Team Chabuk-Gujarat Desk: ભાવનગરના સિહોરમાં 1.6 કરોડની કિંમતના હીરાના પાર્સલ, રોકડ, સોના-ચાંદીના દાગીનાની લૂંટ કરનારા આરોપીઓ પોલીસના સકંજામાં આવી ગયા છે.
કેવી રીતે ઝડપાયા આરોપી ?
સિહોરથી લૂંટ કરીને ફરાર થયેલા આરોપીને ભાવનગર પોલીસે 24 કલાકમાં જ ઝડપી લીધા હતા. આરોપી પકડાયાની આ રસપ્રદ કહાની કોઈ જાસૂસી ફિલ્મોને પણ ટક્કર મારે તેવી છે. નવાગામ-ઘાંઘળી પાસેથી લૂંટારું ઝડપાયા હતા.
સિહોરથી 1.6 કરોડની લૂંટ કરીને ભાગી રહેલા આરોપીઓને ડર લાગ્યો કે ક્યાંક પોલીસ પકડી ન લે. એટલે લૂંટારુંઓ વલ્લભીપૂર નજીક રસ્તા પર કાર મુકી બાવળની ઝાડીઓમાં છુપાઈ ગયા. આરોપીઓનું પગેરું શોધતી પોલીસ બાવળની ઝાડીઓ નજીક પહોંચી પણ શાતીર આરોપીઓ એવી રીતે લપાયા હતા કે તેમની કોઈ ભાળ ન મળે. ચારે તરફ પાણી ભરાયેલા હોવાથી પોલીસ માટે આરોપીઓને પકડવા લોઢાના ચણા ચાવવા જેવું હતું. પોલીસ આસપાસના ખેતરોમાં ખૂંદી વળી. કિચડવાળી જમીનમાં જવા માટે ટ્રેક્ટરનો પણ સહારો લીધો. પોલીસના આ મેગા સર્ચ ઓપરેશન બાદ પણ આરોપીઓએ મચક ન આપી પરંતુ આખરે પોલીસના એક આઈડિયા કામ કરી ગયો.

પોલીસ બાજુમાં રહેલા મેલડી માતાજીના મંદિરના શિખર પર પહોંચી ગઈ. મંદિરના શિખરને જ પોલીસ જવાનોએ વોચ ટાવર બનાવી દીધો. અહીંથી પોલીસનો કેમેરો બાવળની ઝાડી તરફ ફોકસ કરી તસવીરો કેપ્ચર કરતો રહ્યો. આ તસવીરને ઝૂમ કરી પોલીસ આરોપીઓને શોધતી રહી. આખરે એક તસવીરમાં સસલાની જેમ લપાયેલો આરોપી કેદ થઈ ગયો. આમ, આરોપીઓનો ભાંડો ફૂટી ગયો. ફોટાવાળી જગ્યાએ પહોંચીને પોલીસ જવાનોએ આરોપીને ઝડપી લીધો. ત્યારબાદ અન્ય બે આરોપીઓને ઘાંઘળી બસ સ્ટેન્ડ પાસેથી દબોચી લીધા હતા. ચોગઠના ઢાળ પાસે ધુંધળીમલની જગ્યા ઉપરના ડુંગરની પાછળના ભાગે ઝાડી-જાખરામાં છુપાવેલ લૂંટનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
રાત્રિના સમયના કારણે પોલીસ ઉપરાંત હોમગાર્ડ, જીઆરડી જવાનોને બાવળની કાંટ-ભરચક પાણીમાં લૂંટારુ છુપાયા હોવાની સંભાવનાને જોઈ જગ્યા કોર્ડન કરી ટોર્ચ લાઈટથી સર્ચ ઓપરેશન તેમજ સઘન વાહન ચેકીંગ શરૂ કર્યું હતું. જેથી લૂંટારૂઓ વિસ્તાર છોડી ન શક્યા ન હતા. આરોપી સુધી પહોંચવામાં પોલીસને છાતી સરસા પાણીમાંથી પણ પસાર થવું પડ્યું હતું.
કેવી રીતે કરી હતી લૂંટ ?
આંગડિયા અપહરણ વીથ લૂંટની ઘટનાની મળતી વિગત અનુસાર સિહોરમાં બસ સ્ટેન્ડ પાછળ, પાળિયાધાર વિસ્તારમાં આવેલી આર મહેન્દ્રા કુાં. નામની આંગડિયા પેઢીમાં ગઈકાલે ઢસાથી ભાવનગર રૂટ ઉપર ચાલતી પેઢીની કાર નં.જીજે.૦3.એચકે.5689માં સોના-ચાંદીના દાગીના, હીરાના પાર્સલ અને રોકડ મળી કુલ રૂા.૧,૦૬,૮૦,૦૦૦નો મુદ્દામાલ ભરી આંગડિયા પેઢીનો ડ્રાઈવર અજય કડવાજીભાઈ ઠાકોર અને કરણસિંહ લક્ષ્મણસિંહ રાજપૂત ગઈકાલે શનિવારે વહેલી સવારે સિહોરમાં આવેલી આંગડિયા પેઢીની ઓફિસમાં પાર્સલ ઉતારી બન્ને કર્મચારી પરત જઈ રહ્યા હતા. ત્યારે પેઢીની ઓફિસ સામે જ પ્રિ-પ્લાન મુજબ ઘાત લગાવીને બેઠેલા પાંચ લૂંટારુઓએ કારને ઉભી રખાવી બન્ને કર્મચારીને માર મારી બળજબરીથી કારમાં બેસાડવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે ડ્રાઈવર અજય ઠાકોરે નીચે ઉતરી જઈ જાન બચાવી હતી. જ્યારે કરણસિંહ રાજપૂતને પાંચેય લૂંટારુ કારમાં બેસાડી અપહરણ કરી નાસી ગયા હતા. આ ઘટનામાં લૂંટારુઓએ કારની સાથે અંદર રહેલ હીરાના 100 પાર્સલ સોનાના ચેનનું પાર્સલ, ચાંદીનું પાર્સલ નં.૨ અને રોકડ મળી કુલ 1 કરોડ 6 લાખ 80 હજાર રૂપયિાની લૂંટને અંજામ આપ્યો હતો. ચોગઠના ઢાળ પાસે અપહ્યત કરણસિંહને માર મારી નીચે ઉતારી દીધો હતો. પોલીસ પીછો કરતી હોવાથી કારને પણ ત્યાં જ મુકી શખ્સો ઝાળી જાખરામાં જતા રહ્યા હતા.
ઝડપાયેલા આરોપી
પ્રકાશસિંહ પ્રહલાદસિંહ ઠાકોર (ઉ.વ.19, રહે, મફતુપુર, તા.ઉંઝા, જિ.મહેસાણા), કૌશિકજી કાન્તીજી રાઠોડ (રહે, 19, રહે, ડાભી, તા.ઉંઝા, જિ.મહેસાણા, મુળ રહે, મુડેઠા, તા.ડીસા) અને રણજીતસિંહ સોવનજી રાઠોડ (ઉ.વ.22, રહે, મુડેઠા, તા.ડીસા, જિ. બનાસકાંઠા)ને ઝડપી લઈ સોના-ચાંદીના દાગીના, રોકડ અને હીરાના પેકેટ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અન્ય બે લૂંટારુ હજુ ફરાર છે જેની શોધખોળ શરૂ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
