Homeગુર્જર નગરીગુજરાતમાં કોરોનાના આ આંકડા ચિંતા વધારી શકે છે

ગુજરાતમાં કોરોનાના આ આંકડા ચિંતા વધારી શકે છે

Team Chabuk-Gujarat Desk: એપ્રિલ મહિનામાં ગુજરાતમાં કોરોના વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. ઝડપથી વધી રહેલા કોરોનાના કેસથી ગુજરાત હાઈકોર્ટનેે પણ રાજ્ય સરકારને ટકોર કરવી પડી છે. હાઈકોર્ટની ટકોરના પરિણામે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 20 શહેરમાં રાતના 8 થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાદી દીધું છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી જે કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે તે ચિંતાજનક છે. કેમ કે દૈનિક નવા કેસની સરખામણીએ ડિસ્ચાર્જ થનાર દર્દીઓની સંખ્યા ઘટી રહી છે.

કોરોનાની આ બીજી લહેર ઘાતક સાબિત થઈ રહી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. દૈનિક નોંધાતા કોરોનાના નવા કેસ અને સાજા થનારા દર્દીઓની સંખ્યા વચ્ચે મોટો તફાવત જોવા મળી રહ્યો છે. એક્ટિવ કેસ વધવાથી હોસ્પિટલો પણ હાઉસફુલ થઈ રહી છે. ઓક્સિજનની પણ અછત વર્તાઈ રહી છે. એક્ટિવ કેસ વધવાના કારણે ઘણી ખાનગી હોસ્પિટલોને ફરીથી શરૂ કરવાની ફરજ પડી છે. છેલ્લા 5 દિવસમાં જ કોરોનાના એક્ટિવ કેસમાં 4422 દર્દીનો ઉછાળો નોંધાયો છે.

આ ગતિથી વધી રહ્યા છે એક્ટિવ કેસ

તારીખનોંધાયેલા કેસડિસ્ચાર્જ દર્દીની સંખ્યાતફાવત
2 એપ્રિલ26402066575
3 એપ્રિલ28152063752
4 એપ્રિલ28752024851
5 એપ્રિલ316020281132
6 એપ્રિલ328021671113

આમ દિવસે દિવસે એક્ટિવ કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. સરકારી ચોપડે છેલ્લા 5 દિવસમાં કોરોનાના 14,770 કોરોનાના નવા દર્દીઓ નોંધાયા છે. જ્યારે સામે આ 5 દિવસમાં 10,348 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જેથી 4422 એક્ટિવ કેસનો ઉમેરો થયો છે. છેલ્લા 5 દિવસમાં ડિસ્ચાર્જ થનાર દર્દીઓની સંખ્યા દૈનિક 2 હજારની આસપાસ રહેવા પામી છે. જ્યારે દૈનિક નોંધાતા નવા કેસની સંખ્યા 2600 થી 3200ને પાર પહોંચી ગઈ છે. આમ નવા કેસ વધુ આવી રહ્યા છે જ્યારે ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા સ્થિર જ છે.

ક્યાં જિલ્લામાં કેટલા એક્ટિવ કેસ

જિલ્લોએક્ટિવ કેસની સંખ્યા
સુરત4037
અમદાવાદ2940
વડોદરા2617
રાજકોટ1869
ભાવનગર640
ગાંધીનગર506
જામનગર500
મહેસાણા420
પાટણ406
મહિસાગર334
કચ્છ291
મોરબી270
અમરેલી230
ભરૂચ226
દાહોદ210
પંચમહાલ187
આણંદ181
વલસાડ155
જૂનાગઢ148
ખેડા140
સુરેન્દ્રનગર138
સાબરકાંઠા129
દેવભૂમિ દ્વારકા124
નર્મદા107

રાજ્યમાં સૌથી વધુ એક્ટિવ કેસ સુરત જિલ્લામાં છે. ત્યારબાદ અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ એક્ટિવ કેસ છે. મોટા શહેરો ઉપરાંત નાના સેન્ટરોમાં પણ એક્ટિવ કેસમાં વધારો જોવા મળ્યો છે જેથી સ્થાનિક સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બેડ ફુલ થઈ રહ્યા છે. ઘણા નાના શહેરોમાં કોવિડ હોસ્પિટલોમાં બેડ ફુલ થઈ જતાં દર્દીઓને નજીકના મોટા શહેરોમાં ખસેડવામાં આવી રહ્યા છે.

6 એપ્રિલ સુધીના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 17,348 એક્ટિવ કેસ છે. જેમાંથી 171 દર્દી વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યા છે જ્યારે 17,177 લોકોની હાલત સ્થિર છે. અત્યાર સુધી રાજ્યમાં કોરોનાથી 4598 લોકોના મોત થયાનું સરકારી ચોપડે નોંધાયું છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 93.24 ટકા જેટલો છે.

9 જિલ્લામાં 100થી ઓછા એક્ટિવ કેસ

અમુક જિલ્લામાં સ્થિતિ કાબૂમાં હોય તેવું જણાઈ રહ્યું છે. રાજ્યમાં 9 જિલ્લા એવા છે જ્યાં 100થી ઓછા કોરોનાના એક્ટિવ કેસ છે. હાલ રાજ્યમાં સૌથી ઓછા કોરોનાના એક્ટિવ કેસ પોરબંદર જિલ્લામાં છે. પોરબંદર જિલ્લામાં હાલ માત્ર 4 દર્દી જ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. 6 એપ્રિલની સ્થિતિએ 100થી ઓછા એક્ટિવ કેસ ધરાવતા જિલ્લા નીચે મુજબ છે.

જિલ્લોએક્ટિવ કેસની સંખ્યા
પોરબંદર04
ડાંગ48
બોટાદ50
અરવલ્લી56
છોટાઉદેપુર62
તાપી63
ગીર સોમનાથ73
બનાસકાંઠા93
નવસારી94

જો આગામી સમયમાં એક્ટિવ કેસ આ ગતિથી વધતા રહેશે તો તંત્રની પણ ચિંતા વધી જશે. હોસ્પિટલમાં બેડની સંખ્યા પણ સરકારે વધારવાની નોબત આવી શકે છે. સાથે જ ઓક્સિજનની સપ્લાય પણ વધારવી પડશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments