Homeગુર્જર નગરીકોરોનાની સાથે આ રોગની રિ-એન્ટ્રીથી રાજ્ય સરકાર એલર્ટ થઈ ગઈ

કોરોનાની સાથે આ રોગની રિ-એન્ટ્રીથી રાજ્ય સરકાર એલર્ટ થઈ ગઈ

ગુજરાત : દેશમાં હજુ કોરોના ગયો નથી ત્યાં બર્ડ ફ્લૂની રિ-એન્ટ્રી થઈ ગઈ છે. ટપોટપ પક્ષીઓ મરી રહ્યા છે. પક્ષીઓ સાથે હવે માણસો પર પણ બર્ડ ફ્લૂનો ખતરો તોળાઈ રહ્યો છે. એટલે કે આ નવું વર્ષ બર્ડ ફ્લૂથી શરૂ થયું છે. જો કે, બર્ડ ફ્લૂ  કોરોના જેટલો ખતરનાક નથી. પરંતુ સાવચેતી જરૂરી છે.

જેમ કોરોના વાયરસ વ્યક્તિથી વ્યક્તિમાં ફેલાય રહ્યો છે તેમ આ બર્ડ ફ્લૂ પક્ષીથી પક્ષીમાં ફેલાય છે. માત્ર પક્ષીઓમાં જ નહીં વાયરસ માણસને પણ સંક્રમિત કરી શકે છે. ત્યાં સુધી કે કેટલાક કિસ્સાઓમાં સંક્રમિત વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. ઓછામાં પૂરું જો બર્ડ ફ્લૂથી સંક્રમિત વ્યક્તિ કોઈ સાથે વ્યક્તિગત સંબંધ બાંધે છે તો એવા કિસ્સામાં એ વ્યક્તિને પણ બર્ડ ફ્લૂ થઈ શકે છે. આમ તો બર્ડ ફ્લૂનો પહેલો કિસ્સો 1997માં નોંધાયો હતો. ત્યારબાદ સમયાંતરે બર્ડ ફ્લૂના કિસ્સાઓ સામે આવી ચુક્યા છે જેથી આપણે આ વાયરસથી અવગત છીએ.

બર્ડ ફ્લૂની ચર્ચા કેમ ?

દેશમાં ફરી એકવાર બર્ડ ફ્લૂના કેસ સામે આવ્યા છે. એવા સમયે જૂનાગઢના બાંટવા ગામે 53 જેટલા પક્ષીઓનો રહસ્યમય મોત થયા છે. આ અંગે રેન્જ ફોરેસ્ટ ઓફિસરે કહ્યું છે કે, પક્ષીઓના મૃત્યુ કોઈ રોગચાળાના કારણે જ થયાં છે જો કે, એ રોગ બર્લ્ડ ફ્લૂ જ છે કે કેમ તે નક્કી કરી શકાયું નથી. મૃત પક્ષીઓને પોસ્ટમોર્ટમ માટે મોકલાયા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પક્ષીઓના રહસ્યમય મોત પરથી પડદો ઉંચકાશે. જો કે, રાજ્યના વાઇલ્ડલાઇફ વિભાગે ભારત સરકારની એડવાઇઝરીને પગલે સમગ્ર રાજ્યમાં અલર્ટ જાહેર કરી દીધું છે.

2 જાન્યુઆરીએ જૂનાગઢના બાંટવામાંથી 53 જેટલા પક્ષીઓ મૃત અવસ્થામાં મળી આવતા ફોરેસ્ટ વિભાગ દોડતુ થયું હતું. જે પક્ષીઓના મૃતદેહ મળ્યા છે તેમાં ટિટોડી, નકટો, બગલી, બતકનો સમાવેશ થાય છે.

માત્ર જૂનાગઢ જ નહીં રાજસ્થાન, હિમાચલ પ્રદેશ તેમજ ઈન્દોરમાંથી પણ ટપોટપ પક્ષીઓના મરવાના સમાચાર સામે આવી ચુક્યા છે. હિમાચલ પ્રદેશમાં પક્ષીઓનું બર્ડ ફ્લૂથી મોત થયાની પુષ્ટી પણ કરી લેવાઈ છે જેને પગલે હવે વાયરસ અન્ય પક્ષીઓમાં ન ફેલાય તે માટે તંત્ર સજ્જ થઈ ગયું છે. અને તે અંગે કાર્યવાહી કરી રહ્યું છે.

હિમાચલપ્રદેશના પોંગ ડેમમાં 1400થી વધુ પ્રવાસી પક્ષીના મૃતદેહ મળી આવ્યા હતા. જેને લઈને કાંગડા જિલ્લા તંત્રએ જળાશયમાં તમામ ગતિવિધિ પર પ્રતિબંધ લગાવી દીધો છે. પક્ષીઓના મૃત્યુનું કારણ શોધવા ભોપાલની લેબમાં સેમ્પલ મોકલાયા છે. તો આ તરફ ઈન્દોરમાં કોલેજ પરિસરમાં 100થી વધુ કાગડાના મૃત્યુ થયા છે. 2 કાગડાની તપાસ દરમિયાન H5N8 વાયરસ મળ્યો છે. વાયરસ મળ્યા બાદ રાજ્યના જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ કાર્યરત પશુ ચિકિત્સા વિભાગ અને અન્ય સંબંધિત વિભાગો સક્રિય થયા છે. આ અંગે IDSPના એડિશનલ નિયામક ડો.શૈલેષ સાકલ્લે કહ્યુ હતું કે, ઇન્દોર પહોંચીને મામલાની સમીક્ષા કરી હતી અને જરૂરી સૂચનાઓ આપી હતી.

રાજસ્થાનમાં પણ બર્ડ ફ્લૂ નામના રાક્ષસનો પક્ષીઓ પર ખતરો તોળાઈ રહ્યો છે. રાજસ્થાનના જયપુર સહિત 7 જિલ્લામાં એક દિવસમાં 135 પક્ષીઓના મૃતદેહ મળી આવ્યા છે. મૃત પક્ષીઓમાં વધુ કાગડા હોવાની પુષ્ટી કરાઈ હતી. પક્ષીઓના મૃત્યુથી રાજ્ય સરકાર અલર્ટ થઈ ગઈ છે અને સમગ્ર મામલે ચાંપતી નજર રાખવા આદેશ આપી દીધો છે. સરકારે પરિસ્થિતિ પર નજર રાખવા માટે કંટ્રોલ રૂમ પણ બનાવ્યો છે. નિષ્ણાતોની ટીમ ઘટનાસ્થળે જઈને પણ કામે લાગી છે.

બર્ડ ફ્લૂને સમજો

બર્ડ ફ્લૂ એક વાયરસ છે. જે પક્ષીઓથી પક્ષીઓમાં ફેલાય છે. વાયરસના અલગ-પ્રકાર છે. ટેકનીકલ રીતે H5N1 વાયરસ ખતરનાક છે. જો આ વાયરસનું સંક્રમણ ફેલાય તો પક્ષીઓને મૃત્યુનું જોખમ વધી જાય છે. આ ઉપરાંત આ વાયરસ માણસો માટે પણ ખતરો બની શકે છે. જે લોકો સંક્રમિત પક્ષીઓના સંપર્કમાં આવે છે તેને આ વાયરસનું સંક્રમણ લાગી શકે છે અને કેટલાક કિસ્સાઓમાં સંક્રમિત વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. એટલું જ નહીં જે વ્યક્તિ સંક્રમિત થયો તે કોઈ વ્યક્તિના બહુ નજીક આવ્યો. ચુંબન કર્યું તો આ વાયરસ અન્ય વ્યક્તિમાં પણ ફેલાઈ શકવાનો ખતરો છે.

બર્ડ ફ્લૂના લક્ષણો

જો કોઈ વ્યક્તિને બર્ડ ફ્લૂનું સંક્રમણ લાગે તો તેને તાવ આવવો, કફ થઈ જવો, શરદી થવી, માથુ દુઃખવુ, ગળુ સોજી જવું, શરીર તૂટવું, ઝાડા-ઉલ્ટી થઈ શકે છે. આ ઉપરાંત આ વાયરસથી જો કોઈ માણસ સંક્રમિત થયો તો તેને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી શકે છે. સંક્રમણ શરીરમાં વધુ ફેલાય તો નિમોનિયા પણ થઈ શકે છે.

આવી રીતે બર્ડ ફ્લૂથી બચો?

બર્ડ ફ્લૂથી બચવા માટે સૌથી મહત્વની વાત સફાઈ છે. ગંદકી બીમારીનું ઘર છે. જેથી આસપાસ સફાઈ રાખવી જરૂરી છે. સાથે જ વારંવાર સાબુથી હાથ ધોતા રહેવા જોઈએ. સેનેટાઈઝરનો ઉપયોગ જરૂરી છે. શરદી-ઉધરસવાળા વ્યક્તીઓથી સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું જરૂરી છે. જો કોઈ વ્યક્તિ પક્ષી ઉછેરકેન્દ્રમાં કામ કરે છે અથવા પક્ષીઓના સંપર્કમાં વધુ આવવાનું થાય છે તો આવા સંજોગોમાં તેમણે વધુ સાવચેતી રાખવી જોઈએ. ઉપરાંત માંસ ખાવાથી પણ બચવું જોઈએ. કારણ કે બર્ડ ફ્લૂ માંસ ખાવાથી પણ થઈ શકે છે. પક્ષીઓના મૃતદેહથી દૂર રહેવું જોઈએ. માસ્ક પહેરવાથી પણ બર્ડ ફ્લૂના સંક્રમણથી બચી શકાય છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments