ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ છે. રાજ્યમાં છેલ્લા અઠવાડિયાથી રોજ 1500થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. કેસ વધતા તંત્રની ચિંતા વધી છે અને ફરી કડક કાર્યવાહી શરૂ કરી છે. રાજ્યમાં ફરી દુકાનો સીલ થઈ રહી છે. લોકોને અધધ દંડ ફટકારાઈ રહ્યો છે. ત્યારે સવાલ થાય છે કે શું દુકાનો સીલ મારવી જ એક ઉપાય છે ? એક દુકાનો સીલ મરાતા સંચાલકોને જે નુકસાની વેઠવી પડે છે તેનું શું ?
બીજી તરફ સરકાર પણ શું કરે ? કોરોનાને ભીડ પસંદ છે અને આ ભીડ થતી સરકારે રોકવાની છે. બીજો ઉપાય શું ? એટલે જ સરકાર સખ્તી અપનાવી રહી છે. દંડના નિયમો આકરા બનાવ્યા છે. જે દુકાને ભીડ થાય છે તેને સીલ કરી દેવામાં આવે છે.
ભીડ થતી રોકવા માટે શું થઈ શકે ?
જ્યારે કોરોનાનું આગમન થયું હતું ત્યારે લોકો નવું નવું શીખી રહ્યા હતા. કોરોનાએ જ આપણને નવો શબ્દ આપ્યો છે. સામાજિક અંતર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અનેકવાર કહી ચુક્યા છે કે કોરોનાથી બચવું છે તો દો ગજ કી દુરી બહુત જરૂરી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ કહ્યું છે કે કોરોનાને રોકવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે, કરવું પડશે અને કરવું જ પડશે.
કોરોના શબ્દ નવો-નવો હતો ત્યારે આપણે તેના વિશે કશું જ ન હતા જાણતા. ધીમે ધીમે તેના પર સંશોધનો થયા અને આપણે વાયરસ કઈ રીતે ફેલાય છે તે જાણી શક્યા. હજુ વાયરસ પર નવા-નવા સંશોધનો શરૂ જ છે. પણ એક વાત નક્કી છે કે, વાયરસ માણસથી માણસમાં ફેલાય છે. તો પછી
જનતા શા માટે બેદરકાર બની રહી છે ?
શું આપણે દુકાનો પર જઈએ તો સામાજિક અંતર ન જાળવી શકીએ ? અત્યારે સ્થિતિ એવી છે કે, આપણા થકી જેનો ધંધો ચાલી રહ્યો છે તેને આપણે જ બંધ કરાવી રહ્યા છીએ. શું દુકાનો પર આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ ન રાખી શકીએ ?
આ કામ આપણે ભૂલી ગયા
શરૂઆતમાં આપણે તાયફા કર્યા. બેંક, દુકાનો કે અન્ય જગ્યા જ્યા ભીડ થતી હતી ત્યાં રાઉન્ડ બનાવ્યા. એક બીજાથી દુરી રાખતા શીખ્યા અને અત્યારે ભૂલી પણ ગયા !
સંક્રમણ ક્યાં વધારે ?
રાજ્યમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ. આ મુખ્ય ચાર શહેરોમાં કેસ વધી રહ્યા છે. અમદાવાદ ફરી એકવાર હોટસ્પોટ બનવા તરફ ગતિ કરી રહ્યું છે. વડોદરામાં પણ ફરી સંક્રમણનું જોખમ વધ્યું છે. આવામાં સરકાર પણ શું કરે ? સરકાર જો છૂટ આપશે તો દિવાળીનો માહોલ આપણે જોયો જ છે. એનુ પરિણામ જ આપણે અત્યારે ચુકવી રહ્યા છીએ.
જવાબદાર બનવું પડશે
કોરોનાને રોકવા માટે દેશના દરેક નાગરિકે જવાબદાર બનવું પડશે. જો તે નેતા હોય તો પણ ભલે અને અભિનેતા હોય તો પણ ભલે. કોરોના કોઈની ફઈનો સુપુત્ર નથી થતો. આ વાત દુનિયાનો દરેક નાગરિક જાણે છે. તો પછી બેદરકારી કેમ ? આપણે શા માટે જવાબદારી નથી સ્વીકારતા ? કેટલાક લોકો સ્વયંભૂ લોકડાઉન પાળી રહ્યા છે સારી વાત છે. પરંતુ લૉકડાઉન ક્યારે પાળવું પડે છે ?
જ્યારે કેસ વધી જાય ત્યારે ને. તો લોકડાઉન કરતા સારો ઉપાય છે નિયમોનું પાલન કરીએ. દરેક વ્યક્તિ સામાજિક અંતર વત્તા માસ્ક. જો આ બે નિયમોનું પાલન કરશો તો ન તો સરકારે કોઈને દંડ ફટકારવાની જરૂર છે ન તો કોઈ દુકાન સીલ કરવાની.
ચાબુક સાથે સંકલ્પ લો
હું મારા પરિવાર, મારા પાડોશી, મારા ગામ, મારા શહેર, મારા રાજ્ય, મારા દેશ અને વિશ્વના તમામ નાગરિકો માટે સંકલ્પ લઉ છુ કે, હું ચુસ્તપણે નિયમોનું પાલન કરીશ. સામાજિક અંતર રાખીશ અને માસ્ક વગર ઘરની બહાર નહીં નીકળુ.
તાજેતરમાં આ લોકોના પેટ પર પાટું પડી
વડોદરા
બે દિવસમાં કુલ 75 દુકાનોને સીલ મારી દેવાયા.
અમદાવાદ
એસ.જી.હાઈવે પર આવેલી દુકાનો પર તંત્રએ તવાઈ બોલાવી ક્રોમા, ગોતાના જય ભવાની વડાપાઉંને સીલ મારી દેવાયું ખુશી મોબાઇલ શોપને બંધ કરાવી દેવામાં આવી
તાજેતાજો ઘાણવો
- 5 દિવસમાં આધારકાર્ડ અપડેટ કરાવી લેજો નહીં તો ચુકવવી પડશે ફી
- રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં આ ત્રણ રીતે કરાવી શકશે KYC, જાણો પ્રક્રિયા
- સરકારી નોકરીયાતોને ઘી-કેળા ! આ તારીખથી વધી શકે છે મોંઘવારી ભથ્થુ
- ભરૂચઃ સાપે ડંખ માર્યો તો ભૂવા પાસે લઈ ગયા, ભૂવાએ તાંત્રિકવિધી કરી, બાળકનું મોત
- આધારકાર્ડમાં સરનામું અપડેટ કરાવવા નથી કોઈ દસ્તાવેજની જરૂર, આ છે પ્રક્રિયા