો કરી દીધો. હવે સિરીઝની અંતિમ અને ઔપચારિક મેચ 1 એપ્રિલનાં રોજ ઓકલેન્ડમાં રમાશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત