Team Chabuk-Gujarat Desk: વડોદરાના સાવલી ખાતે આજ રોજ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. આ સમૂહ લગ્નોત્સવમાં એક સાથે 602 નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. સમૂહ લગ્નોત્સવમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ઉપસ્થિત રહીને નવદંપતિઓને આશીર્વાદ આપ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, કોઈ એકનો પ્રસંગ જ્યારે સમગ્ર સમાજ મનાવે ત્યારે એ અવસર બની જાય છે અને આવા પ્રસંગ સામાજિક દાયિત્વનું પ્રતીક બની જાય છે. ખાસ કરીને કોઇ જ્ઞાતિબાધ વિના થતાં સમૂહલગ્ન સમારોહ સામાજિક સમરસતાના ઉદ્દીપક છે. તેનાથી સમાજ એક થશે, સામાજિક એકતાથી ગુજરાત એક બનશે.
સાવલી ખાતે ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર પ્રેરિત શ્રી મહેન્દ્રભાઈ જશભાઈ ટ્રસ્ટ દ્વારા આયોજિત સાતમાં સમૂહલગ્ન સમારોહમાં નવપરિણીત યુગલોને આશીર્વચન આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં ઉમેર્યું કે, સામાન્ય રીતે કોઈ વ્યક્તિ રીતે થતાં લગ્નમાં એક જ સમાજના બે કુટુંબો મળે છે. પણ, સમૂહલગ્નમાં સૌ કોઈ મળી લગ્નપ્રસંગને મનાવે છે.
ઉક્ત સંદર્ભમાં મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, જ્ઞાતિબાધ વિના થતાં સમૂહ લગ્નોમાં વિવિધ સમાજ અને જ્ઞાતિના પરિવારો એક મંડપ નીચે એકઠા થાય છે. આ બાબત જ સામાજિક સમરતાનું પ્રતીક બને છે. ગુજરાતમાં તમામ સમાજ એક થશે તો જ રાજ્ય એક બનશે. એકતા અને સામાજિક સૌહાર્દસભર ગુજરાતથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક ભારત, શ્રેષ્ઠ ભારતનું સપનું સાકાર થશે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, નાના કાર્યો થકી જ કાર્યકર મોટો થતો હોય છે. આવા કાર્યો થકી જ વ્યક્તિ પોતાની સામાજિક દાયિત્વ નીભાવી શકે છે. અહીં આ ટ્રસ્ટ દ્વારા જે કાર્ય થયું છે, તેનાથી અનેક પરિવારોની લગ્નના આયોજન બાબતની મુંજવણોનું સામાધાન થયું છે. સામાજિક ઉત્થાન અને સદ્દભાવના કાર્યક્રમોમાં ગુજરાત સરકાર હંમેશા મદદ કરશે, તેવો કોઈ તેમણે અંતે આપ્યો હતો.
લગ્નની ચોરીમાં જઈ મુખ્યમંત્રીએ નવદંપતિઓને આશીર્વચન આપી દામ્પત્યજીવનની શુભકામનાઓ પાઠવી હતી. આ સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત સાંસદ સી. આર. પાટીલે જણાવ્યું કે, પરિવાર દ્વારા એક હાથે લગ્ન જેવા શુભપ્રસંગોનું આયોજન કરવું એ મુશ્કેલભર્યું કાર્ય હોય છે. પણ, આવા સમૂહલગ્નોથી અનેક પરિવારોની આવી સમસ્યાનું સરળ સમાધાન થઈ જાય છે. ધારાસભ્ય કેતન ઇનામદારે અત્યાર સુધીમાં અનેક પરિવારોની દીકરીઓના લગ્ન કરાવી પુણ્યકર્મ કર્યું છે. સારા કાર્યકર્તાઓ પોતાનો શુભપ્રસંગ સમાજની સાથે રહીને મનાવી પોતાની સૌની સાથે પોતાની ખુશી વહેંચે છે.

તેમણે એમ પણ જણાવ્યું કે, દીકરા અને દીકરીના જન્મદર અનુપાતમાં ઘણો મોટો તફાવત જોવા મળી રહ્યો છે. તેના કારણે અનેક પ્રકારની સામાજિક સમસ્યાનું નિર્માણ થયું છે. આ બાબતની ચિંતા કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેટી વધાવો અભિયાન શરૂ કરવાની સાથે દીકરીઓ માટે અનેક પ્રકારની પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મૂકી છે. આ અભિયાન હવે જનઆંદોલન બની ગયું છે. દીકરીઓનું સન્માન વધવાની સાથે તેની સલામતી પણ વધી છે. તેમણે સુકન્યા યોજનાની રૂપરેખા પણ આપી હતી.
ધારાસભ્ય કેતન ઇનામદારે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે, તેમના પિતા મહેન્દ્રભાઈ જશભાઈ ઇનામદારના જન્મદિને સમૂહલગ્નું આયોજન કરવામાં આવે છે. તેની આ સાતમી શ્રેણી છે. જેમાં સહભાગી થનારા ૬૦૨ યુગલોને કરિયાવર આપવામાં આવે છે. સાવલીની આ પવિત્રભૂમિ ઉપર અત્યારસુધીમાં ૨૫૩૬ યુગલોના લગ્ન કરાવવામાં આવ્યા છે.
આ પ્રસંગે મહાનુભાવો દ્વારા ટ્રસ્ટ દ્વારા અનુદાનિત સુકન્યા સમૃદ્ધિ યોજનાની એક હજાર બાળકીઓ પૈકી ૧૦ બાળકીઓને પાસબૂકનું વિતરણ કરવામાં આવ્યું છે. ઇનામદારને વર્લ્ડ બૂક ઓફ રેકોર્ડ, લંડન તરફથી મળેલું સર્ટિફિકેટ ઓફ કમિટમેન્ટ પણ એનાયત કરવામાં આવ્યું હતું.
આ વેળાએ મંત્રી મંડળના સદસ્ય જીતુ વાઘાણી, અર્જુનસિંહ ચૌહાણ, મનિષાબેન વકીલ, નિમિષાબેન સુથાર, સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય વી. ડી. ઝાલાવડિયા, મેયર કેયુર રોકડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ અશોક પટેલ, અગ્રણી વિજય શાહ, અશ્વિન પટેલ, ભાર્ગવ ભટ્ટ, ભરત ડાંગર સહિત ઇનામદાર પરિવાર, સાજનમાજન ઉપસ્થિત રહ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
