Team Chabuk-Gujarat Desk: સુરત પોલીસની વધુ એક વખત દાદાગીરી સામે આવી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ નવરાત્રિના આયોજન દરમિયાન માસ્ક ન પહેર્યું હોવાથી વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે થયેલી ઝપાઝપીમાં પોલીસે વિદ્યાર્થીઓને માર માર્યો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે નવરાત્રિમાં ગરબાનું આયોજન કરાયું હતું. આ આયોજનમાં માત્ર યુનિવર્સિટીના ભવનનાં અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ જ સામેલ હતા. તે દરમિયાન ઉમરા પોલીસે વિદ્યાર્થીઓને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ રાખવા માટે સૂચના આપી હતી. તેથી વિદ્યાર્થીઓએ પોલીસને સામો સવાલ કર્યો હતો કે તમે કોની મંજૂરીથી કોલેજ કેમ્પસમાં આવ્યા છો. આ બાબતને લઈને પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. જેથી ઉમરા પોલીસે વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી અને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.
પોલીસ સ્ટેશનમાં વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. નવરાત્રિના આયોજન દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓએ ઉમરા પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈ સહિત અન્ય પોલીસ કર્મી સાથે અસભ્ય વર્તન કર્યું હોવાની વાત ચર્ચાઈ રહી છે. પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી થતાં થોડી જ વારમાં સ્થિતિ ઉગ્ર બની ગઈ હતી. સ્થિતિ વધુ બગડતાં અન્ય પોલીસ કર્મચારીઓને પણ બોલાવી લેવાયા હતા. બાદમાં કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા.
વિદ્યાર્થીઓની અટકાયત કરીને ઉમરા પોલીસ સ્ટેશને લઈ જવાતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉમરા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓને છોડી મૂકવા માટે ઉગ્ર રજૂઆત સાથે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. વિદ્યાર્થીઓ કહી રહ્યા હતા કે અમે મંજૂરી સાથે ગરબાનું આયોજન કર્યું હતું તો પોલીસ અમને ખોટી રીતે કેમ હેરાન કરે છે. વિદ્યાર્થીઓએ ઉમરા પોલીસના વિરોધમાં સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. આશરે 3 કલાક સુધી વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશને હોબાળો મચાવ્યો હતો. બાદમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીનો ફોન આવતા પકડાયેલા વિદ્યાર્થીઓને છોડી મૂકાયા હતા..

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઈન્ચાર્જ રજિસ્ટ્રાર ડો. જયદીપ ચૌધરીએ જણાવ્યું કે, કુલપતિના આદેશ વિના પોલીસ યુનિવર્સિટી કેમ્પસમાં આવી શકે નહીં. જેથી જવાબદાર પોલીસ કર્મચારી સામે કાર્યવાહી કરવા માટે ઉમરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે.
એબીવીપીના કેમ્પસ અધ્યક્ષ ઈશાન મટ્ટુએ પણ આ અંગે વિરોધ નોંધાવતા કહ્યું કે, અમે વાત કરવા ગયા તો પોલીસે અને ગાળો આપી. મારો કોલર પકડીને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા, એબીવીપીના કાર્યકરને લાકડી મારી. પોલીસની આ પ્રકારની દાદાગીરી સામે અમે વિરોધ પ્રદર્શન કરીશું. આ અંગે એબીવીપીએ આજે યુનિવર્સિટી બંધનું એલાન આપીને કલેક્ટર અને કમિશનરને આવેદન આપી પોલીસ સામે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવનાર છે. વિદ્યાર્થીઓને માર મારનાર પોલીસ સામે કાર્યવાહી કરવા માટે જેસીપીને તપાસ સોંપાઈ છે.

વિદ્યાર્થીઓનો આરોપ છે કે, 4 જેટલા વિદ્યાર્થીઓને પોલીસે ઘસડીને ઉમરા પોલીસ સ્ટેશનમાં લઈ આવી હતી. વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશન સામે રોડ પર બેસીને રામધૂન બોલાવી હતી. વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે, અમારી સામે આ પ્રકારે દાદાગીરી કરતી પોલીસ નેતાઓની રેલીઓ અને સભાઓમાં કેમ ચૂપચાપ હાથ જોડીને ઉભી રહી જાય છે. અમને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવાની સૂચના આપતી પોલીસ નેતાઓએ માસ્ક ન પહેર્યા હોય તો પણ તેમની સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી નથી કરતી. શું નિયમો અમારા માટે જ છે. નેતાઓને આ નિયમો લાગું નથી પડતાં. વિદ્યાર્થીઓએ એવા પણ સવાલ કર્યા છે કે, નાના માણસો સામે દાદાગીરી કરતી પોલીસ નેતાઓ સામે કેમ ચું પણ કરી શકતાં નથી ?
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત