Homeસાહિત્યવાર્તાવિશ્વ : ગુલઝારની ધુમાડો

વાર્તાવિશ્વ : ગુલઝારની ધુમાડો

લેખક – ગુલઝાર
અનુવાદક – Team Chabuk
મૂળ ભાષા – હિન્દી
મૂળ શીર્ષક – धुआँ
વાર્તાસંગ્રહ – રાવી પાર

વાતનો ભડકો તો અતિશય ધીમેથી થયો હતો. પણ જોતજોતામાં તો સમગ્ર પંથકમાં ધુમાડો ફેલાઈ ગયો. ચૌધરીનું નિધન મળસ્કે ચાર વાગ્યે થયું હતું. ભળભાંખળા સુધીમાં તો ચૌધરાણીએ છાતી કૂટી કૂટીને ખૂદને સંભાળી અને સૌથી પહેલા મુલ્લા ખેરુદ્દીનને બોલાવવા કહેણ મોકલતા નોકરને કડક શબ્દોમાં કહી દીધું કે, કોઈ વાતનો ઉલ્લેખ ન કરે.

નોકર મુલ્લાને પરસાળમાં એકલો છોડીને ચાલ્યો ગયો તો ચૌધરાણી મુલ્લાને પોતાના શયનકક્ષમાં લઈ ગઈ. જ્યાં ચૌધરીની લાશ ખાટલા પરથી ઉતારીને જમીન પર રાખી દીધી. બે સફેદ ચાદરોની વચ્ચે પડેલો એક અમીર ધવલવર્ણી ચહેરો, સફેદ નેણ, દાઢી અને લાંબા સફેદ વાળ. ચૌધરીનો ચહેરો તેજસ્વી લાગી રહ્યો હતો.

મુલ્લાએ જોતા જ, ‘એન્નલ્લાહે વ ઈના અલેહે રાબેઉન’ વાંચ્યું.

કેટલાક વાક્યો ગણગણ્યો. હજુ તો ઠીકથી બેઠક પણ નહોતી જમાવી ત્યાં ચૌધરાણી કબાટમાંથી વસિયતનામું કાઢીને લાવી. મુલ્લાને દેખાડ્યું પણ અને વંચાવ્યું પણ. ચૌધરીની છેલ્લી ઈચ્છા હતી કે તેને દફન કરવાની જગ્યાએ ચિતા પર રાખવામાં આવે, અગ્નિદાહ દેવામાં આવે અને તેની રાખને નદીમાં પધરાવી દેવામાં આવે જેનાથી તેની જમીન સિંચાઈ છે.

મુલ્લા વાંચીને મૂંઢ જેવો થઈ ગયો. ચૌધરીએ ગામડામાં ગરીબો માટે ખૂબ કામ કર્યા હતા. હિન્દુ-મુસલમાનને એક સરખું દાન આપતા હતા. ગામડાની કાચી મસ્જિદને પાકી કરાવી દીધી હતી. એટલું જ નહીં ગામડામાં હિન્દુઓના સ્મશાનની ઈમારતને પણ ચણાવી નવી નક્કોર કરી દીધી હતી.

હવે કેટલાય વર્ષોથી બીમાર પડ્યા હતા. આ બીમારી દરમ્યાન પણ દરેક રમજાન ઉપર ગરીબો-દરિદ્રો માટે ઈફ્તારીની વ્યવસ્થા મસ્જિદમાં તેમના તરફથી જ થતી હતી. એરિયાના મુસ્લિમો મોટા ભક્ત હતા એમના. તેમની ખાસ્સી પ્રશંસા થતી હતી. અને હવે વસિયત વાંચ્યા પછી મુલ્લા તો હેરાન જ થઈ ગયા કે ક્યાંક હોબાળો ન થઈ જાય. આજ-કાલ તો આમ પણ દેશની હવા ખરાબ થઈ ગઈ હતી. હિન્દુ કંઈક વધારે જ હિન્દુ થઈ ગયા હતા અને મુસ્લિમ કંઈક વધારે જ મુસ્લિમ!!

ચૌધરાણીએ કહ્યું, ‘હું કોઈ પાઠ-પૂજા કરાવવા નથી માગતી. બસ એટલું જ ઈચ્છું છું કે સ્મશાનમાં તેમને અગ્નિદાહ આપવાની તૈયારી કરી દો. હું રામચંદ્ર પંડિતને પણ કહી શકતી હતી, પણ એટલે ન બોલાવ્યા કે મામલો ક્યાંક હાથમાંથી સરકી ન જાય. બગડી ન જાય.’

વાત તો કહેવાથી જ બગડી ગઈ જ્યારે મુલ્લા ખેરુદ્દીને ચર્ચા માટે પંડિત રામચંદ્રને બોલાવ્યા અને સમજાવ્યું કે, ‘તું ચૌધરીને તારા સ્મશાનમાં અગ્નિદાહ દેવાની પરવાનગી ન દેતો બાકી થઈ શકે કે, એરિયાના મુસ્લિમો માથાકૂટ ઊભી કરી દે. આમેય ચૌધરી કંઈ સામાન્ય માણસ તો હતો નહીં., ઘણા લોકો ઘણી રીતે તેની સાથે જોડાયેલા હતા.’

પંડિત રામચંદ્રજીએ પણ વિશ્વાસ અપાવ્યો કે એ કોઈ પણ પ્રકારની ઊંચનીચ પોતાના વિસ્તારમાં નથી ઈચ્છતા. આ પહેલા કે વાત ફેલાય જાય, એ પણ પોતાની રીતે જ મોટા માથાઓને સમજાવી દેશે.

વાત હવે સળગી ગઈ હતી એટલે ધીમે ધીમે અગ્નિ પ્રજવલ્લિત થવા લાગી.

‘સવાલ ચૌધરી અને ચૌધરાણીનો નથી, સવાલ માન્યતા અને ધર્મનો છે. તમામ જાતિ, તમામ સમાજ અને ધર્મનો છે. ચૌધરાણીની હિંમત કેવી રીતે થઈ કે તે પોતાના ધણીને કબરમાં દફન કરવાની જગ્યાએ અગ્નિદાહ માટે તૈયાર થઈ ગઈ. ઈસ્લામના કાયદા-કાનૂન એ નથી જાણતી?’

કેટલાક લોકો ચૌધરાણીને મળવાની હઠ પર ઉતરી આવ્યા. ચૌધરાણીએ ખૂબ જ નરમાશથી કહ્યું, ‘ભાઈઓ! આ એમની છેલ્લી ઈચ્છા હતી. માટી જ તો છે. હવે સળગાવી દો કે દફન કરી દો, અગ્નિદાહ દેવાથી તેમની આત્માને સાંત્વના મળે તો તમને નારાજગી થોડી હોઈ શકે?’

એક સાહેબ તો આવેશમાં આવી ગયા.

બોલી પડ્યા, ‘એમનો ભડકો કરીને શું તમને સાંત્વના મળશે?’

‘બિલકુલ હા.’ ચૌધરાણીનો જવાબ સંક્ષિપ્તમાં હતો.

‘તેમની અંતિમ ઈચ્છાને પૂરી કરવામાં જ મારી આત્માને શાંતિ મળશે.’

દિવસ ચઢતા-ચઢતા તો ચૌધરાણીના ઉચાટમાં વધારો થઈ ગયો. જે વાતને તે હેમખેમ આટોપવા માગતી હતી તેણે હવે તોફાનનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ચૌધરી સાહેબની આ ઈચ્છાના પૂર્વાર્ધમાં કોઈ વાર્તાનો પ્લોટ કે રહસ્યની વાત નહોતી. કોઈ એવો તર્ક પણ નહોતો કે ધર્મ કે આસ્થાની સાથે જોડાઈ જાય. એક સીધી લીટીમાં ઈચ્છા હતી કે મૃત્યુ પામ્યા પછી મારું કોઈ નામ કે નિશાન ન રહે.

‘જ્યારે છઉં તો છું, જ્યારે નથી તો ક્યાંય પણ નથી.’

વર્ષો પહેલા આ વાત પત્ની સાથે થઈ હતી. પણ જીવતા હોઈએ ત્યારે ક્યાં કોઈ આવી વાતોમાં પડવાનું વિચારે છે. અને આ વાત… એ ઈચ્છાની પૂર્તિ કરવી… એ હવે ચૌધરાણીના પ્રેમ અને વિશ્વાસનું પ્રમાણ હતું. એવું થોડું હોય કે માણસ આંખની સામેથી અદૃશ્ય થઈ ગયો અને તમે તમામ જવાબદારીઓ ભૂલી ગયા.

ચૌધરાણીએ એક વખત વીરુને કહેવડાવીને રામચંદ્ર પંડિતને પણ બોલાવવાનો પ્રયત્ન કર્યો હતો. પણ પંડિત તો મળ્યો જ નહીં. તેના ચોકીદારે કહ્યું, ‘જો ભાઈ, અમે સળગાવ્યા પછી મંત્ર વાંચીને ચૌધરીને ટીલુ તો અચૂક કરીશું.’

‘અરે ભાઈ જે મરી જ ગયો એનો ધર્મ કેવી રીતે બદલશો?’

‘તું હવે વધારે બકબક તો કરતો જ નહીં. એ થઈ જ ન શકે કે ગીતાના શ્લોક વાંચ્યા વગર અમે કોઈને મુખાગ્નિ આપીએ. આવું ન કરીએ તો આત્મા આપણને સૌને હેરાન કરશે. તનેય અને અમનેય. ચૌધરી સાહેબના તો અમારા પર અખૂટ ઉપકાર છે. અમે એની આત્મા સાથે આવું ન કરી શકીએ.’

વીરુ પાછો ફરી ગયો.

વીરુ જ્યારે પંડિતના ઘરમાંથી નીકળી રહ્યો હતો ત્યારે પન્નાએ તેને જોઈ લીધો. પન્નાએ જઈને આ વાતની મસ્જિદમાં જાણ કરી દીધી.

અગ્નિ હવે રૂંધાઈ રૂંધાઈને ઠંડી થવા લાગી હતી, ત્યાં ફરી ભડકી ઉઠી. ચાર-પાંચ મુસ્લિમોએ તો નિર્ણય પણ કરી લીધો. એમના પર ચૌધરીના ઉપકાર અગણિત હતા. એ એમની આત્માને ભટકવા ન દે. મસ્જિદની પાછળના ભાગમાં કબર ખોદવાનો આદેશ આપી દેવામાં આવ્યો.

સંધ્યા ટાણું થતાં થતાં તો કેટલાક લોકો પાછા હવેલી પર આવી ગયા. એમણે નક્કી કરી લીધું હતું કે ચૌધરાણીને ડરાવી ધમકાવી, ચૌધરીનું વસિયતનામું તેની પાસેથી ઝૂંટવી લઈએ અને સળગાવી નાખીએ. અરે જ્યારે વસિયતનામું જ નહીં રહે તો ડોસલી શું ઉખાડી લેવાની.

ચૌધરાણીએ આ વાત સુંઘી લીધી હતી. વસિયતનામું તો એણે ક્યાંક સંતાડી દીધું હતું અને જ્યારે લોકોએ જબરદસ્તી ડરાવવા અને ધમકાવવાની શરૂઆત કરી તો તેણે કહી દીધું, ‘મુલ્લા ખેરુદ્દીનને જ પૂછી લ્યો, એણે વસિયત જોઈ છે ને આખી વાંચી છે.’

‘અને એ ના પાડી દે તો ?’

‘કુરાન શરીફ પર હાથ રાખીને ના પાડી દે તો દેખાડી દઈશ, બાકી….’

‘બાકી શું?’

‘બાકી કોર્ટમાં જોઈ લઈશું.’

ખબર પડી ગઈ કે વાત તો કોર્ટ કચેરી સુધી પણ જઈ શકે છે. થઈ શકે કે ચૌધરાણી શહેરમાંથી પોતાના વકીલ અને પોલીસને બોલાવી લે. પોલીસને બોલાવીને તેમની હાજરીમાં પોતાની મનમાની કરી લે. અને શુંયે ખબર કે અત્યાર સુધીમાં તે એમને બોલાવી પણ ચૂકી હોય. બાકી શોહરની લાશને બરફની પાટ પર રાખીને કોઈ કેવી રીતે આટલી ગંભીરતાથી પોતાની વાત મૂકી શકે.

રાતના સમયે સમાચારો અફવાઓની ઝડપથી ઉડે છે.

કોઈએ કહ્યું – ઘોડા પર બેઠેલો એક અસવાર હમણાં હમણાં શહેર તરફ જતા જોયો છે. અસવારે મોઢું અને માથું બંને સાફાથી ઢાંકીને રાખ્યું હતું અને એ ચૌધરીની હવેલીથી જ આવી રહ્યો હતો.

એકે તો ચૌધરીને તબેલામાંથી કાઢતા પણ જોયો હતો.

ખાદુનું તો કહેવું હતું કે – તેણે હવેલીની પાછળના મેદાનમાં ફક્ત છોકરીઓ કાપવાના જ અવાજો નથી સાંભળ્યા, પણ ઝાડવા પડતા પણ જોયા છે.

ચૌધરાણી નક્કી પાછળના મેદાનમાં ચિતા સળગાવવાની તૈયારી કરી રહી છે. કલ્લુનું લોહી ઉકળવા લાગ્યું.

‘બીકણના પેટનાવ – આજ રાતે એક મુસલમાનને અગ્નિદાહ દેવામાં આવશે અને તમે અહીં બેઠક જમાવીને આગનો ધૂમાડો ઉડતો જોશો.’

કલ્લુ પોતાના નિવાસસ્થાનથી બહાર નીકળ્યો. ખૂન કરવું એ એનો ધંધો છે તો શું થયું ? ઈમાનદારી પણ એક વસ્તુ હોય છે.

‘ઈમાનથી વધારે તો માં પણ નથી હોતી મિત્રો.’

ચાર-પાંચ લોકોને લઈને કલ્લુ પાછળની દિવાલ પરથી હવેલી પર ચડી ગયો. ડોસી એકલી હતી, લાશની પાસે. એ જોઈને ડઘાઈ જાય એ પહેલા જ કલ્લુની કુહાડી માથા પરથી પસાર થઈ ગઈ.

ચૌધરીની લાશને ઉઠાવી અને મસ્જિદના પાછળના ભાગમાં લઈ ગયા. જ્યાં તેની કબર તૈયાર હતી. જતા જતા રમજે પૂછ્યું, ‘સવારના પહોરમાં ચૌધરાણીની લાશ મળશે તો શું થશે?’

‘ડોસલી મરી ગઈ કે શું?’

‘માથું તો ફાટી જ ગયું હતું, સવાર સુધીમાં શું બચશે?’

કલ્લુ ઊભો રહ્યો અને ઉડતી નજરે ચૌધરાણીના શયનકક્ષની બાજુ જોયું. પન્ના કલ્લુના અંતરમનની વાત સમજી ગયો.

‘તું ચાલ તારું હ્રદય શું વિચારે છે એ હું જાણું છું. બધી તૈયારીઓ થઈ જશે.’

કલ્લુ નીકળી ગયો, કબ્રસ્તાનની બાજુ.

રાતના જ્યારે ચૌધરીના શયનખંડમાંથી આકાશને આંબતી આગની લપટો ઊઠી રહી હતી તો આખો પંથક ધુમાડાઓથી ભરાઈ ગયો હતો.

જીવતા સળગી ગયા હતા.

મરેલા દફન થઈ ગયા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments