Team Chabuk-Gujarat Desk: મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુજરાતમાં તૌકતે વાવાઝોડાને પરિણામે ઊભી થયેલી પરિસ્થિતિ અને ખાસ કરીને દરિયાકાંઠાના જિલ્લાના ગામો-વિસ્તારોમાં થયેલ નુકશાન, તારાજીની જાત માહિતી મેળવવા ઉના તાલુકાના ગરાળ ગામે પહોચ્યા હતા.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી હવાઇ માર્ગે ઉનાના ગરાળ ગામે પહોંચતા સુધી માર્ગમાં આવતા ગામો-વિસ્તારોમાં તૌકતે વાવાઝોડાએ સર્જેલી વિકટ સ્થિતિ અને નુકસાનીનું હવાઇ નિરીક્ષણ પણ કર્યુ હતું. વિજય રૂપાણીએ ઉનાના ગરાળ ગામે આ વાવાઝોડાને પરિણામે લોકોના મકાનો, ખેતીવાડીને થયેલા નુકશાનનો કયાસ કાઢવા ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો. તેમણે ગરાળના મહિલા સરપંચ મોંઘીબહેન અને ગ્રામજનો પાસેથી આ વાવાઝોડાએ સર્જેલી તારાજીની આપવીતી સાંભળીને આ વિપદામાં રાજ્ય સરકાર ગ્રામજનોની પડખે હોવાનો સધિયારો આપ્યો હતો.
On his way to the #CycloneTauktae affected villages of coastal talukas, CM Shri @vijayrupanibjp undertook an aerial survey of the destruction in the hinterland areas. pic.twitter.com/0mSIfzxxbK
— CMO Gujarat (@CMOGuj) May 20, 2021
મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજકુમાર પણ આ વેળાએ મુખ્યમંત્રી સાથે જોડાયા હતા. મુખ્યમંત્રીએ ખેતી-બાગાયતી પાકો તેમજ મકાનોને થયેલા વ્યાપક નુકશાન અંગે તાત્કાલિક સર્વે કામગીરી હાથ ધરીને નિયમાનુસારની રાહત ગ્રામજનોને આપવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. વિજય રૂપાાણીએ ગરાળ ગામમાં તૌકતે વાવાઝોડાને પરિણામે સર્જાયેલી સ્થિતિનું જાત નિરીક્ષણ કર્યા બાદ ઉના પ્રાંત અધિકારીની કચેરીમાં જિલ્લા તંત્રના અધિકારીઓ, અગ્રણીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને સમગ્ર સ્થિતિની તલસ્પર્શી વિગતો મેળવી હતી.
મુખ્યમંત્રીએ આ બેઠકમાં સ્પષ્ટપણે કહ્યું કે, વાવાઝોડાથી પ્રભાવિત થયેલા ઉના સહિતના દરિયાઇ પટ્ટીના તાલુકાઓને યુદ્ધના ધોરણે ફરી બેઠા કરી પૂર્વવત કરવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. તેમણે અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનીના પ્રાથમિક અંદાજો તૈયાર કરવા જિલ્લા તંત્રને માર્ગદર્શન આપ્યું હતું.
મુખ્યમંત્રીએ વીજળી, પાણી જેવી પ્રાથમિક સુવિધાઓના પુરવઠાને અસર પહોચી છે તે તત્કાલ નિવારીને આ પુરવઠો સમયમર્યાદામાં પૂર્વવત કરી દેવા સુચનાઓ આપી હતી. આ હેતુસર હાલ વીજ દુરસ્તી કામમાં કાર્યરત ર૦૦ કર્મચારીઓ ઉપરાંત આવતીકાલ શુક્રવાર સુધીમાં વધારાના ૩૦૦ જેટલા કર્મચારીઓ અન્ય જિલ્લાઓમાંથી બોલાવીને વીજ સેવા તાત્કાલિક પૂર્વવત કરવા પણ તેમણે સૂચન કર્યુ હતું.
મુખ્યમંત્રીએ ગરીબ વર્ગના લોકો સહિતના લોકોના મકાનોને થયેલા નુકશાનનો સર્વે હકારાત્મક વલણ સાથે કરવા તેમજ ઉના નગરપાલિકા વિસ્તારમાં તાત્કાલિક સાફ સફાઇ કરવા, રોડ પર વૃક્ષો પડવાથી ઊભી થયેલી આડશ દૂર કરવા તેમજ અન્ય રિસ્ટોરેશન કામગીરી માટે જરૂર જણાયે વધારાનો મેન પાવર અન્ય તાલુકા-જિલ્લામાંથી બોલાવી આગામી બે દિવસમાં આ કામગીરી પૂર્ણ કરવા પણ તાકીદ કરી હતી.
ગીર સોમનાથ જિલ્લામાં ૧૭૦ ગામમાં વાવાઝોડાને લીધે પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. જિલ્લા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે જનરેટર મૂકીને પાણીની જરૂરિયાત પૂરી કરી શકાય તે માટે ૨૪ કલાકમાં કામગીરી પૂર્ણ થઇ છે. હવે માત્ર ૬૪ ગામોમાં આ વ્યવસ્થા કરવાના બાકી છે તે આવતીકાલ શુક્રવાર સાંજ સુધીમાં કરી નાખવા મુખ્યમંત્રીએ સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
આ સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેકટર અજય પ્રકાશે મુખ્યમંત્રીને ગીર સોમનાથ જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા કરાઇ રહેલી રાહત અને રિસ્ટોરેશન કામગીરીની સંપુર્ણ વિગતો આપી હતી. ગરાળ ખાતે મુખ્યમંત્રીની સાથે મંત્રી પરસોતમ સોલંકી, સાંસદ રાજેશ ચુડાસમા, પૂર્વ મંત્રી જશા બારડ, પૂર્વ ધારાસભ્ય કે.સી.રાઠોડ, રાજશી જોટવા, જેઠા સોલંકી, ગોવિંદ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ માનસી પરમાર, અગ્રણી ઝવેરી ઠાકરાર, રેન્જ આઈજી મનિન્દરસિંહ પવાર, જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે સહિતના અધિકારીઓ તથા પદાધિકારીઓ ઉના પ્રાંત કચેરી ખાતે બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વનું છે કે, ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં તૌકતે વાવાઝોડાના કારણે મોટું નુકસાન થયું છે. સ્થાનિકો હાલ ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે. અનેક વિસ્તારોમાં હજુ પણ વીજળી ડુલ છે. સ્થાનિકો સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું કે, વીજ પુરવઠો શરૂ થયા 10 દિવસ જેટલો સમય લાગશે. વીજળી ન હોવાના કારણે લોકોને પારવાર મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત