Team Chabuk – Special Desk : વેસ્ટ દિલ્હીનો વિસ્તાર. સીસીટીવી ત્યારે સમગ્ર દિલ્હીમાં નહોતાં નખાયાં. રોજની જેમ એક ખુશનુમા સવાર પડી. બીજાઓ માટે એ સવાર માત્ર સવાર હતી પરંતુ પોલીસ અને કેટલાક લોકો માટે એ સવાર તો ખરાં અર્થમાં અંધકાર બનીને ત્રાટકવાની હતી. તિહાર જેલના ગેટ નંબર ત્રણની બાજુમાં એક શાકભાજીની ટોકરી પડેલી. કોને ખબર હતી કે એમાં લાશ છે. એવી રીતે હત્યા કરવામાં આવેલી કે સાંભળનારના સમગ્ર અસ્તિત્વમાંથી લખલખું પસાર થઈ જાય. આવું માત્ર ગુજરાતી નવલકથાઓની ચોપડીઓમાં માત્ર શબ્દ મારફતે સાંભળ્યું હતું, પરંતુ ખરેખર એવું દૃશ્ય હતું. મૃતકના અડધા ટાંટિયા નહીં. એને માથું નહીં. એનું ગુપ્તાંગ વાઢી નાખેલું. ટોકરીમાં એક નનામો પત્ર હતો જેમાં પોલીસને પડકાર ફેંકવામાં આવ્યો હતો. પોલીસનું લોહી ઉકળી ઉઠે એવા શબ્દોનો તેમાં પ્રયોગ કરવામાં આવેલો. પોલીસ વિચારતી હતી કે સાલ્લુ આ રીતે આને મારીને અહીં નાખી કોણ ગયું?
પોલીસ તપાસ કરતી રહી. છ મહિના પસાર થઈ ગયા. એ જ જગ્યાએ વધારે એક લાશ મળી. એ લાશને ઓછાડમાં વીંટવામાં આવેલી. શક્તિનો ભરપૂર પ્રયોગ કરો ત્યારે ખોલી શકો એવી રીતે ગાંઠ બાંધવામાં આવી હતી. ગાંઠ કોઈ રીતે ખુલી નહોતી રહી. એવામાં એક વ્યક્તિ આવી અને તેણે ચાકુની મદદથી ગાંઠ ખોલવામાં મદદ કરી. ગાંઠ ખૂલ્યા પછી લાશને તો માથું નહીં, હાથ-પગ નહીં. પોલીસ હચમચી ગઈ. બીજી લાશ, એ પણ એ જ જગ્યાએ મળી એટલે હવે આ વ્યક્તિને પકડવો જોઈએ એવું ગંભીરતાથી લાગ્યું.
કેટલાક પ્રશ્નો વ્યગ્ર કરી રહ્યા હતા. કોણે માર્યાં એ સવાલ તો ઊભો જ હતો, પણ જેમને બેરહેમીપૂર્વક મારી નાખ્યા, એ કોણ હતા? માથું તો છે નહીં જેથી ઓળખ કરી શકાય. પરંતુ હાથ પગ પણ નથી. અને એ હાથ પગ શહેરની બીજી જગ્યાએથી મળે છે જ્યાં માણસોની અવરજવર વધારે હોય. અદ્દલ ખાટકી જેવું કૃત્ય કરેલું. પોલીસ તપાસ કરી રહી હતી ત્યાં એપ્રિલ મહિનાના ઉનાળાના દિવસોમાં વધારે એક લાશ મળી આવી. એની પણ એ જ સ્થિતિ. પત્ર પણ હતો. આ હત્યારો પત્રના અંતે લખતો કે, “દિલ્હી પોલીસ કા જીજા, દિલ્હી પોલીસ કા બાપ.” અંતમાં લખેલું હોય “સી.સી.” ખૂન થયા પછી પોલીસને કોઈ અજાણી વ્યક્તિ ફોન પણ કરતી. ફોન ટ્રેસ કરતા એ લોકલ S.T.D નીકળી. જેની માલિકીની S.T.D હતી એને પૂછતા કહ્યું કે અહીંથી અત્યાર સુધીમાં એક જ વ્યક્તિએ ફોન કોલ કર્યો છે. એ વ્યક્તિ બહુ લાંબી પણ નથી, ટૂંકી પણ નથી. વાળ ખૂબ નાના છે. ઘઉંવર્ણો છે. અને આ રીતે મનુષ્યના સ્વાંગમાં હરતા ફરતા એ દૈત્યનું સ્કેચ તૈયાર થયું.
પોલીસને ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો. એમણે મુખબીરોની મદદ લીધી. એમાંથી એક મુખબીરે કહ્યું કે તમને જે પ્રકારના વ્યક્તિની તલાશ છે એ એક ડૉક્ટર પાસે ઇલાજ કરાવવા માટે આવે છે. પોલીસે ડૉક્ટરની ગરદન પકડી પૂછ્યું, પણ ડૉક્ટર બરાબર જવાબ નહોતો આપતો. બાદમાં પોલીસે વધારે કડકાઈથી પૂછતા એ પોપટની જેમ બોલી ગયો. એ દિવસે તો સિરીયલ કિલર ન આવ્યો, પણ બીજા દિવસે એણે આવવાની વાત ઉચ્ચારી. પરંતુ ત્યારે પણ આવ્યો નહીં.
ત્રણ દિવસની મહોલત હતી. પોલીસે આરોપીના સાળાની ધરપકડ કરી લીધેલી અને એણે કહ્યું કે સાહેબ એની પાસે એક રેડો છે. રેડો એટલે આગળ સ્કૂટર જેવું હોય અને પાછળથી માલ ભરીને લઈ જઈ શકાય એવું મધ્યમ કદનું વાહન. એ વાહન એક મકાનની આગળ પડ્યું હતું. ત્યાંથી આરોપી પકડાયો. આરોપીનું નામ ચંદ્રકાંત ઝા.
ચંદ્રકાંત ઝા ઉપર અઢાર હત્યાનો આરોપ લાગેલો. પોલીસે પહેલી અને બીજી હત્યા થઈ અને ટોકરીમાં અંગઉપાંગો વાળીને લાશ તિહાર જેલના ગેટ પાસે ચંદ્રકાંત મૂકી જતો ત્યારે સંશોધન કરતાં એવો ખ્યાલ આવેલો કે 1998માં પણ આવી જ એક હત્યા થઈ હતી. એ હત્યા કરનારો પણ ચંદ્રકાંત જ હતો. જેની હત્યા થઈ એ પંડિત ઉર્ફ મંગલ હતો. ત્યારે પૂરાવાઓના અભાવે છૂટી ગયેલો.
1967માં જન્મેલો, બિહારના ઘોસાઈ ગામનો રહેવાસી. એનો ખૌફ એ ગામમાં પણ હતો. કહેતો કે માતા પિતાએ તેના એજ્યુકેશન પર ધ્યાન નથી આપ્યું. એના ખાવા પીવા પર ધ્યાન નથી આપ્યું. રોજીરોટી કમાવવા માટે ભારતના કેટલાય ગામોની એક પદ્ધતિ રહી છે. ગામની એક વ્યક્તિ મોટા શહેરમાં જાય. ત્યાં સેટલ થઈ ગામમાં પરત આવે એટલે ગામની બીજી વ્યક્તિઓ પણ તેને પૂછે કે તું ત્યાં શું કામ કરે છે? કેવી રીતે કરે છે? અમને પણ લગાવી દે ને? ગામની આ વ્યક્તિઓ ત્યાં જાય એટલે એમની ટોળકી બને. એ ત્યાં એકઠાં જ રહે. એક જ જગ્યાએ કામ કરે. મકાન પણ આસપાસમાં હોય. એ ટોળકીમાંથી એક ચંદ્રકાંત ઝા પણ હતો.
મોતની તેને કોઈ બીક નહોતી. આજે પણ તેના ગામના લોકો કહે છે કે જો એ છૂટી જાય તો અહીં ગામમાં પાછો ફરી અમારું કાસળ કાઢી નાખે. ભૂતકાળમાં કોઈ વારદાતને લઈ ત્રણ લોકો સાથે તેને ઝઘડો થઈ ગયેલો. પેલા ત્રણ અને આ એક. ફાઇટ થઈ. ત્રણ લોકો આને પહોંચી વળ્યા. પેટમાં છરો ભોંકી ચાલ્યા ગયા. ચંદ્રકાંત ત્યાં ડુંગળીની ગુણની જેમ ઢળી પડ્યો. થોડીવાર પછી ઊભો થયો. બિહારીઓ જે ગળામાં મફલર બાંધે છે તેને કાઢ્યું. છરી મારવાના કારણે આંતરડા બહાર નીકળી ગયા હતા તેને પેટની અંદર પોતાના હાથેથી નાખ્યા. ત્યાં મફલર બાંધ્યું અને હોસ્પિટલ ગયો. ઓપરેશન કરાવ્યું. એ ચાકુ જે એને મારવામાં આવેલું તે પેટના નીચેના ભાગથી છાતી સુધી જતું હતું. ચંદ્રકાંતના પેટમાં એક ઊભો લીટો પડી ગયો હતો. જેવો સ્વસ્થ થયો કે તેણે માર્શલ આર્ટ્સ શીખવાનું શરૂ કર્યું અને પેલાઓને માર્યાં.
એ જ્યાં કામ કરતો ત્યાંથી શાકભાજીની મોટી મોટી ગુણ પણ ચોરી લેતો. એનું ગ્રુપ એ વેચી મારતું પણ પૈસા એ પોતાની પાસે જ રાખતો. જેને જે ખાવું હોય એને આ પૈસાનું ખાવાનું, પણ પૈસાની થોકડી ચંદ્રકાંતની પાસે જ રહે. ક્રમશ: તેણે શેખર, ઉમેશ, ગુડ્ડુ, ઉપેન્દર, દિલીપ અને અનિલ મંડલની હત્યા કરી.

2006માં એણે અમિતની હત્યા કરી તિહાર જેલના ગેટ પાસે રાખી દીધેલી. બાદમાં એણે ફોન કરી પોલીસને કહેલું કે તમને એનું નામ ન મળ્યું? એના હાથ પર જ તો અમિત ત્રોફાવેલું હતું. અમિત ચંદ્રકાંતની પાંચ દીકરીમાંથી કોઈ એક સાથે ઘુમતો હતો. ચંદ્રકાંતે તેને પટાવ્યો. ઘરે લઈ ગયો. તેનું ગળું દાબી હત્યા કરી નાખી અને બાદમાં લાશના ટૂકડા કરી નાખ્યા.
એ યુપી, બિહારમાંથી જે પ્રવાસી મજૂરો આવે તેની સાથે મિત્રતા કરતો. એને કામ અપાવતો. વિવાદ થતો એટલે તેને મારી નાખતો. વિવાદ એટલા મોટા પણ નહોતા. પોલીસને પડકાર તેણે એટલા માટે આપેલો કે એક પોલીસ અધિકારીએ તેની ધરપકડ કરી હતી. ચિઠ્ઠીમાં પણ તેનું એમ જ કહેવું હતું કે મારી સાથે એ પોલીસ અધિકારી દ્વારા ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો છે. એ હત્યા કરેલી લાશ પણ એ જ જગ્યાએ છોડતો જે ગેટની પાસે પેલા પોલીસ અધિકારીની ડ્યૂટી હોય.
એક રહસ્યમય વાત એ પણ કે બીજી લાશ વિષે અહીં ઉપર લખ્યું છે અને ડૉક્યુમેન્ટ્રીમાં પણ દર્શાવ્યું છે. એ લાશ જ્યારે પોલીસને તિહાર જેલની બહાર મળી અને ગાંઠ ખૂલતી નહોતી ત્યારે જે વ્યક્તિએ ચાકુની મદદથી તેની ગાંઠ ખોલી એ બીજું કોઈ નહીં પણ ચંદ્રકાંત ઝા જ હતો. સી.સી!
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત