Team Chabuk-Gujarat Desk: મુખ્યમંત્રી પદના શપથ લીધાના બીજા જ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કામે લાગી ગયા છે. મુખ્યમંત્રી બન્યા બાદ આજે તેમણે પ્રથમ પ્રવાસ સૌરાષ્ટ્ર વિસ્તારમાં કર્યો હતો. જામનગર, રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગરના પુરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. ભૂપેન્દ્ર પટેલ પોતાના કાફલા સાથે આજે જામનગરના પુરગ્રસ્ત ધુંવાવ ગામની મુલાકાતે પહોંચ્યા હતા. ધુંવાવ ગામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામાન્ય માણસની જેમ કાદવ-કીચડમાં ચાલીને લોકોની સમસ્યા જાણવા પહોંચ્યા હતા. લોકોની વચ્ચે બેસીને લોકોને બનતી તમામ મદદ કરવાની ખાતરી આપી હતી.
મુખ્યમંત્રી પોતાના પ્રથમ પ્રવાસે જામનગરના પૂરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા હતાં ત્યારે તેમની સાથે જામનગરનાં સાંસદ પૂનમબહેન માડમ, ધારાસભ્ય રાઘવજી પટેલ, હકુભા જાડેજા સહિત ભાજપના આગેવાનો જોડાયાં હતાં. ગઈકાલે શપથ લીધા પહેલાં પણ તેઓએ જામનગરના કલેક્ટર સાથે ટેલિફોનિક વાતચીત કરીને લોકોને બનતી તમામ મદદ પહોંચાડવાના આદેશ આપ્યા હતા.
સોમવારે પડેલા ભારે વરસાદના કારણે જામનગરના ધુંવાવ ગામમાં ભારે ખાનાખરાબી સર્જાઈ છે. ગામના 50 ટકા વિસ્તારમાં પાણી ઘૂસી ગયું હોવાને કારણે લોકોની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ બગડી હતી અથવા તો પાણીમાં તણાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગર આવ્યા બાદ આજે સીધા જ ધુંવાવ ગામની મુલાકાતે પહોંચ્યા હતા. અહીંની પૂરને કારણે થયેલા નુકસાનની સ્થિતિની સમીક્ષા કરી હતી.
સોમવારે ધુંવાવ ગામમાં પૂર આવ્યું હોવાને કારણે ઠેર ઠેર કાદવ-કીચડનું સામ્રાજ્ય છે. ત્યારે ધુંવાવ ગામમાં આવેલા મુખ્યમંત્રી પગે ચાલીને જ લોકોને સાંભળવા માટે પહોંચ્યા હતા. અહીં લોકોના મુખે જ લોકોની આપવીતી સાંભળી હતી. લોકોને સાંભળ્યા બાદ મુખ્યમત્રી દ્વારા સરકાર તરફથી તમામ બનતી મદદ કરવાની ખાતરી આપવામા આવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર નજીક ધુંવાવ ગામની મુલાકાત લીધા બાદ જામનગર શહેરના અસરગ્રસ્ત વિસ્તારોની પણ મુલાકાત કરી હતી. શહેરના મહાપ્રભુજી બેઠક વિસ્તાર અને લાલપુર રોડ પરની આશીર્વાદ સોસાયટીમાં પૂરના પાણીના કારણે નુકસાન થયું હોય મુખ્યમંત્રીએ મુલાકાત કરી અસરગ્રસ્તો સાથે મુલાકાત કરી હતી.
જામનગર પુરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા માટે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, જામનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારમાં 4 હજાર 760 લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે તો 144 લોકોને રેસ્ક્યૂ કરાયા હતા. ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ અને પુરના કારણે 41000 હેકટર જમીનને નુકસાન થયાનો પ્રાથમિક અંદાજ છે. ભારે વરસાદના પગલે 84 ગામમાં વીજળી ગૂલ થઈ ગઈ હોય તે તમામ ગામમાં આવતીકાલે સાંજે સુધીમાં વીજ પુરવઠો પણ પૂર્વવત કરવાની ખાતરી આપવામા આવી છે. જામનગર શહેરમાં પણ 1 હજાર 146 લોકોનું સ્થળાંતર અને 724 લોકોને રેસ્ક્યૂ કરવાની ફરજ પડી હતી. મુખ્યમંત્રીએ કહ્યું છે કે, સરકાર અસરગ્રસ્ત વિસ્તારોનો સર્વે હાથ ધરશે ત્યારબાદ નિયમ મુજબની સહાયની ચૂકવણી કરાશે.
જામનગર અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે આવેલા મુખ્યમંત્રીને રજૂઆત કરવા જતાં ભારતીય કિસાન સંઘના પ્રમુખ સહિત બે લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી. ખેડૂતોને અતિવૃષ્ટિ અને થયેલા નુકસાન બાબતનું મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે લેખિત આપવાની વાત કરતાં ભારતીય કિસાન સંઘના જિલ્લા પ્રમુખ દિલીપ સખીયા સહિત બે આગેવાનોની અટકાયત કરી લેવામાં આવી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત