Team Chabuk-Sports Desk: આઉટલૂકના પત્રકાર અનિરુદ્ધ બહલ. એમણે ક્રિકેટર મનોજ પ્રભાકરનો ઇન્ટરવ્યૂ લીધેલો. પ્રભાકરે સ્વીકાર્યું કે, ભાઈ સાહેબ, મને એક બૌ મોટા ક્રિકેટરે 25 લાખની ઓફર કરી હતી. ઇન્ટરવ્યૂ છપાયું અને બઘડાટી મચી ગઈ. પ્રશ્ન ઉઠ્યો કે કોણ છે એ ક્રિકેટર? થોડો ઉહાપોહ થયો અને બાદમાં આ સ્ટોરી માટે આઉટલૂક પર 5 કરોડ રૂપિયાનો બદનક્ષીનો દાવો પણ થયો.
મનોજ પ્રભાકર ચર્ચામાં આવી ગયા બાકી ક્રિકેટર તરીકે એમણે એવી કશી રોટલી નહોતી શેકી. શ્રીલંકાના ક્રિકેટર સનથ જયસૂર્યાએ તેને ફાસ્ટ બોલરમાંથી મીડિયમ પેસર બનાવીને રાખી દીધેલો! એ કપિલ દેવ જેવી મૂછ અને હેર સ્ટાઇલ રાખતાં હતાં. આજે પણ રાખે છે. એમને ગરીબોનો કપિલ દેવ એવું હુલામણું તખલ્લુસ ફેન્સે આપ્યું હતું. આ બધું તો ચોમાસાનાં ચાર મહિનાની જેમ શમી ગયું. ત્યાં સાઉથ આફ્રિકાના ક્રિકેટર હેન્સીને લઈ વિવાદ થયો. એણે મેચ ફિક્સ કરેલો. ક્રિકેટ કલંકિત થઈ ગયું. ક્રિકેટ પરથી ફેન્સનો વિશ્વાસ ઊઠવા લાગ્યો હતો. એણે માફી માગી અને કબૂલ્યું. એક ભારતીયનું નામ આપ્યું. એમ.કે.ગુપ્તા. એમ.કે.ગુપ્તા એટલે મુકેશ ગુપ્તા! આ મુકેશ ગુપ્તા બુકી હતો. એની વાત પછી કરીશું પણ પહેલા મનોજની વાત કરી લઈએ.
તો તહેલકા સામાયિકની શરુઆત થઈ. અનિરુદ્ધ બહલ એમાં જોડાઈ ગયેલા. સાથે મિન્ટી તેજપાલ હતા. મિન્ટીને માથા પર વાળ નહીં. ભ્રમરો એટલી ઝાડી કે જાણે ફેવિકોલથી ચોંટાડી હોય. એમણે અનિરુદ્ધને ઈંગ્લેન્ડ મોકલ્યા. ઈંગ્લેન્ડ મોકલવાનું કારણ હતું કે ત્યારે યુરોપના માર્કેટમાં તાજા સ્પાઇ કેમેરા આવ્યા હતા. ચશ્મા ઉપર ફિટ કરો તો જાસૂસીના કામમાં ચાલી જાય. ડાબા હાથની કાંડા ઘડિયાળ પર પણ લગાવીને રાખી શકો અને સ્યૂટકેસમાં પણ કોઈની નજર ન જાય એ રીતે ફિટ કરી શકો. વાંધો એક જ કે એની બેટરી ક્યારે પૂરી થઈ જાય નક્કી નહીં. અનિરુદ્ધ આ માટે લંડન ગયા અને આ નવી પ્રોદ્યોગિકી ભારત લઈ આવ્યા. મીડિયા પહેલી વખત સ્પાઇ કેમેરાનો ઉપયોગ કરવા જઈ રહી હતી. તહેલકાના પત્રકારોએ ભેગા થઈ મનોજને મનાવ્યા, કેમ કે મનોજ જ હતા જેઓ ક્રિકેટર્સની નજીક જઈ કેમેરા દ્વારા જાસૂસી કરી શકે. એમણે તહેલકાની વાત માની જાસૂસી કાર્યને અંજામ આપ્યું. તહેલકાના અનિરુદ્ધ અને મિન્ટીને બીક હતી કે ક્યાંક ઉઘાડા ન પડી જઈએ, જોકે ઉઘાડા પડ્યા નહીં, પણ ઉઘાડા પાડી દીધા. અને બધું ફૂટેજ મળી ગયું.
જે ફૂટેજ મળતું એને બાદમાં મિન્ટી તેજપાલ એડિટ કરવા માટે બેસતાં. કોઈના માથા ન દેખાય. કોઈનો અવાજ બરાબર ન સંભળાય. લિપ્સિંગ ઢંગધડા વગરનું અને તેમ છતાં ડૉક્યુમેન્ટ્રી બની. એનું શીર્ષક રાખ્યું, “Fallen Heroes: The Betrayal of a Nation.” દેશભરના પત્રકારોને બોલાવી એમની સામે પ્રસારણ કરવામાં આવ્યું. દેશ હલી ગયો. ચોંકી ગયો. સીબીઆઇની તપાસ બેસાડવાનો નિર્ણય લીધો. સીબીઆઇએ ડૉક્યુમેન્ટ્રીનો પણ અભ્યાસ કર્યો. એમણે જે-જે પોલીસ સ્ટેશનમાં ભૂતકાળમાં સટ્ટો રમતાં બુકીઓ પર કેસ ફાઇલ થયો હોય એમની તસવીરો અને નામ અંકે કર્યાં.
વાત હવે બની. દિલ્હીના એક પોલીસ સ્ટેશનમાં કોઈએ રિપોર્ટ નોંધાવી કે મને ધમકીભર્યાં ફોન કૉલ્સ આવે છે. એ ભાઈ બુકી હતા. સીબીઆઈને ખબર પડી કે આમાં તો ભાઈલોગનો પણ હાથ છે. બુકી હોય, બુકીની નીચે પલટન હોય, જે ક્રિકેટના સટ્ટા બજારનો શ્વાસ દોડતો રાખે, પણ આ બધાને હેન્ડલ કોણ કરતું હશે? એક જ જવાબ હતો અને એ શાહજહાંના મેદાનમાં હતો. ડૉન દાઉદ ઈબ્રાહીમ. સીબીઆઈએ સંશોધન કરી રાખ્યું હતું અને એવામાં હેન્સીએ ગુપ્તાનું નામ પણ લઈ લીધું. જોયું તો ગુપ્તાજી પર ક્યાંય કેસ ફાઈલ નહોતો થયો. એ બુકી વિશે ક્યાંય કોઈને માહિતી નહોતી. ક્યાંથી આવ્યો? કોણે એને બુકી બનાવ્યો? કોને કોને એણે બુક કર્યાં? ગુપ્તાજી તો સાલ્લા અશ્વિની ભટ્ટની નવલકથાના પાત્ર કરતાં પણ રહસ્યમય નીકળ્યાં!

અંતે ગુપ્તા વિષે શોધખોળ કરતાં એ ભાઈ રફુચક્કર થઈ ગયેલા. માલુમ પડ્યું કે એમનો જ્વેલરી બિઝનેસ હતો. એની પાસે કરોડો રૂપિયા હતા. ગુપ્તાનો થોડો ઇતિહાસ જાણી લઈએ. ગુપ્તાએ કોઈ દિવસ ક્રિકેટ રમેલું નહીં. એ ફક્ત ક્રિકેટ શોખ ખાતર જોતો હતો. એક દિવસ અજય શર્મા નામના ક્રિકેટરને તેણે રમતાં જોયો. એ સરસ રમ્યો. ગુપ્તાએ તેની બાજુમાં જઈ ખિસ્સામાં સો રૂપિયા નાખી દીધા. કોને ખબર હતી કે આ 100 રૂપિયાની નોટ જ ભારતીય ક્રિકેટ જગતમાં તહેલકો મચાવીને રાખી દેશે. બુકીઓ ક્રિકેટર્સને આ રીતે જ ફસાવતા હોય છે. પહેલા અઢળક રૂપિયા આપે છે. પછી પોતાનું કામ કઢાવે જેથી તેઓ ‘ના’ ન પાડી શકે. આ બકરા જેવું કામ છે. બકરાને ખવડાવો અને પછી હલાલ કરો.
ગુપ્તાને થયું કે હવે મારી બકરી ડેબે પૂરાવાની જ છે એટલે તેણે તાજ હોટલમાં સીબીઆઇના એક અધિકારીને મળવા માટે કહ્યું. એ મુલાકાતમાં તેણે ક્રિકેટર મોહમ્મદ અઝરુદ્દીનનું નામ લીધું. અઝરુદ્દીન ભારતીય ક્રિકેટની શાન હતા. કોઈએ નહોતું વિચાર્યું કે એ આવું કરી શકે. આજે પણ કેટલાય નથી માનતા. કોણ માને? જેણે કારકિર્દીની પ્રથમ ત્રણ ટેસ્ટમાં ત્રણ સેન્ચુરી ફટકારી હોય!
ગુપ્તાના કારણે અઝરુદ્દીનને સીબીઆઈએ બોલાવ્યા. પૂછપરછ કરી. એ ભાંગી પડ્યા અને હાર સ્વીકારી લીધી. અઝરુદ્દીનની ગુપ્તા સાથે મુલાકાત અજય શર્માએ કરાવી હતી. અઝરુદ્દીનની ગર્લફ્રેન્ડ ફેશન શૉ કરવા માગતી હતી, જે માટે એને એક કરોડ રૂપિયાની જરૂરી હતી. અઝરુદ્દીન પાસે આટલા પૈસા નહોતા. તેણે અજય શર્માને કહ્યું. અજયે તેની મુલાકાત ગુપ્તા સાથે કરાવી. ગુપ્તાએ તેને તાત્કાલિક 50 લાખ આપ્યા અને 50 લાખ બાદમાં. અને આમ 100 રૂપિયાથી અઝરુદ્દીન ખત્મ થયો. જો ત્યારે અજય શર્માએ લાલચમાં આવીને એ 100 રૂપિયા ન સ્વીકાર્યા હોત તો? એણે ગુપ્તાનો કાઠલો પકડી કહી દીધું હોત કે, હું વેચાઈશ નહીં, કે પછી સરળતાથી ખભા પર હાથ મૂકીને – યાર, ક્રિકેટ એન્જોય કરો, સો રૂપિયાની શું જરૂર છે? તો વાત અઝરુદ્દીન સુધી ન પહોંચી હોત. એ ગર્લફ્રેન્ડને કહી દેત કે મારી પાસે એટલા પૈસા નથી.
પરંતુ બાદમાં અઝરુદ્દીન કૉર્ટ સામે ફરી જાય છે. એ કહે છે દબાણમાં બોલાવડાવ્યું. પોલીસ સંગીતા બિજલાણીના ઘરે પણ છાપો મારે છે. ત્યાં ફેક્સમાં અઝરુદ્દીને લખી મોકલેલું કાગળ પોલીસના હાથમાં આવે છે. એમાં સીબીઆઇ સાથેની પૂછપરછમાં અઝરુદ્દીને શું શું કહ્યું એ બધી વાતો લખેલી હોય છે. અઝરુદ્દીન પર ગાળિયો કસાઈ છે. બીસીસીઆઈ અઝરુદ્દીનને બેન કરવાનું નક્કી કરે છે. જેથી ક્રિકેટનો વિશ્વાસ ફરી સંપાદિત કરી શકાય.
હવે જ્યાંથી શરૂ કર્યું ત્યાં જઈએ. મનોજ પ્રભાકરે જે સિનિયર ક્રિકેટર પર 25 લાખ અંગેની વાત કરેલી, એ બીજું કોઈ નહીં પણ કપિલ દેવ હતા! કપિલ એમાંથી બચી ગયેલા. એમના પરના આરોપો પાંગળા સાબિત થયેલા. આજે બધા હોંશેહોંશે વિરાટ કોહલી, રોહિત શર્મા, બુમરાહને જુએ છે, આનંદ લે છે, સોશિયલ મીડિયા પર રમૂજો પણ કરે છે. પણ તેમને ખબર નહીં હોય કે 80-90ના દાયકામાં જન્મેલા છોકરાઓએ શું જોયું હતું? એમણે ક્રિકેટ જગતની ડાર્ક સાઇડ અને એના ડાર્ક સિક્રેટ્સ જોયા હતા. અખબારોમાં ભરચક લખેલું આવતું હતું. અઝરુદ્દીન મીડિયા સામે ગુસ્સામાં રહેતા હતા.
આ બધું નેટફ્લિક્સની ક્રિકેટ ડૉક્યુમેન્ટ્રી Caught out: Crime. Corruption. Cricket.માં જોવા મળશે. સુંદર રીતે ફિલ્માવવામાં આવી છે. રજેરજનું આવરી લેવાયું છે. પાછી લાંબી પણ એટલી નથી. એક કલાક ને માથે તેર મિનિટમાં આટોપાય જાય છે. ઉપર તો માત્ર નજીવો આસ્વાદ છે, પણ અઝરુદ્દીને શું ખરેખર ફિક્સિંગ કર્યું હતું? અઝરુદ્દીન ઘસીને ના કહે છે, પણ ઇતિહાસ અને ઇન્વેસ્ટીગેશન તેના તરફ આંગળી ચીંધે છે. તેની મોંઘી ઘડિયાળ, મોંઘી કાર, મોંઘા બૂટ… એ પણ ડૉક્યુમેન્ટ્રીમાં બતાવ્યું છે. બાકી તો દર્શકે નક્કી કરવાનું. ક્રિકેટ ફેન્સે નક્કી કરવાનું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત