Homeગુર્જર નગરીગુજરાતમાં કોરોના ભલે બેકાબૂ થાય પણ ભાજપ તાયફાઓ બંધ નહીં કરે

ગુજરાતમાં કોરોના ભલે બેકાબૂ થાય પણ ભાજપ તાયફાઓ બંધ નહીં કરે

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં કોરોનાના કારણે પરિસ્થિતિ ભયાવહ બની છે. લોકો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. દર્દીઓને હોસ્પિટલમાં જગ્યા નથી મળી રહી. ઓક્સિજનના અભાવે અનેક લોકો મૃત્યુ પામી રહ્યા છે. આવી વિકટ પરિસ્થિતિ હોવા છતાં ગુજરાત ભાજપ પોતાના ગુમાનમાં રાચી રહી છે. લોકોની વ્હારે આવવાની જગ્યાએ ભાજપ પોતાના તાયફાઓમાં વ્યસ્ત હોય તેવું લાગી રહ્યું છે. આજે ગુજરાતમાં બે એવી ઘટના બની છે જેના પરથી આ સાબિત થઈ રહ્યું છે.

વિરમગામમાં ભાજપના ધરણાં

ગુજરાત ભાજપને ગુજરાતના દર્દીઓની ચિંતા નથી પરંતુ બંગાળમાં થયેલી હિંસાની ચિંતા છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામ બાદ થયેલી હિંસા મુદ્દે ગુજરાત ભાજપ ધરણાં કરી રહ્યું છે. વિરમગામમાં ભાજપ દ્વારા પશ્ચિમ બંગાળમાં થયેલી આ હિંસા મુદ્દે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને બંગાળમાં થયેલી આ હિંસાનો વિરોધ કરવામાં આવ્યો હતો. સવાલ એ છે કે ખુદના ગુજરાતમાં કોરોનાના કારણે સ્થિતિ બેકાબૂ છે. લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે લોકોની મદદ કરવાની અને વ્યવસ્થા ઉભી કરવાની જગ્યાએ આવા ધરણાના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. આવા ધરણાં કાર્યક્રમોથી સંક્રમણ રોકવાની જગ્યાએ ફેલાવાનો ભય વધી જાય છે.

આ ઘટના પરથી સાબિત થાય છે કે ગુજરાત ભાજપના આ નેતાઓને ગુજરાતમાં રોજ દર્દીઓ સારવારના અભાવે મરી રહ્યા છે તેની કોઈ ચિંતા કરતાં છેક બંગાળમાં થયેલી હિંસામાં તેમની પાર્ટીને થયેલા નુકસાનની ચિંતા વધુ છે.

બે એમ્બ્યુલન્સ માટે યોજાયો લોકાર્પણ કાર્યક્રમ

ગાંધીનગરમાં આજે માત્ર બે આઈસીયુ એમ્બ્યુલન્સ માટે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. મેયરની ગ્રાન્ટમાંતી આ બન્ને એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. દર્દીઓને દવાખાના સુધી પહોંચાડવા માટે બે આઈસીયુ એમ્બ્યુલન્સ ફાળવી તે અભિનંદનને પાત્ર છે પરંતુ સવાલ એ છે કે આવા કપરા સમયમાં એમ્બ્યુલન્સના લોકાર્પણની રાહ જોવી જરૂરી છે ? શું એમ્બ્યુલન્સ એમનામ દર્દીઓની સેવામાં ફાળવી ન શકાય. ગાંધીનગરમાં યોજાયેલા એમ્બ્યુલન્સ લોકાર્પણ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું. જો કે ઉદ્ઘાટન સ્થળ પર મોટી સંખ્યમાં ભાજપના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા અને ગુજરાત ભાજપ પ્રદેશ મહામંત્રી રજની પટેલ જેવા નેતાઓ આ કાર્યક્રમમાં હાજર હતાં.

બન્ને ઘટનાઓ અંગે પોલીસની કાર્યવાહી અંગે પણ સવાલો થઈ રહ્યા છે. એક તરફ રાજ્યની રૂપાણી સરકાર રાજકીય, ધાર્મિક, સામાજિક સહિતના તમામ પ્રકારના કાર્યક્રમો કરવા અને મેળાવડાઓ કરવા પર પ્રતિબંધ લગાવી રહી છે. ત્યારે સરકારના નિયમોનું ઉલ્લંઘન કરીને પોતાની રાજકીય છબી ચમકાવવા માટે નેતાઓ આવા ધરણાં અને ઉદ્ઘાટન કાર્યક્રમો યોજી રહ્યા છે. નેતાઓના આવા કાર્યક્રમોમાં પોલીસ પણ મુકપ્રેક્ષક બનીને બંદોબસ્તમાં ગોઠવાઈ જાય છે. લગ્ન પ્રસંગોમાં થોડી પણ વધુ ભીડ ભેગી થાય તો કાર્યવાહી કરવા માટે તુરંત પહોંચી જતી પોલીસને નેતાઓની ભીડ ન દેખાતી હોય તેવું લાગી રહ્યું છે. નેતાઓની સામે કાર્યવાહી કરવાની જગ્યાએ પોલીસ તેમની સેવામાં જોડાઈ જાય છે. ત્યારે જનતામાં પણ સવાલો ઉઠી રહ્યા છે કે, શું ગુજરાતમાં નેતાઓ માટેના અને સામાન્ય જનતા માટેના કાયદાઓ અલગ અલગ છે.

બન્ને ઘટનાઓ જોતાં લાગી રહ્યું છે કે સરકારે બનાવેલા નિયમો ભાજપના નેતાઓને લાગુ નથી પડતા. સરકારના નિયમો તોડવા માટે ભાજપને પીળો પરવાનો આપી દેવામાં આવ્યો છે. ગુજરાતની જનતા કોરોનાની સારવાર માટે કણસી રહી છે. દર્દીઓ હોસ્પિટલમાં તડપી રહ્યા છે ત્યારે ગુજરાત ભાજપના તાયફાઓ બંધ થવાનું નામ નથી લેતાં. દયાહીન નેતાઓ આવા સમયે પણ શરમ નેવે મૂકીને પોતાનું ભવિષ્ય ચમકાવવામાં લાગી ગયા છે. ગુજરાત માટે આ શરમની વાત છે એ સૌએ સ્વીકારવું પડશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments