Team Chabuk-Gujarat Desk: જરૂરિયાત/આફત કે મહામારી એ શોધખોળની જનની છે. આ કહેવત હાલમાં કોરોના સંક્રમણની બીજી લહેરમાં સાચી પુરવાર થઈ રહી છે. વધતા જતા કોરોના કેસોના કારણે ઓક્સિજનની કટોકટી સર્જાવાના અનેક કિસ્સાઓમાં કસોટીના સમયે રાજકોટ સિવિલ હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગે અત્યાર સુધી માત્ર પોતાના ક્ષેત્રમાં વપરાતી “બ્રેઇન સર્કિટ”નો ઉપયોગ કરીને કોરોનાના ૪૦-૫૦ જેટલા દર્દીઓની મહામૂલી જીંદગી બચાવી છે.
સામાન્ય રીતે એનેસ્થેસિયા એટલે ઓપરેશન વખતે દર્દીને શરીરની વાઢકાપ વખતે દર્દ ન થાય તે માટે બેહોશ કરવાની તથા સમયાંતરે દર્દીને હોશમાં લાવવાની પદ્ધતિ. પરંતુ તમને સવાલ થશે કે, એ સારવારની કોવિડના દર્દીઓમાં શી જરૂર ? બ્રેઇન સર્કિટ શું છે ? તેનો શા માટે અને કેવી રીતે ઉપયોગ થાય ?
આ સવાલના જવાબ અંગે એનેસ્થેસિયા વિભાગના નોડલ ઓફિસર ડો. ચેતના જાડેજા જણાવે છે કે, અમારા એનેસ્થેસિયા વિભાગના હેડ વંદનાબેન પરમારના માર્ગદર્શન હેઠળ અમે કોવિડ-૧૯ના અતિ ગંભીર દર્દીઓની સારવાર કરીએ છીએ. કોરોનાને લીધે ફેફસાને પુરતો ઓક્સિજન તથા લોહી ન મળવુ કાર્યક્ષમતા ઓછી થવી, વ્યક્તિમાં લોહી ગંઠાઈ જવું, જેવી અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. આવા સંજોગોમાં દર્દી હવામાં રહેલ ૨૧% જેટલો ઓક્સિજન નથી મેળવી શકતો. કોરોના સંક્રમિત દર્દીને ગંભીર પરિસ્થિતિમાં ૭૦% થી ૧૦૦% જેટલો ઓક્સિજન આપવો પડે છે, તેથી તેના શ્વસનતંત્રને યોગ્ય રીતે કાર્યરત રાખી શકાય. આવા સંજોગોમાં દર્દીઓની પરિસ્થિતિ પારખીને તેને મદદરૂપ થઈ શકે તેવા અનુભવી અને કાબેલ એનેસ્થેસિયોલોજીસ્ટની જરૂર પડે છે.
ડો. જાડેજાએ કહ્યું હતું કે, શ્વાસોચ્છવાસની સમસ્યા અને ઓક્સિજનનું ઓછું પ્રમાણ ધરાવતા દર્દીઓને ક્રિટીકલ કેરમાં રાખવામાં આવે છે અને તેમના માટે અદ્યતન પ્રકારના વેન્ટીલેટર ઉપલબ્ધ હોય છે. દર્દીની સ્થિતિ સામાન્ય કરતા થોડી ગંભીર હોય તેને હાઈફ્લો નોઝલ ઓક્સિજન થેરાપી નામના મશીન દ્વારા સારવાર આપવામાં આવે છે. વધુ ગંભીર સ્થિતિના દર્દીઓને બાય પેપ નામના મશીનની મદદથી શ્વાસ લેવા માટે સપોર્ટ આપવામાં આવે છે. જેમ-જેમ દર્દીની પરિસ્થિતિમાં સુધારો થતો જાય છે તેના આધારે દર્દી પોતાની રીતે શ્વાસ લેતો થાય તથા ઓક્સિજનનું લેવલ સામાન્ય થાય ત્યાં સુધી તેને આઈ.સી.યુ.માં રાખવામાં આવે છે ત્યાર બાદ તેને જનરલ વોર્ડમાં દાખલ કરવામાં આવે છે.
પરંતુ જ્યારે ઓક્સિજનનો જથ્થો ઓછો હોય અને દર્દીની જરૂરિયાત વધારે હોય ત્યારે બ્રેઇન સર્કિટનો ઉપયોગ કરીને ઓછા ઓક્સિજને મહત્તમ સારવાર આપી શકાય છે. વેન્ટિલેટર સામાન્ય રીતે ૫૦ લિટર જેટલો ઓક્સિજન એક મિનિટમાં વાપરે છે તેની સરખામણીમાં બ્રેઇન સર્કિટમાં ઘણો જ ઓછો ઓક્સિજન વપરાય છે. સામાન્ય રીતે બ્રેઇન સર્કિટમાં ૧૨ થી ૧૫ લીટર રાખવો પડે છે પરંતુ ઓક્સિજન બચાવવાની પદ્ધતિમાં 8 લિટર સુધી પણ દર્દીઓનું ઓક્સિજન લેવલ સુયોગ્ય રીતે જાળવી શકાય છે. બ્રેઇન સર્કિટનો ઉપયોગ દર્દીનું ઓક્સિજન લેવલ ૯૫ થી ૧૦૦ સુધી સારામાં સારી રીતે મેઈન્ટેઈન કરી શકાય છે. આ ટેકનિ્કનો ઉપયોગ દર્દીના રીકવરી ફેઈઝમાં કરી શકાય છે.
બ્રેઇન સર્કિટનો ઉપયોગ કરતી વખતે દર્દીને એકલો મૂકી ના શકાય બાજુમાં અનુભવી અને કાબેલ એનેસ્થેસિસ્ટ અથવા ઈન્ટેનસીરીસ્ટ (આઇ.સી.યુ સ્પેશ્યાલિસ્ટ)ની જરૂર પડે છે. દર્દીને વેન્ટીલેટર પરથી ધીમે ધીમે હટાવીને ઓક્સિજન પર લાવતી વખતે બ્રેઇન સર્કિટનો ઉપયોગ થાય છે. દર્દીને એક જગ્યાએ થી બીજી જગ્યાએ લઈ જવા માટે આ પદ્ધતિ ઘણી કારગત સાબિત થાય છે, તેમ ડો. ચેતના જાડેજાએ જણાવ્યું હતું. અમદાવાદ, સુરત તથા ભાવનગરમાં પણ આ પદ્ધતિનો ઉપયોગ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બ્રેઇન સર્કિટમાં બે નળીઓને ટી પાઈપ વડે જોડવામાં આવે છે. તેમાંથી એક નળી ઓક્સિજન માટે ફ્લો મિટરના પાઈપ સાથે લગાવવામાં આવે છે, જ્યારે બીજો પાઈપ કાર્બન ડાયોક્સાઈડના બાહ્ય વહન માટે છે. તેમાં એક ફૂગ્ગા જેવી રિઝર્વોયર બેગ હોય છે. જે ઓક્સિજનને રીઝર્વ રાખવાનું કામ કરે છે તથા જરૂર પડ્યે દર્દીને કૃત્રિમ શ્વાસોચ્છવાસ આપી શકે છે. તેમાં એક એચ.એમ.ઈ. (HME – Heat and Moisture Exchanger) ફિલ્ટરનો ઉપયોગ કરીને પછી માસ્ક લગાવવામાં આવે છે. આ ફિલ્ટર ગરમી અને ભેજનું સુચારું નિયમન કરીને દર્દીના ઉચ્છવાસમાં રહેલા વાઈરસને દૂર કરીને શુદ્ધ હવાની અવરજવર માટે દર્દીઓને મદદરૂપ થાય છે. આ કીટને કેમિકલમાં સ્ટરીલાઈઝ્ડ કરીને ફરી વાર ઉપયોગમાં લઈ શકાય છે. આ સર્કિટની કિંમત રૂ ૮૦૦ થી ૯૦૦ જેટલી હોય છે. આ ઉપરાંત, કોરોનાના અમુક દર્દીઓને CPAP – Continuous positive airway pressure માસ્ક વડે પણ સારવાર આપવામાં આવે છે.
એનેસ્થેસિયા વિભાગના હેડ ડો વંદના પરમાર જણાવે છે કે, હાલમાં એનેસ્થેસિયા વિભાગના કુલ ૪૫ જેટલા ડોક્ટરો સતત કાર્યરત છે. જેમાં સિનિયર કન્સલ્ટન્ટ, સિનિયર રેસિડેન્ટ વગેરેનો સમાવેશ થાય છે. કોરોનાની બીજી લહેરમાં ૯૦ ટકા જેટલો સ્ટાફ કોરોનામાં વ્યસ્ત છે જ્યારે બાકીનો ૧૦ ટકા સ્ટાફ નોન-કોવિડમાં ડ્યુટી બજાવે છે. જેમાં પણ રોજની સરેરાશ ૧૦ જેટલા ઓપરેશન કરવાના હોય છે. રાજકોટ સિવિલ હોસ્પિટલનો એનેસ્થેસિયા વિભાગ કોવિડ-૧૯ના દર્દીઓ માટે રાતદિવસની પરવા કર્યા વગર ઉત્તમોત્તમ સારવાર આપી રહ્યો છે.
ડો વંદના પરમારે કહ્યું હતું કે, દરરોજ દિવસમાં ૨૦-૩૦ મિનિટ યોગ, પ્રાણાયમ, તથા ઉંડા શ્વાસની સાથે ઓમકાર કરવા અથવા નિયમિત રીતે સાયક્લીંગ કે રનિંગ કરવાથી સમગ્ર શ્વસનતંત્રની કાર્યક્ષમતામાં વધારો કરી શકાય છે. તેમજ માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સીંગ અને દર કલાકે ૪૦ સેકન્ડ સુઘી ઘસીને હાથ સાફ કરીએ સ્વસ્થ રહીએ અને અન્યોને પણ સ્વસ્થ રાખીએ.
એનેસ્થેસિયા વિભાગની ઉમદા કામગીરીના કારણે અનેક દર્દીઓની મહામુલી માનવ જિંદગી બચી રહી છે તેનો હરખ દર્દી અને ડોક્ટરોના ચહેરા પર સ્પષ્ટ જોવા મળ્યો હતો.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત