Team Chabuk Gujarat Desk: કોરોના સમયે પણ ટોળા કરવાનું ગુજરાત સરકારના મંત્રીઓ ચૂકતા નથી. પહેલા ચૂંટણી ટાણે ટોળા થતા હતા. જેમાં એમનો અંગત સ્વાર્થ હતો. અમદાવાદ મોટેરા સ્ટેડિયમને ભરચક કરી દેવામાં આવ્યું. જોકે બાદમાં મીડિયાએ દબાણ લાદતા અને ખબર પડી કે પાડોશના મહારાષ્ટ્ર રાજ્યનાં જ કેટલાક જિલ્લાઓને લોકડાઉન કરી દેવાની ફરજ પડી છે અને ગુજરાતમાં જે રોજનાં 200 કેસ આવતા એ 700એ પહોંચી ગયા છે, ત્યારે ઘોડા છૂટે એ પહેલા તબેલાને તાળા મારી દેતા 50 ટકાની બેઠક વ્યવસ્થા કરી નાખવામાં આવી હતી. તો પણ મોટેરામાં મનેખ ઉમટ્યું હતું.

હવે સમાચાર આવી રહ્યા છે વડોદરાથી. ભાજપના રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલ શિવજી કી સવારીમાં હાજર હતા જ્યાં બે લાખ લોકો ઉમટી પડ્યા. આ તો મોટેરા સ્ટેડિયમ કરતા પણ વધારે ભીડ છે. મહત્વની વાત એ નથી કે બે લાખ લોકો ઉમટી પડ્યા, પણ મહત્વની વાત એ છે કે મંત્રીજી આમાં કારણભૂત શિવજીને ઠેરવી રહ્યા છે. કહી રહ્યા છે કે આમાં તો ભગવાન જવાબદાર છે.
ઘટના કંઈક એવી છે કે શિવરાત્રીના દિવસે વડોદરામાં બે લાખ લોકો ભેગા થયા હતા. સત્યમ શિવમ સુંદરમ્ સમિતિ અને શિવ સમિતિ યાત્રાના કર્તાહર્તાને જ્યારે આટલી ભારે જનમેદની વિશે સવાલ પૂછવામાં આવ્યો કે, કોરોના ફેલાશે તો જવાબદારી કોની ? જેની સામે તેમણે હસતા હસતા જવાબ આપ્યો હતો કે, શિવજીની સવારીમાં આ ભીડ થઈ તેની જવાબદારી ભગવાનની, કારણ કે મેં આ માટે કોઈને આમંત્રિત નહોતા કર્યા.

એક તરફ રાજ્યમાં કૂદકે ને ભૂસકે કેસ વધી રહ્યા છે તો બીજી તરફ સામાન્ય સાદગીપૂર્વક ઉજવણી કરવાની જગ્યાએ બે લાખ લોકો જોડાઈ ગયા હતા. કોરોનાની વેક્સિન લીધા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારના નર્મદા અને શહેરી ગૃહ નિર્માણના રાજ્યકક્ષાના મંત્રી યોગેશભાઈ પટેલે મીડિયા સાથેના વાર્તાલાપમાં કહ્યું કે, અગાઉ શિવયાત્રા નીકળતી હતી ત્યારે શાળાના વિદ્યાર્થીઓ પણ જોડાતા હતા. આ વખતે રૂટ નાનો કરવામાં આવ્યો હતો.
આ ભીડ અંગે વધુમાં તેમણે કહ્યું કે, કોઈ આમંત્રણ પત્રિકા છપાવવામાં નહોતી આવી કે કોઈને પણ આમંત્રણ આપવામાં નહોતું આવ્યું. ભીડ ભેગી થઈ તેમાં મારી કોઈ પણ પ્રકારની જવાબદારી નથી. આ ઉપરાંત શિવ ભક્ત યોગેશ પટેલે કહ્યું હતું કે, સાદાઈથી યાત્રા નીકળી અને પાંચ હજાર કરતા વધારે લોકો જોડાશે નહીં તેવી ગણતરી હતી.

જોકે મંત્રીજીની આ બધી ગણતરીઓ ઉંઘીચતી થઈ ગઈ હતી. એમણે કહ્યું કે, જ્યારે ખૂદ ભગવાન શિવજી પરિવાર સાથે નીકળ્યા હોય ત્યારે તેના દર્શનનો લ્હાવો લેવા બધા આવે તે ખોટું પણ નથી.
જનતા માટે જૂનાગઢનો શિવરાત્રીનો મેળો બંધ કરવામાં આવ્યો અને જનતા ભવનાથની તળેટી તરફ ફરકી પણ નહીં. જોકે વડોદરામાં સાદાઈથી યાત્રા કાઢી શકાતી હતી તેની જગ્યાએ ભવ્યાતિભવ્ય ઉત્સવ કરવાની શું જરૂર પડી ? ભગવાને કર્યું ?
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત