Team Chabuk-Gujarat Desk: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત ઉપર આવનારા સંભવિત વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્ર, કચ્છના સમુદ્રી વિસ્તારના જિલ્લા કલેકટરો સહિતના જિલ્લાઓ સાથે ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી વીડિયો કોન્ફરન્સ કરીને તંત્રવાહકોની સજ્જતાને આખરી ઓપ આપ્યો હતો. વિજય રૂપાણી સોમવારે સવારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના કંટ્રોલ રૂમ પહોચ્યા હતા અને મુખ્ય સચિવ અનિલ મુકીમ, મહેસૂલના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, ઊર્જાના અધિક મુખ્ય સચિવ સૂનયના તોમર સહિત આરોગ્ય, માર્ગ મકાન, શહેરી વિકાસ, NDRF સહિતના વરિષ્ઠ અધિકારીઓ સાથે ગઇકાલ સાંજ બાદની વાવાઝોડાની સ્થિતિની તલસ્પર્શી સમીક્ષા હાથ ધરી હતી.
મુખ્યમંત્રીએ આ કરેલી સમીક્ષા અને સંભવિત વાવાઝોડાની વિપદાને પહોંચી વળવાના રાજ્ય સરકારના પ્લાનીંગ ઇન એડવાન્સ-પ્લાનીંગ ઇન ડિટેઇલની વિસ્તૃત વિગતો પ્રચાર માધ્યમો સાથેની વાતચીતમાં આપી હતી. મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં જણાવ્યું કે, ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ દરિયાઇ વાવાઝોડું આજે સોમવારે રાત્રે ૮ વાગ્યા આસપાસ તીવ્રતા સાથે ગુજરાત પર લેન્ડ થવાની, ત્રાટકવાની સંભાવના છે.
રાજ્ય સરકારે આ વાવાઝોડામાં કોઈ જાનહાનિ ન થાય તેવા ‘‘ઝીરો કેઝયુઆલીટી’’ અભિગમ સાથે દરિયાકાંઠાના જિલ્લાઓ ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, કચ્છ, જામનગર, દ્વારકા, વલસાડ, ભરૂચ સહિતના જિલ્લાઓમાં દરિયાકાંઠે વસેલા તેમજ કાચા મકાનોમાં, નદી કિનારે વસતા લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવવાની કામગીરી વેગવાન બનાવી છે અને દોઢ લાખ લોકોનું સ્થળાંતર કરી દેવાયું છે તેમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, દરિયા કિનારે વસતા આવા લોકોનું ફરજિયાત સ્થળાંતર કરાવવાના આદેશો સંબંધિત જિલ્લાઓને આપ્યા છે. વિજય રૂપાણીએ દરિયા કિનારાના જિલ્લાઓના વિસ્તારમાં વસતા લોકોને ઘર બહાર ન નીકળવા તેમજ ખાસ કરીને કાચા મકાનોમાં રહેતા લોકોને તંત્ર દ્વારા કરાવવામાં આવતા સ્થળાંતરમાં સહયોગ આપવા અપીલ કરી હતી.
આ વિસ્તારોમાં વસતા પશુપાલકોના પશુધનને પણ સલામત સ્થળે ખસેડી લેવાની વ્યવસ્થાઓ પશુપાલન વિભાગ સંબંધિત જિલ્લાના કલેકટરોના સંકલનમાં કરે છે એમ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, ગુજરાત પર આવી રહેલી આ સંભવિત વાવાઝોડાની આફતના સામના માટે કેન્દ્ર સરકારે સંપૂર્ણ મદદની ખાતરી આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતની આ સંભવિત વાવાઝોડાની સ્થિતિની સતત ચિંતા કરીને માર્ગદર્શન આપવા સાથે મદદરૂપ થતા રહ્યા છે તેની વિગતો મુખ્યમંત્રીએ આપી હતી. કેન્દ્ર સરકારે એન.ડી.આર.એફ.ની ૪૪ ટીમ ફાળવી આપી છે જે દરિયાકાંઠાના વિસ્તારોમાં પહોચી ગઈ છે. સાથોસાથ આર્મી, નેવી અને એરફોર્સને પણ ગુજરાતની મદદ-સહાય માટે તૈયાર રહેવા કેન્દ્ર દ્વારા જણાવી દેવાયું છે એમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીએ કહ્યું કે, દરિયામાં માછીમારી માટે ગયેલા બધા જ માછીમાર-સાગરખેડૂઓ સલામત રીતે પરત આવી ગયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, આ સંભવિત વાવાઝોડાની તીવ્રતા અને વ્યાપકતાની સંભાવનાઓ જોતાં રાજ્ય સરકારે બચાવ-રાહતના આગોતરાં આયોજનમાં કોઇ કચાશ રાખી નથી.
રાજ્ય સ્તરીય કંટ્રોલ રૂમ 24×7 ગાંધીનગરમાં કાર્યરત છે. એટલું જ નહીં જો આ વાવાઝોડાને પરિણામે વીજપુરવઠો ખોરવાય કે તેને અસર પડે તો તુરત જ દુરસ્તી કામ માટે વીજ કર્મીઓની ૬૬૧ જેટલી ટીમ તૈયાર રાખવામાં આવેલી છે. તેમણે કહ્યું કે, એક તરફ કોવિડ-19 મહામારીનું સંક્રમણ અને બીજી તરફ આ સંભવિત વાવાઝોડાની આફત એમ બન્ને સામે રાજ્ય સરકારનું સમગ્ર તંત્ર પૂરી સજ્જતા અને સજાગતાથી કાર્યરત થયું છે.
આ અંગેની વધુ વિગતો આપતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્યભરની ૧૪૦૦ થી વધુ કોવિડ હોસ્પિટલોમાં દર્દીઓને સારવારમાં કોઇ વિક્ષેપ ન પડે તે માટે ડી.જી. સેટ અને પાવર બેક અપ તૈયાર રાખવા આરોગ્ય વિભાગે સૂચનાઓ આપી છે. ૭૪૪ આરોગ્ય ટીમો તૈનાત છે સાથોસાથ ૧૬૦ આઇ.સી.યુ ઓન વ્હીલ્સ અને ૬૦૭ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ પણ જરૂર જણાયે તુરત જ ઉપયોગમાં લઈ શકાય તે માટે ખડેપગે છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કોવિડ કોરોની સારવાર લઈ રહેલા લોકોને આ સંભવિત વાવાઝોડાની સ્થિતિમાં દવાઓ, ઓક્સિજન વગેરેના પુરવઠામાં કોઈ રૂકાવટ ન આવે તેની સ્પેશ્યલ કેર રાજ્ય સરકારે કરી છે. સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં રેમડેસિવિર ઇંજેકશન મોકલી આપવામાં આવ્યા છે તેમજ રાજ્યમાં હાલ રોજના ૧૦૦૦ ટન ઓક્સિજનની જરૂરિયાત સામે ૧૭૦૦ ટન જેટલો વધારાનો જથ્થો પણ સુરક્ષિત કરી દેવાયો છે. તેમણે દરિયાકાંઠાના જિલ્લાઓમાં આ સંભવિત વાવાઝોડાની આફતમાં લોકોને ખાવા-પીવાની સામગ્રી સહિતની જરૂરી વસ્તુઓ માટે સેવાભાવી સંસ્થાઓ, એન.જી.ઓ., અગ્રણીઓ પોતાના જિલ્લાના કલેકટર તંત્રનો સંપર્ક કરી જરૂર જણાયે લોકોની મદદ માટે સેવાનું દાયિત્વ નિભાવે તેવી પણ અપિલ કરી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એવો સ્પષ્ટ વિશ્વાસ દર્શાવ્યો કે, વહીવટીતંત્ર અને જિલ્લા તંત્રોની સજાગતા, આગોતરા આયોજન અને કર્તવ્યનિષ્ઠાના સમન્વયથી ગુજરાત આ સંભવિત વાવાઝોડાનો મક્કમતાથી મુકાબલો માલ-મિલકતને ઓછામાં ઓછું નુકશાન થાય એ રીતે કરવા પ્રતિબદ્ધ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત