Homeગુર્જર નગરી‘તમારા બૈરી, છોકરીઓ અમારા સમાજના ગરબામાં ન રમી શકે’, દલિત મહિલાઓને ગરબામાંથી...

‘તમારા બૈરી, છોકરીઓ અમારા સમાજના ગરબામાં ન રમી શકે’, દલિત મહિલાઓને ગરબામાંથી કાઢી મૂકતાં વિવાદ

Team Chabuk-Gujarat Desk: આ આદ્યશક્તિ જગદંબાની આરાધનાનો પર્વ ચાલી રહ્યો છે. રાજ્યમાં શેરીઓ અને મહોલ્લામાં નવરાત્રિના આયોજનો થયા છે. ત્યારે માતાજીની આરાધનાના આ પર્વમાં ગુજરાતમાં જ્ઞાતિ-જાતિના ભેદભાવનો બનાવ સામે આવ્યો છે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પીલોલ ગામે માતાજીના મંદિરના ચોકમાં યોજાતા સાર્વજનિક ગરબા મહોત્સવમાં દલિત સમાજની મહિલા સહિત બે વ્યક્તિને ચાલુ ગરબીમાંથી બહાર કાઢી મૂકવામાં આવતા વિવાદ વકર્યો છે. આ મામલે પોલીસે ગરબા નહીં રમવા દેનાર બે મહિલા સહિત પાંચ લોકો સામે ગુનો નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે.

બનાવની વિગતે વાત કરીએ તો સાવલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે સાવલીના પીલોલ ગામે રહેતા અને અલિન્દ્રા ખાતેની એક ખાનગી કંપનીમાં નોકરી કરતાં વિનોદભાઈ મોહનભાઈ રાત્રે ઘરે હતા તે સમયે 10 વાગ્યાની આસપાસ તેમના કાકાના પુત્ર યોગેશ રાજેન્દ્રભાઈની પત્ની પદ્માબહેન અને તેમની 11 વર્ષની ભત્રીજી તૃપ્તિ ગામમાં યોજાતી સાર્વજનિક ગરબીમાં રમવા ગયા હતા. થોડા સમય બાદ વિનોદભાઈ પણ ગરબા જોવા માટે ચોકમાં ગયા હતા. આ દરમિયાન પદ્માબહેન અને તેમની ભત્રીજી તૃપ્તીએ ગરબાનો એક ચક્કર માર્યા બાદ તેઓની આગળ ગરબા રમી રહેલા તારાબેન પરમારે બન્નેને જાતિ વિરુદ્ધના અપશબ્દો કહીને ગરબામાંથી બહાર કાઢી મૂક્યા હતા અને કહ્યું હતું કે, તમારાથી અમારા સમાજના ગરબામાં રમી શકાય નહીં.

advertisement-1

ગરબામાંથી કાઢી મૂકતાં પદ્માબહેન અને તૃપ્તિ રડતાં રડતાં વિનોદભાઈ પાસે આવીને ફરિયાદ કરી હતી. વિનોદભાઈ ગામના ચોકમાં હાજર ગામના સરપંચને બુમ પાડીને આ અંગેની ફરિયાદ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતું સ્પીકર ચાલુ હોવાથી સરપંચ વિનોદભાઈનો અવાજ સાંભળી શક્યા ન હતા. આ દરમિયાન ગામના રહેવાસી છત્રસિંહ પરમા, મુકેશ પરમાર અને લાલજી પરમારે વિનોદભાઈને અપશબ્દો બોલવાનું શરૂ કરી દીધું હતું. વિનોદભાઈએ ત્રણેયને અપશબ્દો ન બોલવા કહ્યું હતું પરંતુ ત્રણેયે વધુ ઉશ્કેરાઈ જઈને વિનોદભાઈને કહ્યું હતું કે, તમારા બૈરી, છોકરીઓથી અમારા સમાજની ગરબીમાં રમી શકાય નહીં. આમ કહીને આ બાબતે ઝઘડો કર્યો હતો.

દરમિયાન વિનોદભાઈ, પદ્માબહેન અને તૃપ્તીને લઈ ઘરે જતા રહ્યા હતા અને ગરબામાં બનેલા બનાવની જાણ પદ્માબહેનના પતિ યોગેશભાઈને કરી હતી. તે બાદ વિનોદભાઈ, તેમનો ભાઇ મિતેષ તેની પત્ની ભારતીબહેન અને યોગેશ તથા તેની પત્ની પદ્માબહેનને લઈ પોલીસ મથકમાં પહોંચ્યા હતા અને સાવલી પોલીસ મથકમાં પહોંચી ફરિયાદ નોંધાવી હતી. સાવલી પોલીસે ગુનો નોંધી આ મામલાની તાપસ શરૂ કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments