Homeગુર્જર નગરીગામડાઓમાં કોરોના સંક્રમણ અટકાવવા મુખ્યમંત્રીએ DDOને આ સૂચનો આપ્યા

ગામડાઓમાં કોરોના સંક્રમણ અટકાવવા મુખ્યમંત્રીએ DDOને આ સૂચનો આપ્યા

Team Chabuk-Gujarat Desk: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં કોરોના વધુ ફેલાય નહીં તે માટે ‘મારું ગામ કોરોના મુકત ગામ’ મુહીમ ચાવીરૂપ ભૂમિકા ભજવી શકે છે તેવો સ્પષ્ટ મત દર્શાવ્યો છે. ૧૦ જેટલા ગામના આગેવાનોની એક સમિતિ બનાવીને ગામમાં કોઈ જગ્યાએ ભીડભાડ ના થાય, સોશિયલ ડિસ્ટન્સ જળવાય અને લોકો માસ્ક પહેરતાં થાય એ બાબત સુનિશ્ચિત કરવાથી ગામમાં કોરોનાના કેસો વધતાં અટકાવી શકાશે એમ તેમણે ઉમેર્યું હતું. 

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અભિયાનને વધુ વ્યાપક ફલક પર વિસ્તારવા તેમજ હેલ્થ સબ સેન્ટર્સ, પ્રાયમરી હેલ્થ સેન્ટર્સ, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર્સના આરોગ્ય સ્ટાફની સેવાઓ કોરોના સંક્રમણ નિયંત્રણ માટે દરેક ગામમાં અવિરત મળતી રહે તે હેતુસર ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સથી રાજ્યના તમામ જિલ્લા વિકાસ અધિકારીઓ અને સી.ડી.એચ.ઓ. સાથે સમીક્ષા બેઠક કરી હતી.

મુખ્યમંત્રીએ જિલ્લા વિકાસ અધિકારીઓને જિલ્લા / તાલુકા કક્ષાએ ટીમ બનાવી ગામડાઓમાં ‘મારુ ગામ કોરોના મુકત ગામ’ અભિયાન હેઠળ ઉભા કરાયેલા CCCC (કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર)ની મુલાકાત લીને ત્યાં રહેવા, જમવા, પૂરતાં પ્રમાણમાં દવાઓનો જથ્થો, પીવાના શુદ્ધ પાણી અને સ્વચ્છતા સહિતની તમામ સુવિધાઓની ચોકસાઇ કરવાનું સૂચન કર્યું હતું.

આવા કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સમાં જરૂરી પ્રાથમિક સુવિધાઓ વિના વિલંબે અને સમયસર મળે તે માટે તાલુકા વિકાસ અધિકારીઓ જે-તે જિલ્લાના વિકાસ અધિકારીના સીધા માર્ગદર્શનમાં વ્યવસ્થા ગોઠવે તેવી તાકીદ પણ કરી હતી.

મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, છેવાડાના ગ્રામીણ વિસ્તારો સુધી દવાઓ અને તબીબી સેવાઓ પહોંચાડી કોરોના મુકત ગામનો સંકલ્પ આપણે પાર પાડવો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દાવો કર્યો હતો કે, હાલ ગામડામાં મર્યાદિત સંખ્યામાં અથવા તો નહીંવત કોરોના પોઝીટીવ દર્દીઓ છે. આવી વ્યકિતઓ જો પોતાના ઘરમાં લોકોની સાથે જ રહેશે તો સંક્રમણ ફેલાવાની ભીતિ રહેશે. આથી આવી કોરોના સંક્રમિત તમામ વ્યકિતઓને CCCC ખાતે આઇસોલેટ કરવામાં આવે તો સંક્રમણ વધતું અટકાવી શકાશે. દર્દીના પરિવારજનોની સુરક્ષા અને ગામના લાભ માટે પોઝિટિવ દર્દીઓ CCCC ખાતે શિફટ થાય તે પ્રકારની જાગૃતિ લાવવા માટે ગામના આગેવાન વડીલોની દરમિયાનગીરીથી પ્રયાસ કરવા પણ તેમણે અનુરોધ કર્યો હતો.

તેમણે કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સમાં રહેલા ગ્રામજનો સાથે તેમના પરિવારજનોની પણ આરોગ્ય તપાસ થાય અને અન્ય કોઈ પરિવારજનમાં સામાન્ય તાવ, શરદી, ખાંસી જેવા લક્ષણો જણાય તો તેને પણ તકેદારી રૂપે આઇસોલેટ કરવામાં આવે તેવું સૂચન કર્યુ હતું.

આવા જરૂરતમંદ વ્યક્તિઓને સ્ટાન્ડર્ડ દવાઓની કીટ મળી રહે તથા કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સમાં તેમના બી.પી. ઓક્સિજન લેવલ વગેરેની તપાસ થાય અને જરૂર જણાયે સારવાર માટે આરોગ્ય કેન્દ્રોમાં રિફર કરવામાં આવે તેમ પણ તેવું સૂચન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સ્થાપના દિવસ ૧લી મે થી શરૂ થયેલા ‘મારું ગામ – કોરોના મુકત ગામ’ અભિયાન અન્વયે અત્યાર સુધીમાં રાજ્યના ૩૩ જિલ્લાના ગામોમાં ૧૩૦૬૧ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ ૧ લાખ ર૦ હજાર બેડની ક્ષમતા સાથે ઊભા કરી દેવાયા છે.

મારું ગામ કોરોના મુકત ગામના આ ૧પ દિવસના અભિયાનમાં ગ્રામીણ જનશક્તિને જોડીને ગામડાંઓમાં કોરોના સંક્રમણ નિયંત્રણ માટેના ઉપાયો, કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ જનભાગીદારીથી શરૂ કરીને ત્યાં સામાન્ય લક્ષણો વાળા ગ્રામજનોને આઇસોલેટ કરવા, સ્ટાન્ડર્ડ દવાઓનું વિતરણ વગેરે વ્યવસ્થાઓ પંચાયત-આરોગ્ય વિભાગના સહયોગથી ઊભી કરવામાં આવી છે.

add

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments