Homeગુર્જર નગરીજૂનાગઢઃ વિસાવદરમાં એવું શું થયું કે ભાજપ, કોંગ્રેસ અને આપ એક થઈને...

જૂનાગઢઃ વિસાવદરમાં એવું શું થયું કે ભાજપ, કોંગ્રેસ અને આપ એક થઈને રસ્તા પર ઉતરી આવ્યા !

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં આજે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ વચ્ચે એક અનોખી એકતા જોવા મળી. વિસાવદરમાં (visavadar) વધી રહેલા લુખ્ખાઓના ત્રાસ સામે તમામ રાજકીય પક્ષો એક થઈ ગયા અને લુખ્ખાઓને સામે પડકાર ફેંક્યો છે. વિસાવદરમાં બેફામ બનેલા લુખ્ખા તત્વોએ ગત રાત્રે કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડિયાના પુત્ર અને પિતરાઈ ભાઈ પર હુમલો કર્યો હતો. ધારાસભ્યના પુત્ર અને ભાઈ પર હુમલાના આજે ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. હુમલાના વિરોધમાં આજે વિસાવદર બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ બંધના સમર્થનમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષો પણ આગળ આવ્યા હતા. ગામલોકોએ વિસાવદર પોલીસ સ્ટેશન પર જઈને લુખ્ખાગીરી કરનારાં તત્ત્વો સામે કડક કાર્યવાહીની માગ કરી હતી.

શહેરની તમામ દુકાનો-બજારો સજજડબંધ રહ્યાં

જૂનાગઢ જિલ્‍લાના વિસાવદરમાં પોલીસતંત્રની કોઈ ધાક ન હોવાથી બેફામ બનેલાં લુખ્ખાં તત્ત્વોએ ગત મોડી રાત્રિના કોંગી ધારાસભ્યના પુત્ર અને પિતરાઇ ભાઇ સહિતનાં પરિવારજનો પર ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કરી કારનો કચ્‍ચરઘાણ બોલાવી દીઘો હતો. આ ઘટનાના વિરોધ સાથે વિસાવદરમાંથી લુખ્ખા તત્વોને નેસ્તનાબૂદ કરવાની માગ સાથે આજે સવારથી વિસાવદર શહેર સજ્જડ બંધ રાખવામાં આવ્‍યું હતું. આ બંધના એલાનને કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી સહિત તમામ રાજકીય પક્ષો તથા ચેમ્‍બર ઓફ કોમર્સે સમર્થન આપ્યું હતું અને શહેરની તમામ દુકાનો-બજારો સજજડબંધ રાખવામાં આવી હતી. આ ઘટના અંગે પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ઘરી છે.

હર્ષદ રીબડિયાએ પોલીસ સામે કર્યા આકરા પ્રહાર

આ ઘટના અંગે વિસાવદરના કોંગ્રેસી ધારાસભ્‍ય હર્ષદ રીબડિયાએ જણાવ્યું હતું કે, વિસાવદર શહેરમાં છેલ્લા ઘણા સમયથી નાનાથી લઈ મોટા વેપારીઓ પાસે લુખ્‍ખાઓ હપતા-ખંડણી માગી આતંક મચાવી રહ્યા હોવાથી વેપારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. કારણ કે, લુખ્‍ખાં તત્ત્વો સામે કાર્યવાહી કરવાના બદલે પોલીસ મૂકપ્રેક્ષક બની તમાશો જોઇ રહી છે.

ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ જણાવ્યું હતું ક, ગત રાત્રિએ શહેરમાં એક નાસ્તાની રેકડી પર લુખ્ખા તત્વોની ગેંગે હપતાખોરીની માગ કરી હતી. એ વેળા ત્‍યાં હાજર મારા પુત્ર રાજનને રેકડીવાળાએ રજૂઆત કરી હતી, જેથી મારા પુત્ર રાજને લુખ્ખા તત્વોને આવી લુખ્ખાગીરી નહીં કરવાનું કહેતાં તેમણે તેના પર તલવાર વડે હુમલો કરતાં તેને હાથના ભાગે ઈજા પહોંચતાં તે તેના મિત્ર સાથે ત્‍યાંથી ભાગી ગયો હતો. બાદમાં રાજન તેના કાકા રાજ રીબડિયાને રામ મંદિર પાસે ઊભા રહીને વાત કરી રહ્યો એ સમયે ફરી લુખ્ખાઓ તલવારો અને પાઇપ જેવાં ઘાતક હથિયારો સાથે બાઈક પર આવી મારા પિતરાઇ ભાઈ રાજ અને પુત્ર રાજન પર જીવલેણ હુમલો કરી આડેધડ તલવારોના ઘા માર્યા હતા જેમાં રાજ રીબડિયાને માથાના ભાગે તલવાર મારી દેતાં ગંભીર ઇજા પહોંચી હતી. બાદમાં લુખ્ખાં તત્વોએ સ્‍થળ પર હાજર મારાં પરિવારજનોની ગાડીઓનો કચ્ચરઘાણ બોલાવી દીધો હતો. દરમિયાન આ ઘટનાની મને જાણ થતાં તરત જ હોસ્પિટલે પહોંચ્યો હતો. જ્યાંથી ઇજાગ્રસ્‍ત મારા પિતરાઇ અને પુત્રને વઘુ સારવાર અર્થે જૂનાગઢ હોસ્પિટલમાં ખસેડાયા છે.

લુખ્ખાઓના આતંક સામે તમામ રાજકીય પક્ષો એક થયા

આ ઘટના અંગે બાદમાં ધારાસભ્ય હર્ષદ રીબડિયા સહિતના આગેવાનો વિસાવદર પોલીસ સ્ટેશને પહોંચી જઈ લુખ્ખા તત્વો સામે કડક કાર્યવાહીની માગ કરી હતી. એ જ સમયે ઘટનાના વિરોધમાં વિસાવદર શહેર અચોક્કસ મુદત માટે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. આ બંધના એલાનને ભાજપ, આમ આદમી પાર્ટી તથા ચેમ્બર ઓફ કોમર્સ સહિતના દરેક વેપારીઓએ સમર્થન આપ્યું હતું.

આ મામલે જૂનાગઢ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વિપુલ કાવાણીએ જણાવ્યું હતું કે, શહેરમાં લુખ્ખાઓનો હદબહારના આતંકને લીઘે વેપારીઓ થરથર ધ્રૂજે છે. ઘટનાના વિરોધમાં આજે બપોરે મોટી સંખ્યામાં વિસાવદર શહેરમાં તમામ વેપારીઓ, ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટીના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકોએ રેલી કાઢી પોલીસ સ્ટેશન પહોંચચ્‍યા હતા. જ્યાં પટાંગણમાં તમામે રામધૂન બોલાવી લુખ્ખાં તત્વોને જાહેરમાં સબક શિખવાડવામાં આવે, લુખ્‍ખાં તત્વો વિસાવદરને ફરીવાર બાનમાં ન લે એ માટે પોલીસતંત્ર ખાતરી આપે તથા વિસાવદરમાં કડક પોલીસ અધિકારીની તાત્કાલિક નિમણૂક કરવાની ભાજપના તથા વેપારી અગ્રણીઓએ માગણી કરી હતી.

પોલીસે ખાતરી આપી

લુખ્ખા તત્વોના આતંકના વિરોધમાં વિસાવદર સજ્જડ બંધ રહેતા ઘેરા પડઘા પડ્યા છે. ડીવાયએસપી દ્વારા આજે ધારાસભ્ય, રાજકીય આગેવાનો અને વેપારીઓ સાથે બેઠક યોજી હતી. પોલીસે ગુનેગારનો કાયદાનું ભાન કરાવી લુખ્ખાગીરી નેસ્તાનાબૂદ કરવાની ખાતરી આપી હતી.ત્રણથી ચાર આરોપીઓને રાઉન્ડ અપ કરી લેવાયની માહિતી આપવામા આવી હતી. ડીવાયએસપીની ખાતરી બાદ વેપારીઓએ પોતાના ધંધા રોજગાર શરૂ કર્યા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments