ગોવાબાપાઃ ચાબુક આ હાલ ગુજરાત વિધાનસભાનું જે બજેટ સત્ર ચાલી રહ્યું છે એમાં ઘણું નવું નવું જાણવા મળી રહ્યું છે હો. ઘણી એવી પણ વાતો બહાર આવી રહી છે જેનાથી વિકાસની વાતો કરતી સરકારે નીચું જોવાપણું થયું છે. આજે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય અનિલભાઈ જોષીયારાએ પૂછેલા પ્રશ્નના જવાબમાં સરકારે જે કબૂલાત કરી છે તેના પરથી તનેય ગુજરાત મોડેલ પર દયા આવશે ચાબુક.
ગુજરાત સરકારે વિધાનસભા ગૃહમાં સ્વીકાર્યું છે કે છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં 286 સરકારી પ્રાથમિક શાળાઓને ખંભાતી તાળા મારી દેવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ સરકારી શાળામાં ભણવા ન આવતા હોવાથી આ શાળાઓ બંધ કરી દીધી હોવાનું સરકારે કહ્યું છે. આ શાળાઓ બંધ થતાં 559 શિક્ષકો નવરા થઈ ગ્યા છે.
ચાબુક આ પરિસ્થિતિ ઉભી થવા પાછળનું કારણ છે કથળી રહેલી સરકારી શાળાની શિક્ષણ વ્યવસ્થા. ચાબુક જે સરકારી શાળામાં ભણીને હું અને તું પત્રકાર બની ગ્યા એ શાળાઓમાં હવે વાલીઓ પોતાના બાળકોને મોકલવા તૈયાર નથી. વાત વિચારવા જેવી છે હો ચાબુક.
ટી-શર્ટ મુદ્દે તડાફડી
આજે વિધાનસભા ગૃહમાં જોવા જેવી થઈ હો ચાબુક. કોંગ્રેસના એક ધારાસભ્ય ટી-શર્ટ પહેરીને આવ્યા અને બસ પછી શું અધ્યક્ષે બહાર કાઢી મૂક્યા. આ ધારાસભ્યનું નામ છે વિમલભાઈ ચુડાસમા. કોંગ્રેસના ધારાસભ્ય આજે વિધાનસભા ગૃહમાં ટી-શર્ટ પહેરીને આવ્યા. અધ્યક્ષને ખબર પડતાં તેમણે નિયમ મુજબ વિમલભાઈને બહાર કાઢી મૂક્યા.
આ મુદ્દે વિમલભાઈએ જે જે કહ્યું એ પણ સાંભળવા જેવું છે હો ચાબુક. વિમલભાઈએ કહ્યું કે, ‘શું ટી-શર્ટ પહેરવું તે ગુનો છે ? હું તો મારા વિધાનસભા મત વિસ્તારમાં પણ ટી-શર્ટ પહેરું છું. મારી પાસે આજ કપડાં છે એટલે હું ટી-શર્ટ જ પહેરું છું. અન્ય મંત્રીઓ ટી-શર્ટ પહેરે ત્યારે કોઈ ટકોર નથી કરતી કે નથી કોઈ પગલાં લેવાતા. ગૃહના નિયમો તમામ સદસ્યો માટે સરખા હોવા જોઈએ.’
ચાબુક વિધાનસભા અધ્યક્ષે જે કાર્યવાહી કરી છે તે નિયમ પ્રમાણે યોગ્ય જ છે. પરંતુ એકતરફી વલણ ન દાખવવું જોઈએ તેવું હું માનું છું. આ જ બજેટ સત્રમાં થોડા દિવસ પહેલાં તો મેં પણ એક મંત્રીને ટી-શર્ટ પહેરેલા જોયા હતા.
ફરી બજારો બંધ
નબળો ધણી બૈરી પર શૂરો એ કહેવત તો સાંભળી હશે ચાબુક. આ કહેવત આજના અમદાવાદ મહાનગરપાલિકાના નિર્ણયને બરાબર લાગુ પડે છે. કોરોનાના કેસ ફરી વધી રહ્યા છે. જેથી અમદાવાદ મહાનગરપાલિકાએ આજે નિર્ણય કર્યો છે કે અમદાવાદ શહેરના અલગ અલગ 8 વોર્ડમાં રાત્રિના 10 વાગ્યા પછી બજારો બંધ કરી દેવી. પાછી ધંધા-રોજગાર મેળવતા લોકોને હેરાનગતિ. આ જ અમદાવાદમાં આવેલા વિશ્વના મોટા સ્ટેડિયમમાં 1 લાખ લોકો મેચ જોવા ભેગા થાય છે ત્યાં AMC એક હરફ પણ ઉચ્ચારી શકતી નથી. સ્ટેડિયમમાં કોરોના ના ફેલાય અને બજારોમાં ફેલાય એવું AMCના સત્તાધિશો અને પદાધિકારીઓ માની રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- અમદાવાદમાં જિન્સ બનાવતી કંપનીમાં ટાંકીમાં ઉતરેલા ત્રણ યુવકોના મોત
- ધોરણ 10નું 83.08 ટકા પરિણામ જાહેર, બનાસકાંઠાએ મારી બાજી
- આતંકી મસૂદ અઝહરના પરિવારનો ખાત્મો, મસૂદે કહ્યું- હુમલામાં હું પણ મરી ગયો હોત તો સારું થાત
- ઓપરેશન સિંદૂરઃ પાકિસ્તાનમાં 9 સ્થળે એરસ્ટ્રાઈક, અનેક આતંકી માર્યા ગયાની આશંકા
- રાજકોટમાં ખોડલધામ યુવા પ્રિમિયર લીગ (KYPL)નો દબદબાભેર પ્રારંભ