1971ના પાકિસ્તાન સામેના યુદ્ધમાં ભાગ લેનારા હીરોઝ માટે બોર્ડર પર રિલે દોડનું આયોજન થયું જેમાં જવાનોએ 11 કલાકમાં 180 કિલોમીટરનું અંતર કાપી નાખ્યું. જવાનોએ BOP કાવેરીથી દોડ શરૂ કરી હતી અને અનુપગઢમાં પૂરી કરી હતી. વીર જવાનોની યાદમાં મધ્યરાત્રીએ જવાનો 180 કિલોમીટર દોડ્યા હતા.
દોડ પહેલાં એક આર્મી ઓફિસરે આ અંગે કહ્યું હતું કે, અમે આજે અહીં એકઠાં થયા છીએ. એક બેટન ડિલે રેસ કરી રહ્યા છીએ જે 180 કિલોમિટરની છે. 1971ના યુદ્ધના જે હિરોઝ છે. અમારી બોર્ડર સિક્યોરિટી ફોર્સના જેઓએ આર્મી સાથે ખભે ખભે મિલાવીને લડાઈ લડી હતી. આ તમામ લોકોના સન્માનમાં અમે રેસ યોજી રહ્યા છીએ.
મધ્યરાત્રીની આ દોડમાં અંદાજે 700થી 800 જવાનોએ ભાગ લીધો હતો. આ બેટન રિલે રેસને જવાનોએ ફીટ ઈન્ડિયા મુવમેન્ટ સાથે પણ જોડી હતી. જેથી નાગરિકો સુધી એ મેસેજ પણ પહોંચે કે ફિટનેસ કેટલી મહત્વની છે.
આ રેસ અંગે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું કે, દેશ વિરોધી તાકાતોને એ વાતનું ભાન કરાવાયું કે, આજે ભારતની સેના 1971 કરતાં અનેકગણી મજબૂત બની છે. એટલે BSFના જવાનોએ મધ્યરાત્રીએ આ દોડ લગાવી.
જે સ્થળે આ રેસનું આયોજન કરાયું તે ઈન્ટરનેશનલ બોર્ડર છે. પાકિસ્તાનને અડીને આવેલી આ બોર્ડર પર જવાનોના આ પરાક્રમથી પાકિસ્તાનને આડકતરી રીતે પણ એક સંદેશો અપાયો અને 1971ની હારની યાદ કરાવવામાં આવી.

1971ના યુદ્ધમાં આવું હતું આર્મીનું પરાક્રમ
1971માં 3 ડિસેમ્બરે પાકિસ્તાને યુદ્ધની શરૂઆત કરી હતી. 13 દિવસમાં જ ભારતે પાકિસ્તાનને તેની ઔકાત બતાવી દીધી હતી. ભારતે જમીન, આકાશ અને પાણીમાં પાકિસ્તાનને પરાસ્ત કરી દીધુ હતું.
ભારત તે વખતના પૂર્વી પાકિસ્તાન એટલે કે હાલમાં જે બાંગ્લાદેશ છે ત્યાંના લોકો પર થઈ રહેલા અત્યાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યું હતું. એવામાં પશ્ચિમી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું હતું. પાકિસ્તાને 3 ડિસેમ્બરે શ્રીનગર, પઠાણકોટ, આગરા અને ચંદીગઢ સહિતના વિસ્તારમાં હવાઈ હુમલો કરી દીધો. જો કે, આ હુમલામાં ભારતના એક પણ જવાનને નુકસાન થયું ન હતું.
યુદ્ધ દરમિયાન પાકિસ્તાનને માહિતી મળી કે ભારતના મોટા ભાગના સૈનિકો પૂર્વી પાકિસ્તાન તરફ છે અને રાજસ્થાનના જેસલમેરમાં આવેલા લોંગેવાલમાં માત્ર 120 સૈનિકો જ તૈનાત છે. એટલે જ પાકિસ્તાની ફૌજ અને ટેન્ક બ્રિગેડિયર તારીક મીરની આગેવાનીમાં રાતોરાત લોંગેવાલા તરફ ધસી આવી અને હુમલો કરી દીધો. જો કે, બીજી તરફ ભારતીય સૈનિકો તૈયાર હતા.
લોંગેવાલામાં આ સમયે મેજર કુલદીપસિંહ ચાંદપુરીજીની ડ્યૂટી હતી. કુલદીપસિંહજીને સૂચના મળી કે તેઓ પાછળ હટી જાય, કારણ કે પાકિસ્તાને હજારોની સંખ્યામાં સૈનિકો મોકલ્યા છે. કુલદીપસિંહજીએ પાછળ હટવાની મનાઈ કરી દીધી અને પાકિસ્તાનને ધોબી પછાડ આપવાનું નક્કી કરી લીધું. ભારત પાસે એક આશા હતી એરફોર્સની. જો મેજર કુલદીપસિંહ ચાંદપુરીની બટાલિયન સવાર સુધી ટકી જાય તો સવારે હન્ટર ફાઈટર વિમાન પાકિસ્તાનની ટેન્કને આસાનીથી ઉડાવી શકે.
મેજરે પાકિસ્તાની સૈનિકોને રોકવા યોજના બનાવી. બોર્ડર પર થોડા માઈન્સ પાથર્યા. અને મોટી સંખ્યામાં માઈન્સની જેમજ ટીફિન પાથરી દીધા. પાકિસ્તાની સેના લોંગેવાલા બોર્ડર પર પહોંચી તો તેના ટેન્ક બ્લાસ્ટ થયા એટલે તે ડરી ગયા. ડરના માર્યા જોયું તો જમીનમાં મોટી સંખ્યામાં માઈન્સ દેખાયા. તારીકે એન્જિનિયર્સને બોલાવ્યા અને જમીનમાંથી માઈન્સ કાઢવા આદેશ આપ્યો. જેમાં પાકિસ્તાની એન્જિનિયર્સના હાથમાં માઈન્સ ઓછા અને ટીફિન વધુ આવી રહ્યા હતા. મેજર કુલદીપસિંહની યોજનાને સમજતાં સમજતાં પાકિસ્તાનના છ કલાક બરબાદ થઈ ગયા.
બીજી યોજના તેમણે એવી બનાવી હતી કે જવાનોને 2 કિલોમીટરના અંતરે દૂર-દૂર ગોઠવી દીધા હતા. જેથી જવાનોની સંખ્યા વધુ લાગે. પાકિસ્તાની સેના જેવી વધુ આગળ વધી એટલે જવાનોએ અલગ અલગ દિશામાંથી ફાયરિંગ શરૂ કરી દીધુ. પાકિસ્તાની સેના અને તેનો બ્રિગેડિયર ફરી વિચારમાં પડી ગયા કે માહિતી તો 120 સૈનિકોની જ હતી, અહીં તો વધુ સૈનિકો છે. આમ, મેજર કુલદીપસિંહ ચાંદપુરીએ પાકિસ્તાની જવાનોને સવાર સુધી રોકી રાખ્યા. સવાર પડતાં જ હન્ટરે ઉડાન ભરી અને ગણતરીની મિનિટોમાં જ પાકિસ્તાની ટેન્કને ઉડાવી દીધી. આ જોઈને બ્રિગેડિયર સહિત જે જવાનો બચ્યા હતા તે ઉભી પૂંછડીયે ભાગ્યા હતા. એટલું જ નહીં આ ઘટના બાદ પાકિસ્તાન પોતાના સૈનિકોની લાશ પણ લેવા આવ્યું ન હતું. ભારતે કહ્યું હતું કે ગોળી નહીં ચલાવીએ છતાં પાકિસ્તાન પોતાના જવાનોની લાશ લેવા ન આવ્યું જેના લીધે આ સફાઈનું કામ ગીધોના ઝુંડે કરવું પડ્યું હતું.
આ યુદ્ધ 13 દિવસ સુધી ચાલ્યું હતું. અમેરિકાએ પાકિસ્તાનની મદદ કરી હતી. જ્યારે રશિયા ભારત સાથે ઉભુ રહ્યું હતું. યુદ્ધના 13માં દિવસે પૂર્વી પાકિસ્તાનમાં પાકિસ્તાની જનરલ નિયાજીએ પોતાના 93 હજાર સૈનિકો સાથે આત્મસમર્પણ કરી દીધું હતું. આમ, પૂર્વી પાકિસ્તાન ત્યારબાદ સ્વતંત્ર બાંગ્લાદેશ બન્યું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત