Homeદે ઘુમા કે1999 વિશ્વકપ સેમીફાઈનલ: એલન ડોનાલ્ડ અને લાન્સ ક્લૂઝનરની એ રાત કેવી પસાર...

1999 વિશ્વકપ સેમીફાઈનલ: એલન ડોનાલ્ડ અને લાન્સ ક્લૂઝનરની એ રાત કેવી પસાર થઈ હશે?

Team Chabuk-Sports Desk: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો પરાજય થઈ ગયો છે. કોહલીની કેપ્ટન તરીકેની ભૂમિકાનો અહીં નિસ્તેજ અંત થાય છે. આરસીબીની સોશિયલ મીડિયા પર ઠેકડી પણ ખૂબ ઉડી. જ્યારે આઈપીએલનો રંગારંગ શુભારંભ થયો ત્યારે રાહુલ દ્રવિડના નેતૃત્વ હેઠળ કોલકાતા સામેના પ્રથમ મેચમાં ટોસ હાર્યા બાદથી બેંગ્લોર ટીમ સતત કોઈને કોઈ રીતે પરાજયનો સામનો કરી રહી છે. પાણી સુધી પહોંચ્યા પછી પણ તરસ્યું પાછું આવવું પડે છે. કોઈ વખત પાણીની દિશામાં જાય છે અને પહોંચે ત્યારે ત્યાં પાણી હોતું જ નથી! આઈપીએલમાં જેવું ખાતું બેંગ્લોરનું રહ્યું વિશ્વ ક્રિકેટમાં એવું ખાતું દક્ષિણ આફ્રિકાનું રહ્યું.

advertisement-1

દક્ષિણ આફ્રિકાની ટીમના ખેલાડીઓ અને તેમના પ્રદર્શનને જોતાં ક્રિકેટ વિવેચકો એવું ધરાઈને- ગાડા જેવડો ઓડકાર લઈને કહેતા અને જીભ હાંફતી પણ નહીં, કે આ વખતે ટીમ જીત મેળવશે. પણ દર વર્ષની જેમ ટીમ ચોકરનો શિકાર બની જતી. 1999ના વિશ્વકપનો એક એવો જ મુકાબલો યાદ આવે છે. સાઉથ આફ્રિકા વિરૂદ્ધ ઘાતક ઓસ્ટ્રેલિયા. 1999ના વિશ્વકપમાં ટીમ જીતતા જીતતા હારી ગઈ. મેચ ટાઈ થવાના કારણે આફ્રિકાની ટીમને વિશ્વકપની બહારનો દરવાજો જોવો પડ્યો.

જીત માટે ટીમ ઉક્ત શબ્દો લખ્યા તેમ દાવેદાર માનવામાં આવી રહી હતી. એક નજર એ પ્રબલ ખેલાડીઓ પર નાખીએ તો ભારતને 2011નો વિશ્વકપ જીતાડનારા કોચ અને લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન ગેરી કર્સ્ટન, વિસ્ફોટક હર્ષલ ગિબ્સ, શક્તિશાળી ક્ષેત્રરક્ષક જોન્ટી રોડ્સ, અનુભવી કેપ્ટન હેન્સી ક્રોન્ચે, ઘાતક ઓલરાઉન્ડર લાન્સ ક્લૂઝનર, બળશાળી બોલર એલન ડોનાલ્ડ, મેચનું પાસું પલટવામાં માહેર શૉન પોલાક સહિતના દિગ્ગજ ખેલાડીઓ હતા. આ વિશ્વકપમાં આફ્રિકાની ટીમ માટે વિલન એલન ડોનાલ્ડ સાબિત થયો.

1999નો વિશ્વકપ ઓસ્ટ્રેલિયાએ જીત્યો. જોકે ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે યોજાયેલી ફાઈનલ મેચ વિશે કોઈ ચર્ચા નથી કરતું. ચર્ચા થાય છે સેમીફાઈનલની. સ્ટીવ વૉના નેતૃત્વ હેઠળ ટીમ ફાઇનલ સુધી પહોંચી હતી અને જીતી હતી. એક સમયે સુપર સિક્સમાંથી ટીમ આઉટ થવાની જ હતી, પણ હર્ષલ ગિબ્સે સ્ટીવનો કેચ છોડી ખેલાડી અને ટીમને જીવનદાન આપી દીધું હતું. સ્ટીવ વોએ નોટ આઉટ 120 રન ફટકારતા ઓસ્ટ્રેલિયાએ આ મેચ બે બોલ બાકી બચી હતી ત્યારે પાંચ વિકેટથી જીતી લીધી હતી. હર્ષલ ફિલ્ડર તરીકે ઉચ્ચકોટીનો ખેલાડી હતો, એ બિચારાને પણ ખબર નહોતી કે આ કેચની ભયંકર અસરકારકતા તેને ભવિષ્યમાં જોવા મળશે. સેમીફાઈનલમાં ફરી આફ્રિકા વિરૂદ્ધ ઓસ્ટ્રેલિયાની ટક્કર થઈ. કિસ્મત આફ્રિકાની સાથે નહોતી.

advertisement-1

પ્રથમ બેટીંગ કરવા માટે ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમની શરુઆત ઉબડ-ખાબડ રહી હતી. અનુભવી અને આધારસ્તંભ સમાન માર્ક વોને પ્રથમ ઓવરમાં જ પોલાકે પવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. બીજી વિકેટ માટે ગિલિક્રિસ્ટ વીસ અને રિકી પોન્ટિંગ 37 સાથે 51 રનની ભાગીદારી નોંધાઈ હતી. એવામાં એલન ડોનાલ્ડે એક જ ઓવરમાં પોન્ટિંગ અને ડેરેન લેમનને આઉટ કરી ઓસ્ટ્રેલિયાની ટીમને ઘૂંટણીયે લાવી દીધું હતું. જેક કાલિસે ગિલિક્રિસ્ટની વિકેટ લેતા ઓસ્ટ્રેલિયાનો સ્કોર 68-4 થઈ ગયો.

સ્ટીવ વો મેદાન પર તારણહાર બનીને ઉતર્યો. સ્ટીવે 56 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી. પાંચમી વિકેટ માટે માઈકલ બેવનની સાથે 90 રનની ભાગીદારી પણ નોંધાવી. બેવને 65 રન બનાવ્યા અને કાંગારુની ટીમની તરફથી આઉટ થનારો અંતિમ બેટ્સમેન રહ્યો. આ મેચમાં પોલાકે 36 રન આપી પાંચ અને ડોનાલ્ડે 32 રન આપી ચાર વિકેટ સાથે તરખાટ મચાવી દીધો. ઓસ્ટ્રેલિયાની ટીમ 49.2 ઓવરમાં 213 રન પર તંબુભેગી થઈ ગઈ.

advertisement-1

આફ્રિકા તરફથી ગિબ્સ અને ગેરી કર્સ્ટને ઓપનિંગ જવાબદારી સંભાળી. બંનેએ પ્રથમ વિકેટ માટે 48 રનની ભાગીદારી નોંધાવી. બોલિંગમાં શેન વોર્ન ઉતર્યો. શરુઆતના આઠ બોલમાં જ ત્રીસ રન પર રમી રહેલા ગિબ્સ અને 18 રન પર રમતા કર્સ્ટનને બોલ્ડ કરી મેચનો પવન ઓસ્ટ્રેલિયા તરફ વહેતો કરી દીધો. મેદાન પર કેપ્ટન હેન્સી ક્રોન્ચેનું આગમન થયું. જે શૂન્ય પર આઉટ થયા. બીજી બાજુ ડેરિયલ કલિનન માત્ર છ રન પર પરત ફર્યો. ટીમનો ટોટલ સ્કોર 61-4 હતો, પરંતુ માત્ર તેર રનની અંદર અંદર જ ટીમે ચાર વિકેટ ગુમાવી દીધી હતી.

પાંચમાં નંબર પર કેલિસ મેદાન પર ઉતર્યો. 53 રનની મહત્વની ઈનિંગ રમી અને જ્હોન્ટી રોડ્સની સાથે 84 રનની ભાગીદારી પણ નોંધાવી. રોડ્સે પણ 55 બોલમાં 43 રન બનાવ્યા, જોકે આ બંને બેટ્સમેનો ટીમને જીત સુધી ન લઈ જઈ શક્યા. પાલ રિફેલે રોડ્સને અને વોર્ને કેલિસને આઉટ કરી દક્ષિણ આફ્રિકાનો સ્કોર બોર્ડ 6 વિકેટના નુકસાન પર 175 સુધી લાવીને રાખી દીધો. ચાર વિકેટ બાકી હતી. આફ્રિકાને જરૂર હતી 31 બોલમાં 39 રનની.

advertisement-1

વિશ્વકપમાં લાન્સ ક્લૂઝનર વિસ્ફોટક ફોર્મમાં ચાલી રહ્યો હતો. મેદાનમાં તેનું આગમન બેટની સાથે વંટોળિયો લઈ આવતું હતું. મેચની અંતિમ ઓવરમાં આફ્રિકાની ટીમને જીત માટે 9 રનની આવશ્યકતા હતી. ક્લૂઝનરે ડેમિયન ફ્લેમિંગની પ્રથમ બે બોલ પર બે ચોગ્ગા ફટકાર્યા. હવે ટીમને જીત માટે ચાર બોલમાં માત્ર એક રનની જરૂર હતી. સ્ટ્રાઈક ક્લૂઝનરની પાસે હતી. ત્રીજા બોલ પર ક્લૂઝનરે મિડ ઓન પર શોટ રમ્યો અને બોલ ડેરેન લેહમનના હાથમાં પહોંચી ગઈ. નોન સ્ટ્રાઈકર એન્ડ પર ઉભેલા એલન ડોનાલ્ડ આઉટ થતાં થતાં રહી ગયા.

ચોથા બોલને ક્લૂઝનરે સ્ટ્રેટ રમ્યો અને રન લેવા દોડી પડ્યા. બોલ નોન સ્ટ્રાઈકર એન્ડ પર વિકેટની નજીકથી મિડ ઓફ પર ગઈ અને ડોનાલ્ડ આંખો ફાળીને બોલને જોતા રહી ગયા. આ વચ્ચે ક્લૂઝનર ઝડપથી દોડીને નોન સ્ટ્રાઈક એન્ડ પર જઈ ઊભા રહી ગયા. ડોનાલ્ડે જ્યારે દોડ લગાવી ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ ચૂક્યું હતું. એ રન આઉટ થઈ ગયા.

advertisement-1

શ્રેષ્ઠ રનરેટના આધાર પર ઓસ્ટ્રેલિયાની ટીમ ફાઈનલમાં પહોંચી ગઈ. શેન વોર્ન મેચનો ખરો હીરો સાબિત થયો. તેણે દસ ઓવરમાં ચાર મેડન ઓવર કાઢી 29 રન આપી ચાર મહત્વની વિકેટ લીધી. મેન ઓફ ધ મેચનો ખિતાબ પણ તેને જ મળ્યો. આફ્રિકાને લઈ સ્પોર્ટસ ક્રિટિક ફરી ખોટા ઠર્યાં. વિશ્વના ખ્યાતનામ અને ઘાતક બોલરમાં જેમની ગણના થાય છે એવા એલન ડોનાલ્ડની એ રાત કેવી પસાર થઈ હશે?

તાજેતાજો ઘાણવો  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments