કોરોનાને કારણે આપણી આસપાસ અનેક એવા લોકો હતા જે આ દુનિયાને છોડીને ચાલ્યા ગયા. જેનું એકમાત્ર કારણ કોરોના. કોરોનાના કહેરથી નાનાથી લઈને મોટા દરેક લોકો ત્રસ્ત છે. હમણાં હમણાં બે દિવસમાં કોરોનાએ કોંગ્રેસના બે દિગ્ગજ નેતાના પણ જીવ લીધા. એક આસામના પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઈ અને બીજા રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ.
તરુણ ગોગોઈ
23 નવેમ્બરના રોજ આસામના પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઈનું નિધન થયું. 84 વર્ષના તરુણ ગોગોઈનો 25 ઓગસ્ટના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહ્યા. 25 ઓક્ટોબરે હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી. પરંતુ એક અઠવાડિયામાં તબિયત લથડતાં બે નવેમ્બરે તેઓને ફરીથી ગુવાહાટી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા. ડૉક્ટરોની ટીમે સતત ખડેપગે રહીને તરુણ ગોગોઈની સારવાર કરી. તબિયત વધુ ખરાબ થતાં તેઓને વેન્ટિલેટર પર રખાયા. તેમ છતાં સ્વાસ્થ્યમાં કોઈ સુધારો જોવા ન મળ્યો. ગોગોઈના અંગોએ પણ ધીમે ધીમે કામ કરવાનું બંધ કરી દીધું. નિધનના આગલા દિવસે છ કલાક સુધી ડાયાલિસિસ પણ કરવામાં આવ્યું. અંતે તેઓ કોરોના સામે હારી ગયા અને ગુવાહાટીની મેડિકલ કોલેજમાં 23 નવેમ્બર ને સોમવારે સાંજે 5-34 વાગ્યે અંતિમ શ્વાસ લીધા.
તરુણ ગોગોઈ કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા. આસામના ત્રણ વખત મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા. છ વખત સાંસદ પણ રહ્યા. પી.વી. નરસિમ્હા રાવની સરકારમાં કેન્દ્રમાં મંત્રી પદે પણ રહ્યા. સૌથી વધુ વખત આસામના મુખ્યમંત્રી રહેવાનો શ્રેય તરુણ ગોગોઈને જાય છે. તેમના નિધનથી કોંગ્રેસને નોર્થ-ઇસ્ટના રાજ્યોમાં મોટી ખોટ પડી છે.
અહેમદ પટેલ
એક ઓક્ટોબરના રોજ પોતે કોરોના પોઝિટિવ હોવાની ટ્વિટ કરીને જાણકારી આપનાર અહેમદ પટેલ પણ કોરોના સામે હારી ગયા. કોરોનાગ્રસ્ત થયા બાદ 15 નવેમ્બરે અહેમદ પટેલને મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આઈસીયુમાં તેમની સારવાર ચાલી રહી હતી. સારવાર દરમિયાન અહેમદ પટેલના કેટલાક અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું. અને મલ્ટી ઓર્ગન ફેલ્યોરના કારણે તેમનું 25 નવેમ્બરે વહેલી સવારે 3-30 વાગ્યે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં નિધન થયું.
અહેમદ પટેલના નિધનથી કોંગ્રેસને ગુજરાત ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાએ પણ મોટી ખોટ પડી છે. સોનિયા ગાંધીએ અહેમદ પટેલના નિધન બાદ દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે, મે એક વફાદાર સહયોગી ગુમાવ્યો છે. તેમનું સંપૂર્ણ જીવન કોંગ્રેસ પક્ષને સમર્પિત હતું. તેમનામાં ઇમાનદારી, સમર્પણ, કર્તવ્ય પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા, ઉદારતા, મદદ કરવાની ભાવના જેવા દુર્લભ ગુણો હતા. અહેમદ પટેલ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર હતા. કોંગ્રેસ અને ગાંધી પરિવાર માટે અહેમદ પટેલ સંકટ સમયની સાંકળ સમાન હતા. સોનિયા ગાંધીની રાજકીય સફરમાં અહેમદ પટેલનો ફાળો મોટો છે.
અહેમદ પટેલ માટે પદ કરતાં પાર્ટી મહત્વની હતી. કોંગ્રેસના સંગઠન માટે તેમણે અભુતપૂર્વ યોગદાન આપ્યું હતું. 71 વર્ષના અહેમદ પટેલ કોંગ્રેસના મોટા ગજાના નેતા હતા. ત્રણ વખત તેઓ લોકસભા સાંસદ રહી ચુક્યા છે અને પાંચ વખત રાજ્યસભાના સાંસદ બન્યા હતા. કોંગ્રેસ પક્ષના અનેક પદ તેઓએ શોભાવ્યા. 26 વર્ષની ઉંમરમાં ભરૂચ લોકસભા સીટ જીતીને સૌથી યુવા સાંસદ પણ બન્યા. સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર ઉપરાંત અહેમદ પટેલ રાજીવ ગાંધી, ઓસ્કર ફર્નાંડિસ અને અરૂણ સિંહના પણ સંસદીય સચિવ રહી ચુક્યા હતા. કોરોનાએ બે જ દિવસમાં કોંગ્રેસ પાસેથી બે મોટા નેતા છીનવી લીધા.
અહેમદ પટેલના પુત્ર ફૈઝલે પિતાના નિધનની જાણકારી ટ્વિટ મારફતે આપતા લોકોને અપીલ કરી કે, લોકો કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરે અને ભીડમાં જવાનું ટાળે. જ્યાં સુધી કોરોના વાઇરસનો સચોટ ઇલાજ નહીં શોધાય ત્યાં સુધી લોકોએ જાતે જ ધ્યાન રાખવું પડશે. કાળમુખો કોરોના મોં ફાડીને જ બેઠો છે. તેથી ચાબુક પણ સૌને અપીલ કરે છે કે, સોશિયલ ડિસ્ટન્સ જાળવો, માસ્ક પહેરો અને ભીડમાં જવાનું ટાળો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત