Team Chabuk-National Desk: કોવિડ-19ની રિફ્લેક્શન વિશે શરૂઆતમાં અસંખ્ય એવા સંશોધનો સામે આવ્યા હતા કે આવું નહીં થાય. એક વખત જે તે વ્યક્તિ કોરોના સંક્રમિત થઈ જાય પછી એ પાછો સંક્રમિત નહીં થાય. જોકે આજે કોરોના સંક્રમણના રિફ્લેક્શન વિશે કોઈ નનૈયો નથી ભણી રહ્યું. સમગ્ર દુનિયા સિવાય ભારતમાં પણ કોવિડ-19 રિફ્લેક્શનનાં કેસ સામે આવી રહ્યા છે. હવે સમાચાર એવા છે કે ભારતમાં જે મેડિકલની વિદ્યાર્થિની પ્રથમ વખત કોરોના સંક્રમિત થઈ હતી, તે બીજી વખત પણ ઝપેટમાં આવી ગઈ છે.
કેરળના ત્રિશૂરની રહેવાસી મેડિકલની વિદ્યાર્થિની જાન્યુઆરી 2020માં કોરોના પોઝિટિવ આવી હતી. દોઢ વર્ષ બાદ બીજી વખત તેના શરીરમાં કોરોના વાઈરસની પુષ્ટી થઈ છે. 20 વર્ષીય આ વિદ્યાર્થિનીએ થોડા સમય પહેલા કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. મંગળવારના 13 જુલાઈનાં રોજ તેની રિપોર્ટ પોઝિટિવ આવી હતી. તેની સારસંભાળ લઈ રહેલા ડોક્ટરોએ કહ્યું હતું કે, ચિંતા કરવાની કોઈ વાત નથી. બીજી બાજુ કેટલાય લોકો આ ઘટનાને કોરોનાની ત્રીજી લહેર સાથે સરખાવી ચિંતાજનક માની રહ્યા છે.
આશ્ચર્યની વાત એ છે કે આ વિદ્યાર્થિનીને હજુ સુધી કોરોના વેક્સિન નથી મળી. મેડિકલની વિદ્યાર્થિની હોવા છતાં! સ્વાસ્થ્ય અધિકારીઓએ મીડિયા સાથે કરેલી વાતચીતમાં આ અહમ મુદ્દાને સામે રાખ્યો હતો. તેમણે જણાવ્યું કે આ વિદ્યાર્થિની ફ્લાઈટમાં કેરળથી દિલ્હી જવાની હતી. જેથી તેને કોરોના ટેસ્ટ કરાવવો અતિ આવશ્યક હતો. ટેસ્ટ સમયે તે પોઝિટિવ આવી હતી. આ અંગે જિલ્લા સ્વાસ્થ્ય અધિકારીએ કહ્યું કે, વિદ્યાર્થિનીનો આરટી-પીસીઆર રિપોર્ટ પોઝિટિવ અને એન્ટીજન રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. રિપોર્ટ સામે આવ્યા બાદ વિદ્યાર્થિની હોમ ક્વોરન્ટાઈન છે અને તેની તબિયત સ્થિર છે.
જાન્યુઆરી 2020માં જ્યારે વુહાનમાં કોરોના સંકટ આભ સુધી આંબ્યું હતું ત્યારે વિદ્યાર્થીઓ ત્યાંથી પોત પોતાના વતન જઈ રહ્યા હતા. ભારતે પણ પોતાના હજ્જારો વિદ્યાર્થીઓને પરત લાવવાની દિશામાં કામ કર્યું હતું. જેમાં કેરળના ત્રિશૂરની મેડિકલ વિદ્યાશાખાની વિદ્યાર્થિની પણ સામેલ હતી. સંક્રમિત છાત્રાને પ્રથમ વખત ત્રણ અઠવાડિયા સુધી રાખવામાં આવી હતી. બે વખત કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો ત્યારે જ તેને 20 ફેબ્રુઆરી 2020નાં રોજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
2020ની સાલમાં કોરોનાનું સંકટ સૌ પ્રથમ કેરળ માથે ભમવા લાગ્યું હતું. જોકે આશ્ચર્યની વચ્ચે કેરળ આ સંકટ પર ધીમે ધીમે કાબુ મેળવી રહ્યું હતું. એકાએક વધેલા કેસ કાબુમાં આવી જતાં રાજ્યનાં ચારે તરફથી વખાણ થઈ રહ્યા હતા. એ સમયે મૃત્યુ પામનારાઓની સંખ્યા એક હજાર પણ નહોતી થઈ. આજે સ્થિતિ વિપરિત સામે આવી છે. કેરળ કોરોનાના કેસ મામલે સમગ્ર ભારતમાં બીજા નંબર પર છે.
કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર કેરળમાં કોવિડ-19ના દર્દીઓની કુલ સંખ્યા 30 લાખને પાર જઈ ચૂકી છે. ઝડપથી આ આંકડો 31 લાખને પાર પહોંચી ગયો છે. કુલ 14 હજાર 686 દર્દીઓનાં મોત થઈ ચૂક્યા છે. જે રાજ્યોમાં રોજબરોજ કેસ વધારે આવી રહ્યા છે તેમાં કેરળ સૌથી અગ્રક્રમે છે. ગત 24 કલાકમાં અહીં 7800 નવા સંક્રમિતોની પુષ્ટી થઈ છે. આ સમયે કોવિડ મહામારીથી સૌથી પ્રભાવિત મહારાષ્ટ્રમાં 7600 નવા કેસ સામે આવ્યા છે.
જોકે રોજ આવી રહેલા કોરોનાના કેસમાં કેરળની સ્થિતિ મહારાષ્ટ્ર કરતાં સારી છે. કેરળમાં ગઈકાલે 100 લોકોનાં મોત થયા હતા. જ્યારે તેની સામે મહારાષ્ટ્રમાં 146 દર્દીઓનાં મોત થયા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત