Team Chabuk-Gujarat Desk: રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વન્ય પ્રાણી સંપદાની ઉચિત કાળજી લેવાના માનવતા ભરેલા અભિગમ હેઠળ એક નવી પહેલના રૂપમાં જેમની સંખ્યા રાજ્યના વનોમાં વધતી જાય છે તેવા દીપડા માટે અમરેલી અને જાંબુઘોડામાં બે મેગા રેસ્ક્યુ સેન્ટર્સ સ્થાપવાનો નિર્ણય લીધો છે. તેમના આ નિર્ણયને સાકાર કરવા રાજ્યના વન વિભાગ હેઠળ વડોદરા વન્ય જીવ વિભાગે જાંબુઘોડા અભયારણ્ય વિસ્તારમાં સારા એવા પ્રમાણમાં મોટું કહી શકાય એવા મેગા રેસ્ક્યુ સેન્ટરના નિર્માણની પ્રાથમિક પ્રક્રિયાઓ હાથ ધરી છે.

યાદ રહે કે, મધ્ય ગુજરાતની પૂર્વ પટ્ટીમાં રતનમહાલ અને જાંબુઘોડા અભયારણ્યો તથા છોટાઉદેપુરમાં કેવડીના જંગલો કુદરતી પરસાળ (natural corridor)થી જોડાયેલા છે અને આ વિસ્તારમાં દીપડાઓનો વસવાટ છે અને હાલમાં વન વિભાગની કાળજી ભરેલી દેખરેખના પગલે સંખ્યા વધી છે. વિવિધ રીતે ઘાયલ થયેલા અથવા માનવ ઘર્ષણમાં આવેલા દીપડાઓને રાખી શકાય, સારવાર આપી શકાય અને જંગલમાં પુનર્સ્થાપિત કરી શકાય તે માટે દીપડાની વસ્તીવાળા વિસ્તારોમાં નાના રેસ્ક્યુ સેન્ટર બનાવવામાં આવ્યા છે.

જાંબુઘોડાના સાદરાના જંગલમાં આવું એક ત્રણ પીંજરા (કેજ) અને બે યાર્ડ તેમજ ઘાયલ દીપડાની સારવારની સુવિધા ધરાવતું રેસ્ક્યુ સેન્ટર છે. ધનેશ્વરી માતાના ડુંગરની તળેટીમાં અને હાલના એ સેન્ટરની સામેના ભાગમાં આ નવું મેગા રેસ્ક્યુ સેન્ટર બનાવવાની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. કેવડિયા વન વર્તુળના મુખ્ય વન સંરક્ષક આરાધના સાહુના માર્ગદર્શન અને વન્ય જીવ વિભાગ, વડોદરાના નાયબ વન સંરક્ષક, એમ.એલ.મીનાની દેખરેખ હેઠળ કાર્યકારી મદદનીશ વન સંરક્ષક એચ.ડી.રાઉલજી અને તેમની ટીમ આ મહા આશ્રય સ્થાન બનાવવાની કામગીરીમાં યોગદાન આપી રહી છે.

આ સેન્ટર મધ્ય ગુજરાતના સમગ્ર વન વિસ્તાર માટે ઉપયોગી બની રહેશે તેવી લાગણી વ્યકત કરતાં રાઉલજીએ જણાવ્યું કે, આ સેન્ટરમાં સારી એવી વધુ સંખ્યામાં નર અને માદા દીપડા રાખી શકાય, ઘાયલ કે માંદા હોય તો સારવાર આપી શકાય તેવી સુવિધા હશે. જેમાં પીંજરા અને તેની સાથે જોડાયેલા યાર્ડનો સમાવેશ થશે. આ ઉપરાંત કોઈ સગર્ભા દીપડીને અહીં આશ્રય આપવામાં આવે અને બાળ જન્મ થાય અથવા બાળ દીપડાને રાખવાની જરૂર પડે તે માટે બચ્ચાના જુદાં પિંજર રાખવાનું આયોજન છે. વર્તમાન નાણાકીય વર્ષમાં આ કામ પૂરું કરવાનું લક્ષ્ય છે.

જાંબુઘોડા એવું અભ્યારણ્ય છે જેની વચ્ચે માનવ વસ્તીવાળા ગામો આવેલા છે. વન્ય જીવ વિભાગ, વડોદરાએ જંગલો અને વન્ય જીવોની સુરક્ષામાં લોકોને જોડવાનો અભિગમ અપનાવ્યો છે.આ રેસ્ક્યુ સેન્ટર દીપડા અને માનવીના શાંતિમય સહજીવનનું વાતાવરણ સર્જવામાં પ્રોત્સાહક બનશે. વન્ય જીવ સંરક્ષણમાં સ્થાનિક લોકોની ભાગીદારી વધારવા વિભાગે પ્રકૃતિ પ્રવાસન કેન્દ્રોનું સંચાલન સ્થાનિક લોકોની મંડળીઓને સોંપ્યું છે જે તેમને રોજગારી અને આવક આપે છે. વન્ય જીવ વિભાગના માર્ગદર્શન હેઠળ આ મંડળીઓ એ કેન્દ્રોમાં એન્ટ્રી ફી ભરીને આવતા,રોકાણ કરતાં પ્રવાસીઓની સલામતી માટે વીમા સુરક્ષા કવચનું, મંડળીઓ એ જાતે પ્રીમિયમ ભરીને આયોજન કર્યું છે. જંગલો અને વન્ય જીવ સંપદાની કિંમત અગણિત અને અમુલ્ય છે. ગુજરાતનો વન વિભાગ પ્રકૃતિની આ ભેટને સાચવવા નીત નવા પ્રયાસો કરે છે જેની પ્રતીતિ મેગા રસ્ક્યુ સેન્ટરનું અભિનવ આયોજન કરાવે છે.
તાજેતાજો ઘાણવો
- પહેલગામમાં આતંકી હુમલામાં 26 પ્રવાસીઓના મોત, આતંકીઓએ નામ પૂછીને ગોળી મારી
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ