Team Chabuk-Gujarat Desk: ગાંધીનગરના પેથાપુરમાં દોઢ વર્ષના બાળકને કોઈ અજાણ્યું વ્યક્તિ રઝળતું મૂકીને ચાલ્યું ગયું છે. પેથાપુરમાં આવેલા સ્વામિનારાયણ મંદિર પાસે રાતના સમયે આ દોઢ વર્ષના બાળકને કોઈ અજાણ્યો વ્યક્તિ મૂકીને ચાલ્યો ગયો છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિ આ બાળકને તેડીને આવે છે અને નીચે રઝળતી હાલતમાં મૂકીને ચાલ્યો જાય છે. આ ઘટનાને પગલે ગાંધીનગર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. સમગ્ર રાજ્યની પોલીસને બાળકના ફોટા મોકલી અને એના વિશે તપાસ માટેની જાણકારી આપી દેવામાં આવી છે. બાળક મળ્યું હોવાની ઘટના મામલે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી મોડી રાતે ત્રણ વાગ્યા સુધી સતત પોલીસવડાના સંપર્કમાં રહી અપડેટ મેળવતા રહ્યા હતા. દોઢ વર્ષના બાળકનાં માતા-પિતાની અને મૂકી જનાર શખ્સની શોધખોળ માટે ગાંધીનગર LCB, SOG, મહિલા અને પેથાપુર પોલીસની ટીમો કામે લગાડવામાં આવી છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે કહ્યું હતું કે, આ પ્રકારે બાળકને તરછોડાયું છે ત્યારે પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે. જિલ્લામાં ટીમ બનાવી, સીસીટીવીના માધ્યમથી તપાસ કરવામાં આવી રહી છે. બાળકને મૂકીને જનાર વ્યક્તિને ઝડપથી પકડી લઈશું. હું ખાતરી આપું છું કે આરોપીને સજા કરવામાં આવશે. ગાંધીનગર શહેરના તમામ સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. સ્થાનિક ભાજપનાં મહિલા કોર્પોરેટર તેમના પતિ અને મહિલા પોલીસ ગઈકાલ રાતથી જ બાળકની સંભાળ લઈ રહ્યાં છે. ગાંધીનગર જિલ્લા પોલીસવડા મયૂર ચાવડાએ પણ સિવિલ હોસ્પિટલમાં જઈને બાળકની સારસંભાળ અંગે માહિતી મેળવી હતી.
આ ઘટનાએ હાલ સમગ્ર વિસ્તારમાં ખૂબ જ ચર્ચા જગાવી છે. આ ઘટના જોતાં લાગી રહ્યું છે કે આવા કુમળા બાળકને આ રીતે રઝળતું મૂકીને ફરાર થઈ જતાં જાણે માનવતાનું મોત થયું હોય તેવું લાગી રહ્યું છે. આ બાળક રસ્તા પર રઝળતી હાલતમાં લોકોને મળી આવ્યું છે. જેથી હવે બાળકના માતા-પિતા કોણ છે તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. બાળકની આ સ્થિતિ જોઈને ભલભલના હ્રદય પીગળી જાય તેમ છે. ત્યારે રાજકોટના એક પૂજારીએ બાળકને દત્તક લેવાની તૈયારી પણ બતાવી છે.

રઝળતા મળી આવેલા બાળકને હાલ સિવિલિ હોસ્પિટલ લઈ જવામાં આવ્યું છે. જ્યાં પ્રાથમિક તારણમાં તો બાળક સ્વસ્થ હોવાનું સામે આવ્યું છે. જેથી બાળકને પીડિયાટ્રિક વિભાગમાં રાખવામાં આવશે. પરંતુ સવાલ એ થાય છે કે આવા કળિયુગી માતા-પિતા કોણ છે. ફૂલ જેવા બાળકને રસ્તે રઝળતી હાલતમાં મૂકવા નિષ્ઠુર માતા-પિતાનો જીવ કેમ ચાલ્યો. હાલ તો સમગ્ર ઘટનાને લઈ બાળકને મૂકી જનાર પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. તો પોલીસ પણ સીસીટીવીમાં દેખાતા શખ્સને શોધવા માટે કવાયત હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત