Team Chabuk-Gujarat Desk: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ગુજરાતમાં હવે પાણી સમસ્યાનું કારણ નહીં પણ, વિકાસનું માધ્યમ બન્યું છે. પાણી વિતરણના સુગ્રથિત આયોજનના કારણે આજે છેવાડા ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી અને ખેડૂતોને વિવિધ સિંચાઇ યોજનાઓ થકી કૃષિ માટે પાણી પહોંચતું કર્યું છે. સાવલી ખાતે યોજાયેલા પાણી પુરવઠા વિભાગના કાર્યક્રમમાં ઉક્ત સંદર્ભે તેમણે કહ્યું કે, છેવાડાના માનવીને પણ શહેરો જેવી સુવિધાઓ મળે તેવો અમારી સરકારનો સતત પ્રયાસ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા જિલ્લાના સાવલી ખાતે પાણી પુરવઠા વિભાગ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં વડોદરા જિલ્લાને સો ટકા ટેપ વોટર કનેક્ટેડ જાહેર કર્યો હતો.
રાજ્યમાં સો ટકા નલ સે જલ મેળવતા ગાંધીનગર, મહેસાણા, આણંદ, બોટાદ અને પોરબંદર પછી છઠ્ઠો જિલ્લો વડોદરા બન્યો છે. આ સાથે, મુખ્યમંત્રીએ વડોદરા જિલ્લામાં પાણી વિતરણ વ્યવસ્થાને સુદ્રઢ કરવા માટે કુલ રૂ. ૪૯૧.૩૯ કરોડના પાણી પુરવઠાના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા.
તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જલ જીવન મિશન હેઠળ વર્ષ ૨૦૨૪ સુધીમાં દેશના તમામ ઘરોમાં નળ મારફત પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાના સંકલ્પને વડોદરા જિલ્લાએ ૨૦૨૧માં જ સાકાર કરી લીધો છે. રાજ્યના તમામ ઘરોમાં નળ મારફત પીવાનું પાણી પહોંચાડવા વડાપ્રધાનના સંકલ્પને વર્ષ ૨૦૨૨ સુધીમાં પરિપૂર્ણ થઈ જાય એ નિર્ધાર સાથે ગુજરાતમાં આ યોજનાની કામગીરી ત્વરાથી થઈ રહી છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વિકાસના વિચારને અમારી સરકારે આત્મસાત કરી નાનામાં નાના અને હરેક વ્યક્તિની જરૂરિયાતને પરિપૂર્ણ કરવાનો નિર્ધાર કર્યો છે. છેવાડાના માનવી સુધી વિકાસના ફળ લઈ જવાનો ઉપક્રમ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દીર્ઘદ્રષ્ટિ અને લાંબાગાળાની જરૂરિયાતને ધ્યાને લઈ શરૂ કર્યો હતો. તે પથ પર અમારી સરકાર ચાલી રહી છે.
ભૂતકાળમાં પાણી સરળતાથી ઉ૫લબ્ધ હોય તેવા વિસ્તારોમાં માનવ વસાહતો સ્થપાતી હતી અને જળાશયો કે નદીઓની આસપાસ સંસ્કૃતિ વિકસી હતી. પરંતુ, આપણે જાણીએ છીએ કે પાણી માટે ગુજરાતે લાંબા સમય સુધી પાણીની તંગી ભોગવી છે. પાણીના સુલભ સ્ત્રોતના અભાવે મહિલાઓને ખાસ પરેશાની વેઠવી પડતી હતી. પણ, હવે પાણી પુરવઠાના લાંબાગાળાના આયોજનના કારણે ઘરઘર સુધી પીવાના શુદ્ધ પાણી પહોંચ્યા છે. તેમ તેમણે ઉમેર્યું હતું.
કુદરતી સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની હિમાયત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, પાણીનું મૂલ્ય સમજી તેના એકએક ટીપાનો સદ્દઉપયોગ કરવો જોઈએ. પાણીને પ્રભુના પ્રસાદની જેમ વાપરવું જોઈએ. આપણે જાણીએ છીએ કે, દુનિયા ઉપર ક્લાઇમેટ ચેન્જના ગંભીર પરિણામો મંડરાઇ રહ્યા છે. નળમાંથી ટીપેટીપે ટપકતા પાણીથી વર્ષે ૩૬ હજાર લિટર પાણીનો વ્યય થાય છે. આવા વ્યયને અટકાવી, પાણીનું મહત્વ સમજી તેનો બગાડ ના કરવા તેમણે અનુરોધ કર્યો હતો.
સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસથી કોરોના મહામારી સમગ્ર વિશ્વમાં ભારતની કામગીરી નોંધનીય રહી છે. ગુજરાતે પણ સૌના સહિયારા પ્રયાસોથી કોરોનાનો સજ્જડ સામનો કરી લોકોની જાન બચાવી છે. વડોદરા જિલ્લાની વિકાસયાત્રા સતત આગળ વધતી રહી છે ત્યારે, જિલ્લાના વિકાસમાં ખુટતી કડીઓને પરિપૂર્ણ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ નિરામય ગુજરાત અભિયાનની ભૂમિકા આપી હતી.
પાણી પુરવઠા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, પાણીને જળશક્તિ તરીકે પ્રસ્થાપિત કરીને નરેન્દ્ર મોદીએ દેશમાં ૧૦૦ ટકા નલ સે જલ હર ઘર જલનો સંકલ્પ કર્યો છે. સો ટકા નલ સે જલનો લક્ષ્યાંક પૂર્ણ કરવામાં વડોદરા જિલ્લો છઠ્ઠો છે. રાજ્યમાં સો ટકા “નલ સે જલ” મેળવતા ગાંધીનગર, મહેસાણા, આણંદ, બોટાદ અને પોરબંદર જિલ્લા પછી છઠ્ઠો જિલ્લો વડોદરા બન્યો છે
તેમણે કહ્યું કે, ‘હર ઘર નલ સે જલ’ યોજના અંતર્ગત વડોદરા જિલ્લામાં ૩,૨૬,૭૦૫ ઘરો ગ્રામીણ વિસ્તારમાં આવેલ છે અને આ તમામ ઘરોને રૂ. ૮૩.૯૦ કરોડના ખર્ચે ૧૦૦ ટકા ઘરોમાં પીવાનું પાણી નળ દ્વારા પહોચાડવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું કે, પીએમજેએવાય, મા કાર્ડ-આરોગ્ય સુવિધાઓ રસ્તાઓ બાદ હવે પાણી પણ લોકોના ઘર સુધી પહોંચી ગયું છે. જેના કારણે જન સુખાકારીમાં વધારો થયો છે.
મુખ્યમંત્રીએ વડોદરા જિલ્લાના વડોદરા તાલુકાના ૩૯ ગામ તથા ૩૪ પરાઓનો સમાવેશ કરતી અનગઢ ગામે આવેલ મહી નદીમાં કૂવાના સ્ત્રોત આધારિત રૂ.૧૨૬.૫૯ કરોડની વડોદરા ઉત્તર વિભાગ જુથ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કર્યું હતું. આ યોજના દ્વારા હવેથી ૨.૪૨ લાખ વસ્તીને પીવાનું શુદ્ધ પાણી મળશે. મુખ્યમંત્રીએ વડોદરા, સાવલી, ડેસર અને કરજણ તાલુકાના કુલ ૨૧૧ ગામો માટે અંદાજે રૂ.૩૬૪.૮૦ કરોડની નવીન પાંચ જુથ પાણી પુરવઠા યોજનાઓનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ યોજનાઓ સાકાર થતાં ૪.૩૫ લાખ ગ્રામીણ વસ્તીને પીવાનું શુદ્ધ પાણી આવનાર સમયમાં મળી રહેશે.
મુખ્યમંત્રીના રાહતકોષ અને કન્યા કેળવણી નિધિમાં આગેવાનો, ઉદ્યોગપતિઓ દ્વારા દાન અર્પણ કરવામાં આવ્યા હતા. પ્રારંભમાં સ્વાગત પ્રવચન વાસ્મોના મુખ્ય કારોબારી અધિકારી જીન્સી રોયે સૌનો આવકાર કર્યો હતો. અંતમાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે આભાર માન્યો હતો.
આ પ્રસંગે મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી મનિષાબેન વકીલ, જિલ્લા પંચાયત પ્રમુખ અશોક પટેલ, સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્યો જીતુ સુખડીયા, મધુ શ્રીવાસ્તવ, સીમાબેન મોહીલે, અક્ષય પટેલ, અગ્રણી પરાક્રમસિંહ જાડેજા, અશ્વિન પટેલ, નગરપાલિકા પ્રમુખ હેતલબેન પટેલ, પદાધિકારીઓ, કલેકટર આર.બી.બારડ, જિલ્લા વિકાસ અધિકારી ડો.રાજેન્દ્ર પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક ડો. સુધીર દેસાઈ, પાણી પુરવઠા બોર્ડના મુખ્ય ઇજનેર એન. એચ. પટેલ, કાર્યપાલક ઇજનેર ગિરીશ અગોલા, કે. કે. પટેલ, આગેવાનો સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
