Team Chabuk-International Desk: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે, કોરોનાનું નવું ડેલ્ટા સ્વરૂપ જગત આખામાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. WHOએ કહ્યું કે, 104 દેશોને અજગર ભરડામાં લઈ ચૂકેલ ડેલ્ટા વેરિએન્ટ, જલ્દી જ સમગ્ર પૃથ્વીને પોતાની મુઠ્ઠીમાં લઈ લેશે. WHOના પ્રમુખ ટ્રેડ્રૉસ એડહેનૉમ ઘેબરેયેસસે કહ્યું કે, ગત અઠવાડિયું ચોથું એવું અઠવાડિયું હતું જ્યારે વિશ્વભરમાં કેસ વધવાની પ્રક્રિયા નિરંતર ચાલતી રહી. WHOએ આ વિશે કહ્યું કે, છ વિસ્તારોમાંથી એકને છોડીને તમામ જગ્યાએ કેસ વધી રહ્યા છે.
10 અઠવાડિયા સુધી સંક્રમણમાં ઘટાડો આવ્યા બાદ આ પ્રકારના કેસ એકાએક વધવા લાગવા એ ચિંતાનો વિષય છે. સંગઠનના મહાનિર્દેશકે વાત ઉપર વજન મૂકતા કહ્યું કે, કોરોનાનો નવો ડેલ્ટા વેરિએન્ટ દુનિયાભરમાં ઝડપથી વધી રહ્યો છે. જેથી સંક્રમણના કેસ અને જીવ ગુમાવનારાઓની સંખ્યા સતત વધી રહી છે.
આ વેરિએન્ટ એ લોકોને સંક્રમિત કરી રહ્યો છે, જેમણે વેક્સિનનો ડોઝ નથી લીધો. જેથી સ્વાસ્થ્યના વર્તુળ પર દબાણ આવી રહ્યું છે. જ્યાં વેક્સિનેશનની પ્રક્રિયા ખૂબ જ ઓછી છે ત્યાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. તેમણે એ વાતની પણ ચેતવણી ઉચ્ચારી હતી કે ડેલ્ટા વેરિએન્ટ ખૂબ જ ખતરનાક છે, તેનાથી બચવું અત્યંત જરૂરી છે.
કોરોના વાઈરસના આ નવા સ્વરૂપથી બચવા માટે વૈજ્ઞાનિકો કહી રહ્યા છે કે લોકોએ જલ્દી જ વેક્સિન લગાવવી જોઈએ. વૈજ્ઞાનિકોએ એ પણ કહ્યું કે, વેક્સિન લગાવનારાઓને પણ વાઈરસની અસર પહોંચી શકે છે, જોકે જેમણે વેક્સિન નથી લગાવી તેની તુલનામાં સ્વાસ્થ્યને ખૂબ ઓછી હાની પહોંચશે. અમેરિકામાં ડેલ્ટા વેરિએન્ટથી સંક્રમિત થનારાઓનો દર 70થી 80 ટકા છે.
અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીની સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના ડીન ડો. આશીષ ઝાએ કહ્યું કે કોરોના સંક્રમણના નવા કેસ એ વિસ્તારમાં વધારે આવી રહ્યા છે જ્યાં કાં તો વેક્સિન લેવામાં નથી આવી અથવા તો ખૂબ ઓછા પ્રમાણમાં વેક્સિનેશન થયું છે. અમેરિકાના કેટલાક વિસ્તારોમાં વેક્સિનેશનની પ્રક્રિયા અત્યંત ધીમી છે. આ વિસ્તારોમાં કેસ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. અહીંના મોટાભાગના લોકો ડેલ્ટા વેરિએન્ટની ઝપેટમાં આવી રહ્યા છે.
ડો.ઝાના જણાવ્યા અનુસાર મેસાચ્યુસેટ્સ અને રોડ આઈલેન્ડમાં 85થી 90 ટકા વયસ્ક લોકોને વેક્સિન લાગી ચૂકી છે. જેના પરિણામે અહીં સંક્રમણનો દર ઓછો છે. અરકંસાસ, ઓહિયો સહિતના વિસ્તારોમાં વેક્સિનેશન ખૂબ ઓછું થયું છે. પરિણામ એ આવ્યું છે કે ત્યાં સંક્રમણ દરમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. તમામ લોકો નવા વેરિએન્ટના સકંજામાં આવી રહ્યા છે. જેથી સ્પષ્ટ છે કે વેક્સિનેશન અને ડેલ્ટા વેરિએન્ટને એકબીજા સાથે સંબંધ છે.
ડો.ઝાએ જણાવ્યું હતું કે, ડેલ્ટા વેરિએન્ટ દુનિયાના 95થી વધારે દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. ઓસ્ટ્રેલિયા, ઈઝરાયલ અને દક્ષિણ આફ્રિકામાં ડેલ્ટા વેરિએન્ટ કયામત બનીને ત્રાટક્યો છે. મહત્વનું એ છે કે અહીં પણ અત્યાર સુધી જેમણે વેક્સિન નથી લગાવી તે લોકો ઝપેટમાં આવી રહ્યા છે અને મોતને ભેટી રહ્યા છે.
દેશમાં હાલ સ્પૂતનિક વી વેક્સિન ડેલ્ટા સહિતના તમામ કોરોના વેરિએન્ટની સામે અસરદાર છે. રશિયાની ગમાલ્યા રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટે આ દાવો તાજા સંશોધનના આધાર પર કર્યો છે. આરડીઆઈએફે જણાવ્યું હતું કે, કોરોનાના નવા વેરિએન્ટ પર ટીકાના પ્રભાવને તપાસવા માટે સંશોધનમાં એ વસ્તુ હાથ લાગી છે કે સ્પૂતનિક વેક્સિન તમામ વેરિએન્ટ અલ્ફા, બીટા, ગામા ત્યાં સુધી કે ડેલ્ટા વિરૂદ્ધ પણ પ્રોટેક્ટિવ ન્યૂટ્રલાઈઝિંગ તત્વ તૈયાર કરે છે. સ્પૂતનિક હાલ ભારત સહિત 67 દેશમાં ઉપયોગમાં લેવામાં આવી રહી છે.
આરડીઆઈએફના સીઈઓ કિરિલ દિમિત્રેવે જણાવ્યું કે સ્પૂતનિક-વી વેક્સિનની બે ડોઝ કોરોનાના નવા વેરિએન્ટને ન્યૂટ્રલાઈઝ કરવામાં સક્ષમ છે. તેમણે ત્યાં સુધી દાવો કર્યો છે કે સ્પૂતનિક વી અન્ય વેક્સિન કરતા અત્યંત પ્રભાવી છે. વાઈરસની વિરૂદ્ધ સ્પૂતનિક વી વેક્સિનની ક્ષમતા વૈજ્ઞાનિક પરિભાષામાં ગોલ્ડ સ્ટાન્ડર્ડ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત