Team Chabuk-Gujarat Desk: અમદાવાદમાં વહેલી સવારે અકસ્માતની ઘટના બની છે. જેમાં બીઆરટીએસ (BRTS)ની અડફેટે એક એક્ટિવા ચાલકનું મોત નિપજ્યું છે. ઘટના અમદાવાદ શહેરના પલ્લવ ચાર રસ્તા પાસેની છે. જ્યાં બીઆરટીએસ (BRTS)ની અડફેટે આવી જતાં એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. ઘટનાને પગલે રસ્તા પર મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ ગયા હતા. મૃતકના પરિવારજનોએ ન્યાય અપાવવાની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાની ના પાડી દીધી હતી જો કે બાદમાં પોલીસની સમજાવટથી પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો.
ઘટનાની વિગતે વાત કરીએ તો, 45 વર્ષીય જલુભાઈ દેસાઈ પોતાનું એક્ટિવા લઈને દરરોજના નિત્યક્રમ મુજબ ન્યૂઝ પેપર વેચવા નીકળ્યા હતા. જલુભાઈ દેસાઈ પોતાનું એક્ટિવા લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન બીઆરટીએસ (BRTS) બસ ડેપોમાંથી બહાર નીકળીને રોંગ સાઈડમાં આવી રહી હતી. બસ ઓવર સ્પીડમાં હોવાનું પણ લોકો કહી રહ્યા છે. પુરપાટ ઝડપે આવી રહેલી બીઆરટીએસ (BRTS)એ એક્ટિવાને અડફેટે લીધું હતું. બસની ટક્કર વાગતા જલુભાઈ દેસાઈ 10 ફૂટ સુધી ઉછળ્યા હતા અને નીચે પટકાતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું.
અકસ્માત બાદ બીઆરટીએસ (BRTS) બસનો ડ્રાઈવર નીચે ઉતરીને માનવતા દાખવવાને બદલે સ્થળેથી ભાગ્યો હતો. બાદમાં આ અકસ્માતના ગુનામાં બીઆરટીએસ (BRTS)ના ડ્રાઈવરની અટકાયત કરીને વધુ પુછપરછ હાથ ધરાઈ છે. આ અકસ્માતના કારણે એક પરિવારે ગુજરાન ચલાવનાર મુખ્ય વ્યક્તિ ગુમાવ્યો છે. મૃતક જલુભાઈ દેસાઈના પરિવારમાં ત્રણ બાળકો છે. જલુભાઈ દેસાઈના અકસ્માતની જાણ થતાં જ પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બીઆરટીએસ (BRTS) હાય-હાયના નારા લગાવીને રોડની વચ્ચે બેસી વિરોધ નોંધાવ્યો હતો. શરૂઆતમાં પરિવારજનોએ જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની ના પાડી દીધી હતી. પરંતુ બાદમાં પોલીસ દ્વારા પરિવારજનોને સમજાવતા મૃતદેહ સ્વીકારવામાં આવ્યો હતો.
અકસ્માતનો આ બનાવ વહેલી સવારે સાડા છ વાગ્યાની આસપાસ બન્યો હતો. જેમાં આઠ વાગ્યા સુધી કોઈ અધિકારી ઘટના સ્થળે ડોકાયા પણ ન હોવાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો છે. જલુભાઈ દેસાઈ ન્યૂઝ પેપર વેચીને પરિવારનું ભરણપોષણ કરતાં હતાં. ત્યારે અકાળે જલુભાઈનું અકસ્માતે મોત થતાં પરિવાર પર આફતનું આભ તૂટી પડ્યું છે.
અમદાવાદ શહેરમાં દોડતી બીઆરટીએસ (BRTS) બસ અકસ્માતો સર્જવા માટે જાણીતી છે. અનેક વખત બીઆરટીએસ (BRTS) બસની અટફેડે લોકોને નાની-મોટી ઈજા કે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. લોકો અવારનવાર ફરિયાદ પણ કરતાં હોય છે કે, બીઆરટીએસ (BRTS) બસ ઓવર સ્પીડમાં દોડતી હોય છે. છતાંય તંત્ર દ્વારા આ અંગે કોઈ પગલાં ભરવામાં નથી આવતાં.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત