કૃષિ પત્રકાર અશોક સરિયા : ખેતીની વર્તમાન સ્થિતિને જોઇએ તો મોટા ભાગના ખેડૂતોનું રટણ એવું જોવા મળે છે કે હાલમાં ખેતીમાં ખર્ચાઓ વિપુલ માત્રામાં વધ્યા છે. ખેતપેદાશોના ભાવો પુરતા મળતા નથી. સરવાળે નફાનું સ્તર ઘણું જ નીચું ગયું છે. તો આ સમસ્યાનું સમાધાન શું હોઇ શકે ?
સૌ પ્રથમ તો સમસ્યાઓ અને સવાલો વિશે વાત કરીએ તો ખેડૂત પોતે ખેતી પ્રત્યે જેટલો જાગૃત અને માહિતગાર હોવો જોઇએ એટલો છે નહીં. ખેડૂત પોતે જે પાકની ખેતી કરે છે એ પાક વિશેની સંપુર્ણ જાણકારી તેની પાસે હોવી જોઇએ. તેના બીજની પસંદગી, તેની વાવણીની સાચી રીત, તેના ઉછેર માટેની જરૂરી કામગીરી, તેના રક્ષણ માટેના ઉપાયો, તેની લણણી કે કાપણી માટેની રીત અને તેને માર્કેટમાં વેચાણ માટે લઇ જાય એ પહેલાં તેને માર્કેટમાં સારા ભાવો મળી રહે એ રીતે તૈયાર કરવા સુધીનું જ્ઞાન તેની પાસે હવું અનિવાર્ય છે.
હાલના ખેતીને ખોટ કરતી દર્શાવતા ખેડૂતોની સ્થિતિ એવી છે કે ખેતીને લગતી આનુંસંગીક બાબતો માટે તે બીજા પર આધાર રાખતો થયો છે. સામાન્ય ખેડૂત પોતાની ખેતી માટે બીયારણ, દવા, ખાતર બાબતે એગ્રોની દુકાનવાળા જે સલાહ આપે તેના ઉપર આધાર રાખે છે. જ્યારે કે વાસ્તવિકતા એ છે કે આવી એગ્રોની દુકાનો ચલાવતા લોકોમાંથી બહુ જ ઓછા લોકો ખેતીના નિષ્ણાંત હોય છે કે જેની પાસે ખેતીને લગતી યોગ્ય માહિતી ઉપલબ્ધ હોય.
આવા લોકો તેને ત્યાં આવતા દવા, બીયારણની કે ખાતરની કંપનીઓના પ્રતિનિધિઓ જે માહિતી આપીને પોતાની પ્રોડક્ટ વધુ વેચાય એવા લક્ષ્ય મટે લોભામણી વાતોનો સહારો લેતા હોય છે, જેને પછીથી એગ્રોવાળા એ જ બાબત ખેડૂતોને સમજાવીને એ બીયારણ, દવા કે ખાતરનું વેચાણ કરી દેતા હોય છે. અને આ બાબતોથી ખેડૂતોને ફાયદો થાય કે ન થાય પરંતુ એ દુકાનદાર અને બિયારણ, દવા, ખાતરનું ઉત્પાદન કરનાર કંપનીને તેનો ફાયદો અચુક મળી જાય છે.
ખેતી બાબતે તો ખેડૂતે પોતે જવાબદાર બનવાની તાતી જરૂર છે. ખેડૂતને પોતાની જમીનની પૂરી ખબર હોવી જોઇએ. તેની જમીન કેટલી કસવાળી છે. તેમાં કયા કયા પોષક તત્વોની ઉપણ છે કે તેમાં કયા કયા તત્વો ઉમેરવાની જરૂર છે. બીજી બાબત એ કે તેના ખેતરમાં કયા રોગનો મારો છે અને એ માટે કયા ઉપાયો કરવા જોઇએ તેનું પણ જ્ઞાન અને ભાન હોવું ઘટે.
આ માટે તે કૃષિ યુનિવર્સિટીઓના સંશોધનોનો અભ્યાસ કરે કે સરકાર દ્વારા ચલાવાતી નિઃશુલ્ક ટેલીફોન હેલ્પલાઇન દ્વારા કૃષિ નિષ્ણાંતો પાસેથી માહિતી મેળવી શકે છે. તો કૃષિને લગતા વિવિધ સામયિકોમાં પણ ઉપયોગી માહિતી મળી રહે છે. અને એ મુજબ પોતાના ખેતરને યોગ્ય હોય એવા જ ઉપાયો કરવા એ ખેડૂત માટે હિતાવહ છે. આંધળુકિયા અનુકરણ કરવું એ તથ્ય વિનાની વાત છે. ખેતરમાં દવા ખાતર વધુ આપવાની જરૂર નથી પણ યોગ્ય એવું અને એટલુ જ આપવાની જરૂર છે.
હાલમાં ખેડૂતો પોતાની ખેતીના કામો અન્ય લોકો પાસે કરાવવા માટે કટિબધ્ધ થયા છે જેણે તેની કમર તોડી પાડી છે. ખેતીના કામો માટે મજુરો રાખે છે. ઘણી વાર એવા કામો પણ હોય છે કે તેને ખેડૂત પોતે પણ કરી શકતો હોય છે છતાં પણ તે મજુરો પાસે કરાવીને ખોટા ખર્ચા વધારતા હોય છે. તો ઘણી વાર અન્ય ખેડૂતો કરતા હોય તે કામો જરૂર હોય કે ન હોય પણ પાડોશી ખેડૂતનું આંધળુ અનુકરણ કરવાથી પણ ખર્ચ વધતો હોય છે. ખાસ કરીને દવાના છંટકાવ, પૂર્તિ ખાતરો અને પીયત બાબતે આવું વધુ થતું હોય છે.
જરૂરી કામો અન્ય લોકો પાસે કરાવવા અને જરૂરી સલાહ અનુભવી લોકો પાસેથી મેળવવી એ સારી બાબત છે. પરંતુ સાવ બોઘાની જેમ બીજાની વાત માનીને કે બીજાનું આંધળુ અનુકરણ કરવું એ માત્રને માત્ર ખર્ચ વધારનારું, સમય અને શક્તિને વેડફનાર જ પુરવાર થાય છે. આ માટે ખેડૂતોએ જાગૃત થવું આવશ્યક છે. જરૂરી કાર્યો કરવામાં ઢીલ ન કરવી અને બિન જરૂરી ખર્ચ કરવામાં ઉતાવળ ન કરવી એ બાબતની ગાંઠ વાળી લેવી જોઇએ.
તાજેતાજો ઘાણવો
- 5 દિવસમાં આધારકાર્ડ અપડેટ કરાવી લેજો નહીં તો ચુકવવી પડશે ફી
- રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં આ ત્રણ રીતે કરાવી શકશે KYC, જાણો પ્રક્રિયા
- સરકારી નોકરીયાતોને ઘી-કેળા ! આ તારીખથી વધી શકે છે મોંઘવારી ભથ્થુ
- ભરૂચઃ સાપે ડંખ માર્યો તો ભૂવા પાસે લઈ ગયા, ભૂવાએ તાંત્રિકવિધી કરી, બાળકનું મોત
- આધારકાર્ડમાં સરનામું અપડેટ કરાવવા નથી કોઈ દસ્તાવેજની જરૂર, આ છે પ્રક્રિયા