ઝાલાવાડી જલજીરા: અન્બે એટલે લઈ આવવું. શિવમ એટલે ભગવાન શંકર. પ્રથમ અક્ષર બંગાળી ભાષાનો છે. ઓરિસ્સાનો શબ્દ પણ કહી શકો જ્યાંથી ફિલ્મની શરૂઆત થાય છે. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, એરપોર્ટ પર આપણે કેટલાય ચિર પચિરિત લોકોને મળતા હોઈએ છીએ. આજ સુધી તેમાંથી કોઈનો પણ ચહેરો યાદ છે. નહીં યાદ હોય. સિવાય કે કોઈને બસમાં રોજનું અપડાઉન કરવાનું થતું હોય. આ સિવાય જો બે ત્રણ મહિને એક વખત મુસાફરી કરવાની થતી હોય તો પછી તમારી બાજુમાં રહેલા વ્યક્તિનો ચહેરો તો ક્યાંથી યાદ હોય. મુસાફરી વખતે કોઈનો ચહેરો યાદ રહી જાય આ માટે શું કરવાનું ? યા તો તેની સાથે ઝઘડો થવો જોઈએ અથવા તો પ્રેમ થવો જોઈએ. પ્રેમના કોઈ ચાન્સિસ નથી. ઝઘડાના ચાન્સિસ સીટ માટે 100 ટકા છે. મુસાફરી દરમ્યાન કોઈ પણ વ્યક્તિનો ચહેરો આપણને યાદ એટલા માટે રહે છે કે આપણે તેની સાથે ક્યાંક ને ક્યાંક ડખો કર્યો હોય છે. અન્બે શિવમની શરૂઆત પણ ત્યાંથી જ થાય છે.
2003ની જ સાલ છે. માની જ લો, કારણ કે શિવમને એક જગ્યાએ કચ્છનો ભૂકંપ પણ યાદ આવે છે. એરપોર્ટ પર એક યુવાન નામે આનંદ પ્લેન પકડવાનો છે. ટીવીમાં આતંકવાદીના સમાચાર જુએ છે અને એક વ્યક્તિ પર તેને શંકા જાય છે. એ પોલીસને કહી દે છે અને પોલીસ તેની તપાસ કરે છે, પણ એ બિચારો વ્યક્તિ તો અપંગ છે. તેણે જ્યાં બંદૂક છુપાવીને રાખી છે; એવી શંકા પોલીસ કરે છે ત્યાં તો હકીકતે કાકડી છે. એ અપંગ વ્યક્તિની મુલાકાત ફરિયાદી આનંદની સાથે થઈ જાય છે અને પછી શંકર અરસ માટે માથાનો દુખાવો બની જાય છે. ફિલ્મનો અંત આવતા આવતા તો બસ રડાય જાય છે, કાં રડવાનું બાકી રહી જાય છે. અડધા આંસુએ આપણે ફિલ્મનો ધ એન્ડ કરીએ છીએ.
1) પ્લીઝ ટીવી પર ભરોસો ન કરો. આવું રવીશ કુમાર 2021ની સાલમાં પણ કહે છે, પણ આપણે ક્યાં માનીએ છીએ. પહેલા આપણે ટીવી જોઈને સાચું માની લેતા હતા કે ઝલક દિખલા ઝા ગીત સાંભળીને ભૂત આવી જાય છે, હવે આપણે સોશિયલ મીડિયામાં કોઈની ધડ માથા વગરની પોસ્ટ કે કોઈ વીડિયોની ક્લિપ જોઈને ઉપરથી નીચે સુધી આગ બબૂલા થઈ જઈએ છીએ. જેની સાથે આપણે સ્નાનસૂતકનો પણ સંબંધ નથી એ પહેલો સીન આપણને ભ્રમ ફેલાવનારા ટીવી વિષે અવગત કરે છે. શું કોઈના ચહેરામાં મોટો ઘા હોય એટલે તે આતંકવાદી હોય છે. શિવમ સરસ જવાબ આપે છે, ‘આતંકવાદી આપના જેવા રૂપાળા દેખાતા હોય છે.’ સુંદર અર્થાત્ કોઈની નજરમાં શંકાનો કીડો ન સળવળાવા દે તેવું વ્યક્તિત્વ. આપણે હંમેશાં ફેર એન્ડ હેન્ડસમ લોકો પર ભરોસો મૂકી દેતા હોઈએ છીએ. જેમણે સરસ કપડાં પહેર્યા છે તેમના પર મગજ બંધ કરીને વિશ્વાસ મૂકી દેતા હોઈએ છીએ. આનો નમૂનો ફિલ્મ અધવચ્ચે પહોંચે છે ત્યારે પણ આપણને મળે છે.
2) ફિલ્મમાં ટ્રેનનો એક સીન છે. જ્યાં એક કદાવર અંગ્રેજી પુસ્તક વાંચતો અને પ્રેમિકા અને પુસ્તક ચાલ્યા જાય તો પાછા આવે નહીં તેવા ફિલોસોફી ભર્યા ક્વોટ ઠપકારતા વ્યક્તિની અરસની સાથે મુલાકાત થાય છે. બે ઘડી તો ફિલ્મ જોનારાને થઈ જાય કે આ માણસ તો જો કેટલો જેન્ટલમેન લાગી રહ્યો છે. દૃશ્ય પૂર્ણ થતાં તો એ સારો લાગતો માણસ આનંદને વ્હિસ્કી પીવડાવી રફુચક્કર થઈ જાય છે. દિગ્દર્શકે એક બાજુ શિવમ બનતા કમલ હસનનાં ચહેરા પર ડાઘ આપ્યા છે અને તે સારો છે એવું સાબિત કરે છે બીજી બાજુ રૂપાડા લાગતા બધા લોકો સારા નથી હોતાં એવું પણ સાબિત કરે છે.
3) એક વાવાઝોડુ આવે જે ગુજરાતના દરિયાકાંઠે અથડાવાનું હોય. થાય શું કે મીડિયા ખૂબ મહેનત કરે કે એ વાવાઝોડુ આવે અને ગમે તે રીતે અથડાય. તારાજી સર્જાય. એ વાવાઝોડુ ચાલ્યું જાય તો પણ બે કલાક સુધી મીડિયા બોલ્યા જ રાખે, કારણ કે પાપી પેટનો સવાલ છે. કમલ હસન એટલે કે શિવમ એક ડાઈલોગથી અરસ બનતા આર.માધવનને સમજાવે છે કે, હંમેશાં વાવાઝોડુ ચૈન્નઈના દરિયાકાંઠે અથડાવાની વાતો સંભળાય છે, પણ ઓરિસ્સા અને બંગાળમાં અથડાય તારાજી સર્જી ચાલ્યું જાય છે. માધવન એ ચૈન્નઈ છે અને કમલ હસન એ ઓરિસ્સા કે બંગાળ છે.
4) ફિલ્મમાં કુલ ત્રણ તારાજી છે. એક પાણીનાં કારણે થયેલી તારાજી જે ફિલ્મની શરૂઆતમાં દર્શાવી છે. બીજી બસનાં કારણે થયેલી દુર્ઘટના જેમાં શિવમ ઘાયલ થયો છે અને માંડ માંડ મોતના મૂખમાંથી બચીને આવ્યો છે. ત્રીજી ટ્રેન દુર્ઘટના. આ એ સમય હતો જ્યારે સવારમાં છાપું ઉઘાડો એટલે ટ્રેન કે બસ અથડાય જ હોય અને લોકો માર્યા જ ગયા હોય. રોજની આ વાત. કોઈ એક વાવાઝોડુ આવી શહેરને હતું ન હતું કરીને ચાલ્યું જાય. 2000ની સાલમાં બનતી આ ઘટનાઓને કેટલી સરસ રીતે ફિલ્મમાં વણી લીધી છે. ચોથી તારાજી છે પણ એ મૌન છે. કમલ હસનના સંવાદમાં હાસ્ય અને કરુણતા નિપજાવીને ચાલી જાય છે. કેવી રીતે ? એ પાંચમાં નંબરમાં કહું.
5) કમલ હસન પહોંચ્યો છે આર.માધવનના વિવાહમાં. જ્યાં એક નાનકડી છોકરી કમલ હસનને પૂછી બેસે છે, આ તમારા ચહેરાને શું થયું ? કમલ હસન કહે છે, હું ગુજરાતમાં હતો. દાઢી કરાવતો હતો. ભૂકંપ આવ્યો અને… જે ચોથી તારાજીની વાત કરી એ આ છે. આમ ફિલ્મ ફક્ત એક સફર બનીને નથી રહી જતી.
6) જબ વી મેટમાં ઈમ્તિયાઝે શાહીદ અને કરિના પાસેથી તો ખૂબ બાદમાં કરાવ્યું પણ સૌ પહેલા અન્બે શિવમમાં કમલ હસન અને આર.માધવને કર્યું હતું. બેઉં ટોમ એન્ડ જેરીની જોડી છે. એક બીજા સામે લડ્યા કરે છે. માધવનને પીછો છોડાવવો છે અને કમલ પીછો છોડવા નથી માગતો. કમલ હસનને જુઓ તો કપાયેલી મૂછ અને છત્રીની સાથે એ ચાર્લી ચેપ્લિનના પાત્રને ઊભું કરે છે. ચેપ્લિન જેવી હરકતો તો બે જગ્યાએ જ કરે છે. પણ વરસાદી વાતાવરણનાં કારણે તેણે છત્રી શું કામે પકડી એ વાત ઢંકાય જાય છે. તમે નોટ નથી કરી શકતા, કે કમલે હાથમાં છત્રી ચાર્લી થઈને પકડી છે, નહીં કે વરસાદનાં કારણે. વરસાદ તો માત્ર નિમિત્ત છે.
7) ફિલ્મમાં ત્રણ થીમ છે. આ થીમ વિષે મને ફિલ્મ જોતી વખતે ઉપરછલ્લો ખ્યાલ તો હતો પણ આ પ્રકારની થીમ કહેવાય એની વીકિપીડિયા પાસેથી માહિતી મળી. એક છે કોમ્યુનિઝમ. બીજી છે એથેઈઝમ અને ત્રીજી છે અલ્ટ્રુઈઝમ.
8) ફિલ્મમાં કોમ્યુનિઝમની વાત કમલની બેકસ્ટોરીમાં આવે છે. ઉકળતું લોહી છે. સામ્યવાદના રંગે રંગાયેલો છે. એ લોહીના કલરને પણ લાલ રંગની સાથે સરખાવે છે. મજૂરોની સાથે કામ કરે છે અને મજૂરોનાં વેતનમાં વૃદ્ધિ થવી જોઈએ પણ તેની પ્રેમિકાનાં પિતાનાં કારણે થતું નથી. એક ચિત્રમાં સામ્યવાદ નદી બે કાંઠે વહે એમ વહી રહ્યું છે. ઓફિસ દર્શાવવામાં આવે છે. જ્યાં લાલ સલામના ઝંડા લાગેલા છે. કાર્લ માર્ક્સ પહેલા પણ સામ્યવાદ હતો, કાર્લ માર્કસે તેના વિષે વિધિસર વાત કરી, આ પ્રમાણે દિગ્દર્શક સુન્દર માર્ક્સવાદની વાત શિવમના મોમાં મૂકે છે.
9) મગજ લગાવો, ઉપભોક્તાવાદની આખી વાત દિગ્દર્શક શિવમ પાસે કરાવડાવે છે અને તેની સામે જે પાત્ર છે એ એડ ફિલ્મ મેકર છે. લોકોને ભ્રમમાં નાખી વેચે છે. આ સામ્યવાદી વિચારધારાની સામે મૂડીવાદી વિચારધારાની જંગ છે. પણ સમજી નહીં શકો, કારણ કે આ બધું તો વ્યંગ મારફતે દર્શાવવામાં આવ્યું છે. હાસ્ય અને વ્યંગનો આ જ ફાયદો છે. વાત કહેવાય પણ જાય અને જે તે વ્યક્તિ સુધી પહોંચી પણ જાય. હવે એ સમજદાર હોય તો ઈશારો કાફી બાકી ઘણા અણસમજુ હોય જ છે.
10) એથેઈઝમ એટલે કે નાસ્તિકતા. કોમ્યુનિઝમની સાથે એ ભેટમાં મળે છે. તમે કમલનો ચહેરો જુઓ. એ શિવ પણ છે અને શક્તિ પણ છે. એ કોમ્યુનિઝમના સિદ્ધાંતને અલગ રીતે સ્થાપિત કરે છે. જે રીતે ઘણા લોકો સ્થાપિત કરતાં હોય છે. જેણે તમારી મદદ કરી એ તમારો ભગવાન. ટ્રેન અકસ્માતમાં એક બાળક ઘવાયો છે. મોતના મુખમાં છે. તેને બચાવવા માટે જે બ્લડ ગ્રૂપ જોઈએ તે આસ્તિક આર.માધવનની પાસે છે પણ આર.માધવનને લોહી આપતા ડર લાગે છે. તેને છોકરા પાસે ખેંચી કોણ જાય છે ? નાસ્તિક શિવમ. જેને ભગવાનમાં જરા પણ ભરોસો નથી પણ માનવજાત પર ભરોસો છે.
11) આ માનવજાતની વાત પરથી આવે છે અલ્ટ્રુઈઝમ. ભલાઈ કરો. જે કૂતરો આડો આવ્યો અને બસનું અકસ્માત થયું તે કૂતરા પર પણ શિવમ દયા દાખવે છે. બીજા કોઈ દાખવતા નથી. જીસસની કેટલીક તસવીરો ગૂગલ પર છે. જેમાં તેમના હાથમાં કૂતરો છે. કૂતરાના માધ્યમથી દયાળુ શિવમને જીસસ તરીકે દર્શાવ્યો. જે જીવો અને જીવવા દોમાં માનતાં હતાં.
11) ફિલ્મમાં એક વાતનું તાતણું ક્યાંય બંધ બેસતુ લાગતું નથી. અરસના રૂપિયા કોઈ ચોરી ગયું છે. તેની પાસે ક્રેડિટ કાર્ડ છે. એ એવી હોટલમાં જાય છે જ્યાં ક્રેડિટ કાર્ડ ચાલતું નથી. હોટલનો માલિક હવે રોકડા માગે છે. ત્યારે શિવમ કોઈ જગ્યાએથી પૈસાનો જુગાડ કરી આવે છે. એ ક્યાંથી કરી આવ્યો ? છેલ્લે સુધી તેનું રહસ્ય અકબંધ રહ્યું.
12) બધાને સ્વીકારો. બસની ઉપર જ્યારે અરસની બાજુમાં એક વાંસળી વાદક તમાકુ ખાઈ વાંસળી વગાડે છે ત્યારે તમાકુનાં છાંટા અરસ પર ઉડે છે. અરસને તે ગમતું નથી. શિવમ તેને બધાનો સ્વીકાર કરવાનું કહે છે. બધા આપણા જેવા નથી હોતા. સમસ્યાનો સામનો કરવાનું શીખો. કોઈ પણ પરિસ્થિતિમાં જીવતા શીખો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત