માણસને ઘોડા જેવા બનાવતા ચણા શારીરિક મજબૂતી તો બક્ષે જ છે પણ શું ખેડૂતોને આર્થિક મજબૂત બનાવશે ? અહીં આપણે દેશી ચણા, કાબુલી ચણા ખાવાના ફાયદા વિશે વાત નથી કરવાના પરંતુ ચાલુ વર્ષે ચણાના થયેલા બમ્પર વાવેતરની વાત કરવાની છે.
24 કલાક સાથે રહેતો એક માણસ બીજા માણસના મનને કે વિચારને નથી જાણી શકતો પરંતુ એકમાત્ર કિસાનો જ એવા છે જે કોઈ વાતચીત, એકબીજાના મેળાપ-મિલન વગર સમન્વય સાધી લે છે. અને કુદરતી આબોહવા, જમીનની માફકતા, પાણીનો સ્ત્રોત વગેરે જાણી સારામાં સારા પાકની વાવણી કરી લે છે.
આવી જ રીતે અને આવા જ પાકની વાવણી આ ચાલુ વર્ષેની છે. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં ચાલુ વર્ષે સૌથી વધુ ચણાનું વાવેતર થયું છે. દર વર્ષે ઘઉંનું વધુ ઉત્પાદન થતું હોય છે. પરંતુ આ વર્ષે ઘઉંને પાછળ છોડીને ખેડૂતોએ ચણાનું વાવેતર કર્યું છે.
મંદી, મોંઘવારી, બેરોજગારી વગેરેને પાછળ મૂકી ખેડૂતોએ જાણે એકસાથે મળી વાવેતર કર્યું હોય તેમ આ વર્ષે સૌથી વધુ ચણાની વાવણી થઈ છે. આ પાકની વાવણી થવાનું મુખ્ય કારણ એક તો ટૂંકાગાળાનો પાક એટલે કે બે-સવા બે મહિનામાં તૈયાર થઈ જાય છે. બીજુ એ કે નહીંવત ખર્ચો અને ઓછી માવજતથી સારો પાક લઈ શકાય છે. આ ઉપરાંત જો ભેજવાળી જમીન હોય તો માત્ર એકાદ વખત પાણી પાઈ સારામાં સારો પાક લઈ શકાય છે. અન્ય પાકોની સરખામણીમાં માવજત, મહેનત, ખર્ચો વગેરે જોતાં પાક સરળતાથી પ્રમાણમાં સારા ભાવ અપાવે છે.
શિયાળુ પાકોમાં મુખ્ય ઘઉં, ચણા, જીરું, જુવાર, મકાઈ, બાજરી, શેરડી, ધાણા, લસણ, ડુંગળી, કઠોળમાં મગ, વાલ, તુવેર વગેરે છે. ઘઉં, જીરું વગેરેની સરખામણીમાં ચણા ઓછી માવજતમાં ઓછા પાણીએ સારી રીતે ઉગી જાય છે.
ચણા સાચા અર્થમાં ખેડૂતો માટે રોકડીયો પાક છે, પાણીની ઝંઝટ વિના માત્ર ભેજના સહારે ઉગી નીકળતો આ પાક ખેડૂતોના ખિસ્સા પર વજન નથી કરતો. વગર ખર્ચે તૈયાર થતા આ પાકને થોડા ઘણા અંશે પશુઓથી બચાવવા પૂરતી જ ખેડૂતોએ મહેનત કરવી પડે છે. કેમ કે ચણાનો પાક ભૂંડ, જંગલી ગાય (રોઝડા) જેવા પશુઓને પણ દાઢે લાગે છે અને જો ખેતરમાં ઘૂસે તો પાકનો સત્યાનાશ કરી નાખે. તેથી ખેડૂતોએ ચણાના પાક દરમિયાન રાત ઉજાગરા કરવા પડે. બાકી દવા, પિયતની કોઈ ચિંતા નહીં.
ચાલુ વર્ષે અતિવૃષ્ટિને પગલે ખેડૂતોનો તલ, કપાસ સહિતના પાકનો સોથ વળી ગયો હતો. અને જે પાક ઉગ્યો તેમાં પણ ભેજનું પ્રમાણ વધુ રહેતા થોડું ઘણું નુકસાન વેઠવું પડ્યું. ધોધમાર વરસાદથી ખેડૂતોની બબ્બે વખતની વાવણી નિષ્ફળ જતાં અંતે ખેતરો ખાલી રહ્યા અને દિવસો સુધી પાણી નહીં સુકાતા જમીનો ભેજવાળી રહી. ભરપૂર વરસાદથી તૃપ્ત થયેલી જમીનો આ વર્ષે સારી ફળદ્રુપ રહેશે. ત્યારે આ વર્ષે ભેજવાળી જમીન, કુદરતી આબોહવા વગેરે ચણાના પાકને માફક રહેવાનું હોય આ વર્ષે ચણાનું મબલખ વાવેતર થયું છે. કાળી જમીન, લાલ જમીન વગેરે અલગ અલગ પ્રકારની જમીનો ધરાવતા હાલાર, સોરઠ, ઝાલાવાડ વગેરે પંથકમાં ચણા ને બસ ચણાનો જ પાક લહેરાઈ રહ્યો છે.
એકલા સોરઠ પથંકની વાત કરીએ તો 20 નવેમ્બરની સ્થિતિએ જૂનાગઢના 9 તાલુકામાં કૂલ 1,26,040 હેક્ટરમાં વિવિધ શિયાળુ પાકનું વાવેતર થયું છે. જેમાં સૌથી વધુ વાવેતર ચણાનું થયું છે. સોરઠ પંથકમાં 20 નવેમ્બરની સ્થિતિએ 50,545 હેક્ટરમાં ચણાનું વાવેતર થઈ ચૂક્યું છે. હજુ 15 ડિસેમ્બર સુધી શિયાળુ પાકનું વાવેતર ચાલુ રહેશે જેથી આ આંકડો વધશે.
સારા વરસાદને પગલે શિયાળુ પાક સારો જ ઉતરશે પરંતુ અઢળક ઉત્પાદન શું ખેડૂતોને ભાવથી વંચિત રાખશે કે સંતોષ આપશે એ પ્રશ્ન છે ? ખેડૂતો અને વેપારીઓમાં છાનાખૂણે એક એવી પણ ભીતિ સેવાઈ રહી છે કે ઉત્પાદન વધુ થશે તો ભાવમાં ઠરીશું નહીં. કેમે કે જે વર્ષે જે પાકનું બમ્પર ઉત્પાદન થયું હોય ત્યારે તેના ભાવ હંમેશાં ઘટતા રહ્યા છે. શું તેવું આ વર્ષે પણ થશે ? તે પ્રશ્ન પણ ખેડૂતોને સતાવી રહ્યો છે.
સરકાર દર વર્ષે ચણાની ટેકાના ભાવે ખરીદી કરતી હોય છે. પરંતુ અઢળક ઉત્પાદન વચ્ચે બજાર નીચું રહેતાં તેમજ માગ ઘટતાં ભાવોમાં ખેડૂતોને છોલાવું પડે છે. માગ ઓછી રહેતાં સ્વાભાવિક પણે ભાવ પણ નીચા બોલાય છે. ત્યારે પોષણક્ષમ ટેકાના ભાવ મળે તો જ સમગ્ર જગતને અન્ન પૂરું પાડતો ધરતીપુત્ર સંતોષનો ઓડકાર લઈ શકશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત