Team Chabuk-Gujarat Desk: દેશમાં કોરોના વાઇરસના નવા વેરિઅન્ટ XEનો વધુ એક કેસ સામે આવ્યો છે. આ નવો કેસ ગુજરાતમાં જોવા મળ્યો છે. વડોદરામાં XE વેરિઅન્ટનો કેસ નોંધાયો હોવાની સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોએ પુષ્ટિ કરી છે. હાલ આ અંગે વધારે જાણકારી નથી આપવામાં આવી કે આ સંક્રમિત દર્દીની હાલત કેવી છે. દેશમાં XE વેરિઅન્ટનો પ્રથમ કેસ મુંબઈમાં મળ્યો હતો. હવે ભારતમાં XE વેરિઅન્ટનો બીજો કેસ મળ્યો છે. ઉલ્લેખનીય છે કે ચીનમાં આ વેરિઅન્ટને કારણે કોરોનાની નવી લહેર આવી છે. WHOના જણાવ્યા પ્રમાણે આ વેરિઅન્ટનો પ્રથમ કેસ 19 જાન્યુઆરીના રોજ બ્રિટનમાં મળ્યો હતો. કોરોના વાઇરસના નવા મ્યુટન્ટને XE તરીકે ઓળખવામાં આવે છે. ઘણા અહેવાલોમાં ઓમિક્રોનનું પેટા વેરિઅન્ટ ba.2 કરતાં વધુ ઝડપથી ફેલાતું હોવાનું નોંધાયું છે.

મળતી માહિતી પ્રમાણે ગત 11 માર્ચના રોજ વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા એક 60 વર્ષના વૃદ્ધનું સેમ્પલ જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યું હતું. જે બાદમાં હવે તે XE વેરિઅન્ટથી સંક્રમિત હોવાનું માલુમ પડ્યું છે. વ્યક્તિની આંતર-રાજ્ય પ્રવાસની કોઈ હિસ્ટ્રી જાણવા મળી નથી.

ઉલ્લેખનીય છે કે મુંબઈમાં 40 વર્ષીય મહિલા નવા વેરિઅન્ટથી સંક્રમિત થઈ હતી. જોકે, રાહતની વાત એ હતી કે મહિલાને કોરોનાના કોઈ લક્ષણો ન હતા. મહિલા 10મી ફેબ્રુઆરીના રોજ સાઉદી અરેબિયાથી પરત ફરી હતી. ભારતીય SARS-CoV-2 જિનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG)ના નિષ્ણાતો સતત કોરોનાના નવા વેરિઅન્ટની જાણકારી મેળવવા માટે જિનોમ સિક્વન્સિંગ કરી રહ્યા છે.
આ નવા વેરિઅન્ટથી અમુક લોકો ચેપગ્રસ્ત થઈ શકે છે પણ અત્યાર સુધી જે વૈશ્વિક પુરાવા મળ્યા છે તેના આધારે સ્પષ્ટ રીતે કહી શકાય કે આ વેરિઅન્ટને કારણે દુનિયાભરમાં અત્યાર સુધી મૃત્યુ મામલે નોટિસમાં નથી આવ્યા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
