Team Chabuk-Gujarat Desk: થોડા દિવસ પૂર્વે સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના જામવાડી ગામે વર્ષો જૂના શિવમંદિરમાં ગુપ્ત ધનની લાલચે ખોદકામ કરીને મંદિરમાં નુકસાન કરવાનો બનાવ સામે આવ્યો હતો. આ મામલે પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જામવાડી ગામમાં આવેલા આશરે 1200 વર્ષ જુના શિવમંદિરમાં શિવલિંગમાં ખજાનો છુપાયો હોવાની લાલચમાં શિવલિંગ અને નંદિની નીચે ખાડો ખોદવામાં આવ્યો હતો. ગુપ્ત ધનની લાલચમાં મંદિરમાં ખોદકામ કરીને નુકસાન કરનારા આરોપીઓને સુરેન્દ્રનગર પોલીસે ઝડપી લીધા છે. આરોપીઓની પુછપરછમાં આ મામલે કેટલીક મહત્વની વિગતો સામે આવી છે.
થાનગઢના જામવાડી ગામમાં આવેલા શિવમંદિરમાં ગુપ્ત ધનની લાલચે તોડફોડ કરનાર પાંચ આરોપીઓની સુરેન્દ્રનગર પોલીસે ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, કૂલ 10 લોકોએ સમગ્ર પ્લાન બનાવ્યો હતો. સાયલાના ઢેઢુકી ગામના અજીત પંચાળા નામના આરોપીએ કહ્યું કે, મને સપનું આવ્યું હતું કે આ મંદિરમાં ગુપ્ત ધન છે. હાલ સુરેન્દ્રનગર એલસીબી, એસઓજી અને સ્થાનિક ટીમે પાંચ આરોપીને ઝડપી લીધા છે અને હજુ પણ વધુ પાંચ આરોપીની શોધખોળ ચાલુ છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, તમામ આરોપીઓએ ગુપ્ત ધનની લાલચમાં સતત 4 દિવસ સુધી મંદિરમાં ખોદકામ કર્યું હતું. મંદિરના પ્રાંગણમાંથી નંદીને દૂર કરીને ખાડો ખોદ્યો હતો. શિવલિંગની નીચે પણ ખાડા કર્યા હોવાનું ડીવાયએસપી એચ.પી.દોશીએ જણાવ્યું છે. ઢેઢુકીના અજીત પંચાળાએ કહ્યું કે, મને સપનું આવ્યું કે મંદિરમાં ગુપ્ત ધન છુપાયેલું છે. તેથી તેને કાઢવા અમે આ ખોદકામ કર્યું હતું.
આ મંદિરને લઈને લોકવાયકા છે કે આ મંદિર રાજા સિદ્ધરાજના માતા મીનળદેવી યાત્રા પર નીકળ્યા હતા ત્યારે તેમણે અનેક મંદિર બંધાવ્યા હતા જેમાંનું આ એક શિવમંદિર પણ છે. પુરાતત્ત્વ વિભાગ દ્વારા આ મંદિર રક્ષિત જાહેર કરાયું છે. સુરેન્દ્રનગરના થાનગઢનું આ શિવમંદિર પણ ગુપ્ત ધનની લોકવાયકાથી અજાણ્યું નથી. આદિકાળથી લોકવાયકા ચાલે છે કે આ મંદિરના શિવલિંગ અને નંદિની નીચે ગુપ્ત ધન છુપાયેલું છે. મુગલ સાશનમાં શિવમંદિરો તોડીને ગુપ્ત ધનની લૂંટ થયાના ઉલ્લેખ ઇતિહાસમાં જોવા મળે છે. ત્યારે જામવાડી ગામના આ મંદિરમાં પણ ગુપ્ત ધનની આશાએ જ ખોદકામ કરાયું હોવાનું બહાર આવ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત