Team Chabuk-National Desk: કોરોના મહામારીએ અનેક જિંદગીઓ છીનવી લીધી છે. તંત્રના વાંકે પણ ઘણા લોકોના જીવ ગયા છે. ઘણા મૃત્યુ એવા હોય છે જે સૌને અંદરથી હચમચાવી મૂકતા હોય છે. કોરોનાથી મૃત્યુ પામનાર 300 લોકોના અંતિમ સંસ્કાર કરનાર કોરોના વોરિયર્સને જ આ કાળમૂખો કોરોના ભરખી જશે એવું કોઈએ વિચાર્યું પણ નહીં હોય. હરિયાણાના હિસારમાં આવી જ એક દુઃખદ ઘટના બની છે.
કોરોનાના કારણે મૃત્યુ પામનાર 300 લોકોના અંતિમ સંસ્કાર કરનાર રિયલ હીરો હવે આ દુનિયામાં નથી. હરિયાણાના હિસારમાં રહેતા પ્રવિણ કુમાર પણ આ કોરોના સામેનો જંગ હારી ગયા. કોઈપણ ડર રાખ્યા વગર 300 જેટલા કોરોના મૃતકોના અંતિમ સંસ્કાર કરનાર પ્રવિણ કુમાર જ કોરોના સંક્રમણના કારણે આ દુનિયાને છોડીને ચાલ્યા ગયા છે. હિસાર મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારી પ્રવિણ કુમારને સૌ કોઈ કોરોના હીરો તરીકે ઓળખતા હતા. 43 વર્ષના પ્રવણી કુમારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાના બે દિવસમાં જ મૃત્યુ પામ્યા છે.
જે લોકોના કોરોનાથી મૃત્યુ થતાં હતા તેઓના હિસાર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અંતિમ સંસ્કાર કરવામાં આવતા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ટીમના ઇન્ચાર્જ પ્રવીણ કુમાર હતા. કોરોના મહામારીના પ્રવેશ બાદ પહેલી અને બીજી લહેરમાં હિસારમાં કુલ 750 જેટલા લોકોના મોત થઈ ચુક્યા છે. જેમાંથી 300 જેટલાના અંતિમ સંસ્કાર પ્રવીણ કુમાર અને તેમની ટીમે કર્યા હતા. શહેરમાં દરરોજ 20 જેટલા મૃતકોના અંતિમ સંસ્કાર કરાતા હતા.
પ્રવીણ કુમાર હિસાર મ્યુનિસિલ કોર્પોરેશનના કર્મચારી સંઘના અધ્યક્ષ પણ હતા. કર્મચારી સંઘના પ્રવક્તા સુનીલ બેનીવાલે જણાવ્યું કે, પ્રવીણ કુમારને ઓક્સિજન લેવલ ઘટી જતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. મળતી માહિતી પ્રમાણે પ્રવીણ કુમારના પરિવારે સરકારી હોસ્પિટલમાં બેડ મેળવવા માટે ત્રણ કલાક સુધી ભાગદોડ કરી પરંતુ બેડ ન મળતાં તેઓને ના છુટકે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. આશ્ચર્યની વાત એ છે કે જે વ્યક્તિએ પોતાના જીવની ચિંતા કર્યા વગર કોરોનાકાળમાં 300 જેટલા કોરોના મૃતકોના અંતિમ સંસ્કાર કર્યા તે કોરોના હીરો માટે સ્થાનિક તંત્ર એક બેડની વ્યવસ્થા પણ ન કરી શક્યું.
કોરોના હીરો તરીકે જાણીતા થયેલા પ્રવીણ કુમાર ખુદ કોરોના સામેનો જંગ હારી ગયા. તેમના પરિવારમાં પત્ની અને બે પુત્ર છે. એ પુત્ર અભ્યાસ કરી રહ્યો છે અને બીજો પુત્ર હિસાર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જ નોકરી કરી રહ્યો છે. પ્રવીણ કુમારના બન્ને ભાઈ પણ કોર્પોરેશનમાં નોકરી કરે છે.
કોરોનાના કારણે દેશભરમાં હાહાકાર મચેલો છે. હરિયાણામાં પણ છેલ્લા 24 કલાકમાં 6818 કોરોનાના નવા કેસ નોંધાયા છે. હરિયાણામાં અત્યાર સુધી કુલ 7,16,507 લોકો કોરોનાની ચપેટમાં આવી ચુક્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત