21મી સદીના મહાન ડાયરેક્ટરમાંથી એક. જેની ફિલ્મોનો અંત તમને વિચારવા મજબુર કરી દે. ફિલ્મની થીયરી સમજવા માટે વેબસાઈટોનો રીતસરનો રાફડો ફાટી નીકળે. 2005 બાદ જેની સામે હિન્દી ફિલ્મો રિલીઝ કરતા પ્રોડ્યુસર્સ રિતસરના ફફડી રહ્યા છે. ડનક્રિકમાં તો અમદાવાદના થીએટરો ભરચક થઈ ગયેલા. વિચારો જરા જગ્ગા જાસૂસના શું હાલ થયા હશે ? એ જોઈ મુક્તા સિનેમાના મેનેજરને તો મે બોલતા સાંભળેલો,‘આ શું થઈ રહ્યું છે?’ આલ્ફ્રેડ હિચકોકની ફિલ્મોની IMDB રેટીંગને પછાડવા માટે હવે બસ એક બોક્સઓફિસ સુપરહિટની તેને જરૂર છે. ખૂબ ઓછા સમયમાં સ્પીલબર્ગ અને કેમરૂનના ફિલ્મ મેકિંગને તે પાછળ છોડી ચૂક્યો છે. વાત ક્રિસ્ટોફર નોલાન અને તેની ફિલ્મ બેટમેન બીગીન્સની.
2005માં આવી હતી. આ વર્ષે તેણે 15 વર્ષ પૂર્ણ કર્યા છે. એ સમયે સુપરહિરો ફિલ્મની પરિભાષા અને થીમની આપણને ખબર હતી. એક સુપરહિરો. જે કોઈ અગોચર પ્લેનેટમાંથી આપણી પૃથ્વી પર આવ્યો છે. તેના માથે હવે જગતને બચાવવાની જવાબદારી છે. તે કોઈ હિરોઈનના પ્રેમમાં પડે છે. આકાશમાં ઉડે છે. તેનું શરીર સશ્કત છે. વિલન બાહુબલી છે. અંતમાં તે વિલનને હરાવે છે અને આપણે થીએટરમાંથી EXIT લઈ લેવાની.
2002માં ગુજરાતના પ્રમુખ અખબારોએ પણ જેને એક પાનાનું ફૂટેજ આપેલું, તેવું સ્પાઈડર મેન પણ આવી એક સરખી કથાસરિતામાંથી બાકાત નથી. નોલાને બેટમેન બીગીન્સ બનાવતી વખતે કોમિકમાંથી સાવ સંઘેડા-ઉતાર જેવું કામ નથી કર્યું. કોઈ પણ સારી ટ્રાયોલોજી બનાવતા પહેલા તેનો અંત પહેલા વિચારવો જોઈએ. ઉદાહરણ તરીકે હેરી પોટર.
ફિલ્મમેકર બનવાની ઈચ્છા રાખતા સ્વપ્નધારકો માટે નોલાનની બે સુવર્ણ ટીપ્સ અહીં મુકુ છું. એક, નોલાન મોબાઈલનો ઉપયોગ બિલ્કુલ નથી કરતા. સોશિયલ મીડિયા પર તેમની ખૂબ ચર્ચા થાય છે, પણ પોતાની પ્રશંસા સાંભળવા કે જોવા માટે નોલાન ત્યાં નથી. તેમનું માનવું છે કે મોબાઈલ તમારો સમય ખૂબ ખર્ચી નાખે છે. નંબર બે, તમે જે કામ શરૂ કર્યું છે તેને સમય પર પૂર્ણ કરો, બાકી કોઈ તમારો વિશ્વાસ નહીં કરે. ટેનેટની રિલીઝ ડેટ છે 17 જુલાઈ 2020 અને કોરોના વાઈરસ ભલે હોય, તે થીએટરમાં આ જ તારીખે રિલીઝ થશે. પછી જેને જોવું હોય તે આવે, ન જોવું હોય તે ન આવે. પણ આજે બેટમેન બીગીન્સના 15 વર્ષ પૂર્ણ થવા પર 15 અનમોલ વાતો કરીએ.
1) બેટમેન બિગીન્સ પહેલા ક્રિશ્ચયન બેલે મશિનીસ્ટ નામની એક અફલાતુન સાઈકોલોજીકલ થ્રીલર ફિલ્મ કરી હતી. જેમાં તે નોલાનની જ ઈન્સોમેનિયાના નાયક ડિટેક્ટિવ વિલ ડોર્મરની માફક અનિંદ્રાના રોગથી પીડાય છે. આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકીને પણ સારો કહેવડાવે તે રીતે બેલ પાતળા શરીર સાથે આટા ફેરા મારી રહ્યો છે. વજન છે 45 કિલો. તેના તુરંત બાદ બેટમન બીગીન્સ સાઈન કરી. જેમાં તેને 80થી 87 કિલોના વજનની જરૂર હતી. બેલને આ વજન પ્રાપ્ત કરતા માત્ર અને માત્ર 6 મહિના લાગ્યા.
2) શિકાગોમાં ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું. ત્યાં એક વસાહત આવેલી છે જે અદ્દલ મુંબઈની ધારાવી ઝૂંપડપટ્ટીની યાદ અપાવે છે. રસ્તા પર બેટમેનની બેટમોબાઈલ પડી હતી. એક યુવક દારૂના નશામાં પોતાની કાર લઈ આવી રહ્યો હતો. રસ્તામાં તેણે આ વાહન જોયું અને ડઘાઈ ગયો. બેટમોબાઈલને જોરદાર ટક્કર મારી દીધી. જ્યારે ભાનમાં આવ્યો ત્યારે તેણે કહ્યું, ‘મને એમ કે અંતરિક્ષમાંથી કોઈ યાન ધરતી પર ઉતર્યું છે.’
3) ક્રિશ્ચયન બેલે ફિલ્મના મોટાભાગના સ્ટંટ જાતે જ કર્યા. પરફેક્શન દર્શાવવા માટે અને બેટમેનના પાત્રને યોગ્ય ન્યાય આપવા માટે તેના એક્શન સીન તે કોઈ ડુપ્લિકેટ પાસે નહોતો કરાવતો. સિવાય કે બેલને બેટમોબાઈલ પાસે જવાની અનુમતિ ન હતી. નોલાને તેને કડક શબ્દોમાં કહેલું , ‘સેટ પર જે કરવું હોય તે કરજે પણ બેટમોબાઈલ પાસે ન જતો.’ આ વાતને બેલે સિરીયસલી લઈ લીધી હોય કે શું ? માઈકલ કેન એક સીનમાં જ્યારે બ્રૂસ વેયન એટલે કે ક્રિશ્ચયન બેલને ઉઠાડવા માટે આવે છે ત્યારે બેલ સાચે જ ઉંઘી ગયો હોય છે. જ્યારે તે ઉઠે છે ત્યારે બિચારા વૃદ્ધ કેનની પીઠ પર જોરથી ધુમ્બો મારે છે. નોલાને ફિલ્મ માટે 5 બેટમોબાઈલ બનાવડાવી હતી. જેની પાસે જવાની અનુભવી ચાલકને જ મંજૂરી હતી.
4) ફિલ્મમાં એક સીન છે જ્યારે લાયમ નેસન ક્રિશ્ચયન બેલને માર્શલ આર્ટસ શીખવી રહ્યો છે. બંન્ને બરફના સ્તર પર ઉભા છે. થોડીવાર પછી લાયમ અને બેલ બંન્ને નોલાનને કહે છે કે બરફની નીચેથી કંઈક તૂટતું હોય તેવો અવાજ આવી રહ્યો છે. બીજા દિવસે જ્યારે શૂટિંગ પર જાય છે તો ત્યાં બરફ જ નથી. છે તો બસ પાણી… પાણી… પાણી…..
5) સિલિયન મર્ફી નામના એક્ટરને જાણો છો ? જેણે સ્કેરક્રોનો રોલ પ્લે કર્યો હતો. ડાર્ક નાઈટ રાઈસિસમાં તે ખૂંખાર જજ બને છે. જે સામાન્ય માણસને મારી નાખવાની અસામાન્ય સજા સંભળાવતો હોય છે. ઈન્સેપ્શનમાં જેના સ્વપ્નમાં જઈ લિયોનાર્ડો સહિતની મંડળી લૂંટ મચાવે છે. આ કલાકારની બ્લૂ આંખોના પ્રેમમાં નોલાન પડી ગયા હતા. મર્ફી હંમેશાં ચશ્મા પહેરીને રાખતો હતો. નોલાન સેટ પર ગમે તેમ કરી તેના ચશ્મા ઉતારાવી નાખતો. જેથી તેની બ્લૂ કલરની આંખો જોઈ શકાય. તેમ છતાં ઓડિશનમાં બેટમેનના રોલ માટે આવેલા બિચારા મર્ફીને નોલાને ના પાડી દીધી હતી અને રોલ આપ્યો વિલન સ્કેરક્રોનો. સ્કેરક્રોને વિલન તરીકે નહીં હિરો તરીકે જુઓ. એ આપણને શિખવાડે છે કે ભયનું સર્જન અને વિસર્જન બંન્ને માણસની અંદર જ થાય છે. તમે સર્જન કરો છો, પણ શું તમને વિસર્જન કરતા આવડે છે ?
6) ફિલ્મનું શૂટિંગ શરૂ થવાનું હતું તે પહેલા તમામ ક્રૂને નોલાને બોલાવ્યા. એક થીએટર હતું તેમાં ઘુસાડ્યા. બધાને કહ્યું કે આપણે એક ફિલ્મ જોવાની છે. ફિલ્મ શરૂ થાય ત્યાંથી અંત થાય ત્યાં સુધી કોઈએ પણ કંઈ બોલવાનું નથી. માત્ર જોવાની છે અને શીખવાનું છે. ફિલ્મ પૂરી થઈ એટલે નોલાને પોતાની ટીમને બહાર બોલાવીને કહ્યું, ‘આ રીતે આપણે બેટમેન બીગીન્સ બનાવવા જઈ રહ્યાં છીએ.’ ફિલ્મ હતી 1982ની બ્લેડ રનર. ફિલ્મોના રસિયા હોવ, તો આવતીકાલે ફરજીયાત જોઈ નાખો.
7) બેટમેન બીગીન્સ રિલીઝ થયા પછી 2006માં પ્રોડ્યુસર માઈકલ જી વિલ્સન અને બાર્બરા બ્રોકોલીએ નિર્ણય લીધો કે જેમ્સ બોન્ડની કસિનો રોયલ પણ આપણે આ રીતે જ બનાવીશું. ભવિષ્યમાં બોન્ડ ફ્રેન્ચાઈઝીએ બોન્ડ ફિલ્મ ડાયરેક્ટ કરવા માટે નોલાનને આમંત્રણ પાઠવ્યું હતું, પણ નોલાને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું, ‘હું બોન્ડમાં કેટલાક પરિવર્તન ઈચ્છું છું.’ બસ થઈ રહ્યું.
8) બેટમેનનું પાત્ર કેટલું મુશ્કેલ છે. ક્રિશ્ચયન બેલને ફિલ્મનાં શૂટિંગ દરમિયાન ત્રણ વખત પોતાનો અવાજ ગુમાવવાનો વારો આવ્યો હતો. બ્રૂસ વેયન બને ત્યારે નોર્મલ અવાજ અને બેટમેન બને ત્યારે ઘોઘરો અવાજ.
9) ફિલ્મમાં જે બેટકેવ દેખાય છે. તે માટે એક પણ પ્રકારની વિઝ્યુઅલ ઈફેક્ટનો ઉપયોગ કરવામાં નહોતો આવ્યો. આજે પણ નોલાન મોટાભાગની ફિલ્મોમાં વિઝ્યુઅલ ઈફેક્ટનો ઉપયોગ કરવાનું ટાળે છે.
10) નોલાને સ્ટારકાસ્ટ ફાઈનલ કર્યા બાદ કલાકારોને સ્ક્રિપ્ટ મોકલી. ફિલ્મના સૌથી અનુભવી કલાકાર માઈકલ કેનના હાથમાં જ્યારે સ્ક્રિપ્ટ આવી અને તેનું ટાઈટલ જોયું તો તુરંત ખબર પડી ગઈ કે નોલાન ગેંગસ્ટર ફિલ્મ બનાવે છે. અંદર વાંચ્યું અને પછી ફરી શિર્ષક જોયું તો અચંબિત થઈ ગયા. સ્ક્રિપ્ટ પર ટાઈટલ બેટમેન બિગીન્સ ન હતું. ટાઈટલ હતું ‘The Intimidation Game.’ જેનો અર્થ થાય છે ધમકીની રમત.
11) ફિલ્મમાં કેટી હોમ્સ રચેલનો રોલ પ્લે કરે છે. ડીસી કોમિકમાં આવું કોઈ પાત્ર જ નથી. આ પાત્રના રચયિતા ખૂદ નોલાન અને ડેવિડ.એસ.ગોયર છે.
12) આ એવી પ્રથમ ફિલ્મ છે જેમાં બ્રૂસ વેયનનું નામ બદલી સ્પેનિશ ડબીંગમાં Bruno Díaz નથી કરવામાં આવ્યું. શરૂઆતની બેટમેન કોમિક્સમાં આ પ્રકારે નામ બદલવામાં આવતું હતું. થયું એવું કે દક્ષિણ અમેરિકાના લોકોને વર્ષો સુધી એવું લાગ્યું કે બેટમેનનું સાચું નામ બ્રૂસ વેયન નથી પણ Bruno Díaz છે.
13) 2004માં એક છોકરાએ બેટમેન બનવા માટે ઓડિશન આપ્યું હતું. નોલાને તેને રોલ માટે સંપૂર્ણ રીતે રિજેક્ટ કર્યો, પણ તેને યાદ ચોક્કસ રાખ્યો. એ જ છોકરાએ 2013માં મેન ઓફ સ્ટીલમાં ક્લાર્ક કેન્ટ ઉર્ફ સુપરમેનનો રોલ કર્યો. જેના પ્રોડ્યુસર ખુદ નોલાન હતા. હિરોનું નામ હેનરી કેવિલ.
14) બેટમેન બનતો ક્રિશ્ચયન બેલ નાનપણમાં ગેરી ઓલ્ડમેનની ફિલ્મો જોતો અને તેના ચહેરાનું અવલોકન કરી એક્ટિંગ કરવાની કોશિષ કરતો. બાદમાં ગુરૂ અને શિષ્યએ સાથે કામ કર્યું.
15) 1989માં “Arkham Asylum” નામની ગ્રાફિક નોવેલ આવી હતી. તેમાં જોકરની ધરપકડ થાય છે ત્યારે એવિડન્સ ઉપર નામ લખાય છે જેકર. જે જોકરને ખૂદને ખૂબ જ ગમતું નામ છે. આ જ નામ બેટમેન બીગીન્સના અંતમાં પણ દર્શાવવામાં આવે છે. જ્યારે ઈન્સપેક્ટર ગોર્ડન બેટમેનને બોલાવી જોકર વિશે માહિતી આપે છે.