Homeગામનાં ચોરેભાજપના આજના ગણિત પરથી લાગે છે કે ગુજરાતને 2022માં વેક્સિન મળશે

ભાજપના આજના ગણિત પરથી લાગે છે કે ગુજરાતને 2022માં વેક્સિન મળશે

કોરોના સૌને ફફડાવી રહ્યો છે. વેક્સિનની સૌ રાહ જોઈ બેઠા છે. મોદી સાહેબે કહ્યું તેમ જ્યાં સુધી વેક્સિન નથી ત્યાં સુધી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જ જાળવવું પડશે. કોરોના કાળમાં યોજાઈ રહેલી ચૂંટણીઓમાં પણ કોરોના એક અલગ રીતે પાર્ટીઓને પ્રચારમાં કામ લાગી રહ્યો છે. કોરોનાની આફતને અવસરમાં પલટવાના પ્રયાસો રાજકીય પાર્ટીઓ કરી રહી છે.

વાત છે બિહારમાં આજે જાહેર થયેલા ભાજપના ચૂંટણી ઢંઢેરાની. ઢંઢેરો એટલે દેશી ભાષામાં કહીએ તો મોટા મોટા વચનો આપવા. કેન્દ્રીય કેબિનેટ મંત્રી નિર્મલા સીતારમણે પટણામાં ભાજપનો ચૂંટણી ઢંઢેરો જેવો જાહેર કર્યો કે દેશભરમાં ચર્ચાઓ થવા લાગી.

સામાન્ય રીતે ચૂંટણી ઢંઢેરાઓ તો બધી પાર્ટીઓ જાહેર કરતી હોય છે. પરંતુ બિહારમાં ભાજપે આજે જાહેર કરેલા ચૂંટણી ઢંઢેરાથી બિહારીઓની ખુશી બેવડાયેલી જોવા મળી રહી છે, પરંતુ દેશના અન્ય રાજ્યોનાં લોકોમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

તો વાત જાણે એમ છે કે નિર્મલા સિતારમણે ચૂંટણી ઢંઢેરામાં પ્રથમ વચન આપ્યું કે કોરોનાની રસી આવશે એટલે તુરંત જ બિહારના તમામ લોકોને રસી મફતમાં આપવામાં આવશે. ઉપરાંત લાખો નોકરીઓ, મહિલાઓને સ્વાવલંબી બનાવીશું, પાકા મકાન વગેરે વચનો તો ખરાં જ, જે દરેક ચૂંટણી ઢંઢેરામાં છાપેલા કાટલાની જેમ હોય જ. પહેલાં સાંભળી લો નિર્મલા સિતારમણે શું કહ્યું?

કેન્દ્રીય મંત્રી બિહારની ચૂંટણી ટાણે, બિહારને મફતમાં વેક્સિન આપવાની વાત કરે એમાં કોઈને શું વાંધો હોય? એ તો સારી જ વાત છે, પરંતુ સવાલ થાય કે કેબિનટ મંત્રી માત્ર બિહારને મફતમાં વેક્સિન આપીશું એવું કેમ બોલ્યા હશે? તેના પર દેશભરમાં વાતો થવા લાગી છે. લોકો તો સોશિયલ મીડિયા પર મીમ મૂકીને ભાજપના આ ચૂંટણીની ઢંઢેરાની મજાક ઉડાવી રહ્યા છે.

એક ટ્વિટર યુઝરે મિમ મૂકીને લખ્યું કે ‘સબ મર જાયેગે સિર્ફ બિહારી બચ જાયેગા.’ તો એક યુઝરે કહ્યું કે, ‘કેન્દ્ર સરકારે એમ કહ્યું કે બિહારના લોકોને વેક્સિન મફત અપાશે, એમ કેમ ન કહ્યું કે વેક્સિન બધા ભારતીયોને ફ્રીમાં આપવામાં આવશે, કેમકે મત માટે?’

એક યુઝરે સરકારને ઝાટકતાં લખ્યું કે, ‘બિહારથી વધુ કોરોના કેસ મહારાષ્ટ્ર અને દિલ્હીમાં છે, શું દિલ્હી અને મહારાષ્ટ્ર ભારતમાં નથી ? મતલબ દેશભક્તિ ત્યાં જ દેખાડશો જ્યાં ચૂંટણી છે.’

એક યુઝરે વીસ લાખ કરોડના પેકેજને યાદ અપાવતા લખ્યું કે જે રીતે વીસ લાખ કરોડનું પેકેજ મળ્યું તેવી રીતે વેક્સિન મળી જશે. તો વળી એક ભાઈ તો બિહારી બનવા તૈયાર થઈ ગયો અને લખ્યું કે કોઈ મને મદદ કરશે, બિહારની નાગરિકતા કેવી રીતે લેવી ?

એક યુઝરે લખ્યું કે, ‘હજું વેક્સિન બની નથી તો અત્યારથી શા માટે ખોટા વાયદાઓ આપી રહ્યા છો.’

આવી રીતે ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા પર લોકો ભાજપના બિહાર ચૂંટણી ઢંઢેરાની મજાક ઉડાવી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સો વ્યાજબી છે. એક તરફ ભાજપ સૌનો સાથ સૌનો વિકાસના નારાઓ આપી રહી છે ત્યારે તેમની જ સરકારના કેબિનેટ મંત્રી ચૂંટણી ટાણે એવું વચન આપે કે વેક્સિન તૈયાર થશે એટલે બિહારના દરેક નાગરિકને મફત આપવામાં આવશે તે કેટલા અંશે યોગ્ય છે. વાત થવી જોઈએ તો દેશ આખાની થવી જોઈએ માત્ર એક રાજ્યની નહીં. જો ચૂંટણી આવે અને વેક્સિન મળે, તો એ હિસાબે ગણિત માંડવા બેસો તો ગુજરાતીઓને 2022માં વેક્સિન મળી શકે!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments