Team Chabuk-Gujarat Desk: પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કુંવારા, દશાવાડા અને સેદ્રાણા ગામની જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીએ રૂબરૂ મુલાકાત લીધી હતી. કોરોના વાયરસના સંક્રમણથી પ્રભાવિત એવા આ ગામોના આગેવાનો સાથે બેઠક યોજી કલેક્ટરે ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન સહિતની બાબતો અંગે ચર્ચા કરી હતી.
જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીએ ગામમાં આગેવાનોની બેઠકમાં જણાવ્યું હતું કે, જો કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવું હશે તો આગામી થોડાક દિવસ સ્વૈચ્છિક લોકડાઉનનું પાલન કરવું અતિઆવશ્યક છે. આગેવાનો દ્વારા લોકોને અપીલ કરવામાં આવે કે ગ્રામજનો ખૂબ જ અગત્યના કામ વગર ઘરની બહાર ન નીકળે અને માસ્કનો ફરજિયાત ઉપયોગ કરે તો આપણે ગામને અવશ્ય કોરોના મુક્ત કરી શકીશું. વધુમાં કલેક્ટરે જણાવ્યું કે, જેને પણ શરદી, તાવ કે કળતર જેવા હળવા લક્ષણો જણાય તેમણે પહેલા જ દિવસથી આરોગ્ય વિભાગ દ્વારા પ્રાથમિક સારવાર માટે આપવામાં આવતી દવાઓનો ઉપયોગ શરૂ કરી દેવો જોઈએ અને સેલ્ફ આઈસોલેશનનું પાલન કરવું જોઈએ. જેનાથી શરૂઆતથી જ તેના પર કાબુ મેળવી શકાય અને દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂરિયાત ઉભી ન થાય.
જિલ્લા કલેક્ટરે સેદ્રાણા ગમમાં ૫૦ ઓક્સિજન બેડની સુવિધા ધરાવતી મક્તબા હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને દાખલ કોરોનાના દર્દીઓને મળીને એમની સારવાર અંગે પૂછપરછ કરી હતી. ગામમાં જ કોરોનાના દર્દીઓને ઓછા દરે સારવાર અને દવાઓ આપતી હોસ્પિટલની સેવાને કલેક્ટરે બિરદાવી હતી. આ વખતે હોસ્પિટલના ટ્રસ્ટી અબ્બાસભાઈ મોમીન અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીએ દશાવાડા ગામમાં ઉભું કરવામાં આવેલ ૧૫ બેડના કોવિડ કેર સેન્ટરની મુલાકાત પણ લીધી હતી. વાયરસથી સંક્રમિત થયા હોય અને નાના ઘર કે સંયુક્ત કુટુંબમાં રહેતા હોય તેવા ગ્રામજનો ઘરના સભ્યોને સંક્રમિત ન કરે તે માટે ગામમાં જ શરૂ કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં દાખલ થાય તે માટે પણ જિલ્લા કલેક્ટરે અનુરોધ કર્યો હતો.
આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા વહિવટી તંત્રના સંકલનમાં સઘન સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે. જે દરમિયાન હળવા લક્ષણો ધરાવતા દર્દીઓને દવાની કીટ પણ આપવામાં આવી રહી છે. આ સર્વેલન્સ દરમિયાન વધુ સંક્રમણ ધરાવતા ગામોમાં લોકજાગૃતિ કેળવાય તથા સંક્રમણ અટકાવવા સઘન પ્રયત્નો થાય તે માટે પાટણ જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીએ સરપંચો અને સ્થાનિક આગેવાનો સાથે બેઠક યોજી વહિવટી તંત્રને સહકાર આપવા ઉપરાંત સ્વયંશિસ્તના પાલન થકી ગામને કોરોનામુક્ત કરવા માર્ગદર્શન અને પ્રેરણા આપી હતી. જિલ્લા કલેક્ટરની આ મુલાકાત દરમિયાન પ્રાંત અધિકારી ડો.સુપ્રિયા ગાંગુલી, મામલતદાર કનકસિંહ ગોહિલ, તાલુકા વિકાસ અધિકારી એ.એ.રાજપુરા અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.હાર્દિક ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત