Team Chabuk-Gujarat Desk: જિંદગીમાં આવતી મુશ્કેલીઓથી કંટાળીને લોકો જીવન ટૂંકાવી દેતા હોય છે. ભુજ શહેરમાં એક આવો કિસ્સો સામે આવ્યો છે. ભુજમાં એક વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી છે. આપઘાત પહેલા કાગળમાં સ્યૂસાઈડ નોટ લખવાને બદલે આ વ્યક્તિએ પોતાના લોહીથી દીવાલ પર સ્યૂસાઈડ નોટ લખી છે. આત્મહત્યાની આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
આત્મહત્યા કરનાર વ્યક્તિ ભુજ નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. આત્મહત્યા કરનાર સફાઈ કામદારનું નામ મુકેશ બંસી સોનવાલ હોવાનું જાણવા મળ્યું છે. મુકેશ સોનવાલે પોતાના ઘરે લોખંડની કમાન સાથે દોરડું બાંધીને જીવન ટૂંકાવી લીધું છે. સફાઈ કામદારની આત્મહત્યાથી તેના બે સંતાનો નોંધારા બની ગયા છે. જાણવા મળ્યું છે કે આત્મહત્યા કરી લેનાર સફાઈ કામદાર મુકેશ સોનવાલની પત્નીનું અગાઉ નિધન થઈ ગયું હતું.
30 વર્ષીય મુકેશ પરિવાર સાથે ભુજ શહેરના આરડીયા સર્કલ, રાજુનાગર ખાતે રહેતો હતો અને ભુજ નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે કામ કરી રહ્યો હતો. મુકેશ સોનવાલે આત્મહત્યા કરી લીધી હોવાની જાણ થતાં જ ભુજ નગરપાલિકાના કર્મચારીઓ અને આસપાસમાંથી લોકો તેના ઘરે દોડી આવ્યા હતા. મુકેશ સોનવાલે આત્મહત્યા પહેલા દિવાલ પર લોહીથી સ્યૂસાઈડ નોટ લખી હતી.
ભુજ નગરપાલિકાના આત્મહત્યા મામલે આરોપ કરવામાં આવી રહ્યો છે કે, મુકેશ સોનવાલને નગરપાલિકાનો પગાર બાકી હોવાથી તેણે આ પ્રકારનું પગલું ભરી લીધું છે. ભુજ નગરપાલિકાના એક કર્મચારીના જણાવ્યા મુજબ, આત્મહત્યા કરી લેનાર મુકેશ સોનવાલને 42 દિવસનો ઓવરટાઈમનો પગાર પાલિકા પાસેથી લેવાનો બાકી નીકળે છે.
ભુજ નગરપાલિકાના કર્મચારીએ ઘરે આત્મહત્યા કરી લીધી હોવાની જાણકારી મળતાં જ પોલીસ ઘટના સ્થળે તપાસ અર્થે પહોંચી હતી. દીવાલ પર સ્યૂસાઈડ નોટ લખીને આત્મહત્યા કરી લેવાનો આ બનાવ હાલ સમગ્ર પંથકમાં ચર્ચાના ચકડોળે ચડ્યો છે.
મુકેશ સોનવાલે આત્મહત્યા કરતાં પહેલા પોતાના લોહીથી દીવાલ પર સ્યૂસાઈડ નોટ લખી છે. દીવાલ પર લખેલી સ્યૂસાઈડ નોટમાં લખવામાં આવેલા શબ્દો સ્પષ્ટ વાંચી શકાતા નથી. દીવાલ પર લોહીથી લખેલું છે તેમાં નગરપાલિકા અને 30,000 જેવા શબ્દો જ સ્પષ્ટ વાંચી શકાય છે. જાણવા મળ્યું છે કે, ભુજ નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા મુકેશને તેના કામના બદલામાં પાલિકા 9 હજાર રૂપિયા જેટલો પગાર ચૂકવતી હતી. જેના બાકી રૂપિયા તેને પાલિકા પાસેથી લેવાના નીકળતા હોવાની ચર્ચા છે.

સફાઈ કામદાર મુકેશ સોનવાલની આત્મહત્યા અંગે ભુજ નગરપાલિકા દ્વારા હજુ કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. પોલીસ હાલ આ મામલે વધુ તપાસ કરી રહી છે. આખરે મુકેશ સોનવાલે ક્યા કારણોસર આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી લીધું તે અંગે પોલીસે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
- અંબાલાલ પટેલની મોટી આગાહી, “એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વધશે ગરમી”
- હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ